સ્વપ્નસ્થ (જ. 13 નવેમ્બર 1913, રાજકોટ; અ. 23 ઑક્ટોબર 1970) : ગુજરાતી કવિ, વાર્તાકાર અને અનુવાદક. મૂળ નામ લક્ષ્મીનારાયણ ઉર્ફે ભનુભાઈ રણછોડલાલ વ્યાસ. અન્ય તખલ્લુસ ‘મોહન શુક્લ’. વતન જામનગર. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. જામનગરવાસી જાણીતા સંગીતજ્ઞ આદિત્યરામજી (1819–1880) એમના પ્રપિતામહ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. અભ્યાસ માત્ર મૅટ્રિક્યુલેશન સુધી પણ નાના, નાની, મામા, પિતા તરફથી સાહિત્યના સંસ્કાર. સાહિત્ય ઉપરાંત ભૂગોળ, વિજ્ઞાન આદિ વિષયોનો પણ સારો અભ્યાસ. 1936માં કવિ કાન્ત(1867–1923)નાં પુત્રી ડોલર સાથે એમનું લગ્ન થયું. 1936થી 1944 દરમિયાન મુંબઈમાં ‘ઝંડુ ફાર્મસ્યુટિકલ્સ વર્કસ’માં નોકરી. પછી થોડા સમય બાદ ‘વંદે માતરમ્’ અને ‘સંસ્કાર’ સામયિકોમાં કામ કર્યું; પણ ક્ષયની બીમારી લાગુ પડતાં વતન જામનગરમાં આરામ. તબિયત સુધરતાં 1948થી 1950 દરમિયાન પાછો મુંબઈમાં વસવાટ. ‘આસોપાલવ’, ‘નૂતન ગુજરાત’ અને ‘હિન્દુસ્તાન’ પત્રોમાં કામગીરી કરી. 1950થી દિલ્હીમાં સોવિયેત રશિયા(યુ.એસ.એસ.આર.)ના પ્રકાશન વિભાગમાં ભાષાન્તરકાર તરીકે જોડાયા તે જીવનના અંત સુધી.
કવિ તરીકે એમનામાં ગાંધીયુગની વિચારસરણીનો પ્રભાવ છતાં સામ્યવાદી પ્રગતિશીલ નવીન પ્રયોગાત્મક શૈલી તરફનો ઝુકાવ કેટલેક અંશે વરતાય છે; આમ છતાં પ્રણય અને પ્રકૃતિનું પ્રાધાન્ય એમના કવનવિષયોમાં રહ્યું છે અને એવાં કાવ્યોમાં એમની કાવ્યશક્તિનો ઉત્તમ આવિષ્કાર પણ પ્રગટ થયો છે. ‘અચલા’ (1937) એમનું શિખરિણી છંદમાં લખાયેલું ભગ્નપ્રેમનું દીર્ઘકાવ્ય છે. હૃદયના વિષાદને વિશિષ્ટ રચનાશક્તિ દ્વારા અસરકારક રીતે અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે. ‘વિનાશના અંશો, માયા’(1938)માં ખાસ કોઈ વર્ગીકરણમાં ન આવે એવા અનોખા વ્યક્તિત્વવાળી, કથાકાવ્યો જેવી બે રચનાઓ છે. તેમાં એમની રસળતી બાનીનો પરિચય થાય છે. ‘અજંપાની માધુરી’(1941)માં નામ નિર્દેશે છે તેમ અજંપ ભાવો મધુર બાનીમાં વ્યક્ત થાય છે. સૉનેટ, ગીત અને અન્ય છંદોબદ્ધ 106 જેટલી રચનાઓના આ સંગ્રહમાં કવિની વિવિધ રીતની સર્જકશક્તિનો વધારે વ્યાપક રૂપે વિકાસ થયેલો જણાય છે. વસ્તુને કલામય તીવ્રતાથી રસી દેવાની એક સાહજિક લાક્ષણિક ફાવટ અહીં જણાય છે. અહીં વાસ્તવદર્શી કાવ્યો તેમજ પ્રણયનાં અને પ્રકૃતિકાવ્યો છે. વાસ્તવદર્શી કાવ્યો કરતાં પ્રકૃતિકાવ્યો વિશેષ રૂપે ખીલી ઊઠ્યાં છે. પ્રણયકાવ્યોમાં બલિષ્ઠ સ્થૂલ પ્રણયથી સૂક્ષ્મ નિર્મળ ઊર્મિસંવેદનની ઊર્ધ્વગતિ સાધતી વિવિધ રચનાઓ રસાવહ છે. આ ત્રણેય કાવ્યસંગ્રહોમાં સામ્યવાદી વિચારસરણીનો ઝાઝો સ્પર્શ વરતાતો નથી. ‘રાવણહથ્થો’ (1942) ભજનો, લોકગીતોના ઢાળો તેમજ સૌરાષ્ટ્રની છાંટવાળી બાનીના પ્રભાવથી યુક્ત રચનાઓ ધરાવે છે. એમાં દેશ અને સમાજમાં વ્યાપેલાં શોષણ, દરિદ્રતા, ગુલામી, યાતના-પીડા આદિથી ત્રસ્ત લોકસૃષ્ટિ અંગે રોષ અને વેદનાપૂર્ણ આક્રોશ છે. સમાજમાં પરિવર્તન લાવવાનો ક્રાંતિકારી મિજાજ અહીં છે. આ સંગ્રહની કેટલીક રચનાઓમાં સામ્યવાદી રંગનો પાસ વધારે સ્પષ્ટ છે. જોકે એમના સમગ્ર સર્જનમાં એનું પ્રમાણ અલ્પ કહેવાય એવું છે. ‘ધરતી’ (1946) એમનું હજારેક પંક્તિનું ચિંતનરસ્યું સુદીર્ઘકાવ્ય છે. તેમાં માનવસંસ્કૃતિ અને માનવવ્યવહારોની વિકાસકથા આલેખવામાં આવી છે. પ્રવાહી પૃથ્વી છંદમાં રચાયેલી સુદીર્ઘ પ્રકારની પહેલી કૃતિ તરીકે તે નોંધપાત્ર છે. ઘણા સમયને અંતરે 1968માં ‘લાલ સૂર્ય’ નામે પ્રગટ થયેલા કાવ્યસંગ્રહમાં કવિની સામ્યવાદી વિચારસરણી પ્રત્યે ભક્તિની ભાવના વ્યક્ત થાય છે અને નવીન પ્રગતિશીલ પ્રયોગાત્મકતાનો તંતુ પણ એમાં વરતાય છે. કવિ સોવિયેતના લાલ નાગરિકો, સ્તાલિન કે લાલ સૈનિકોને બિરદાવે છે. ‘ચિર વિરહ’ (1973) એમનો મરણોત્તર પ્રકાશિત થયેલો વિવિધ રચનાઓનો કાવ્યસંગ્રહ છે. તેમાં એમની સર્જકશક્તિનો વિકાસ અને વિલાસ હૃદ્ય છે. સ્વપ્નસ્થની કવિતામાં ક્યાંક છંદની ત્રુટિઓ, લયની શિથિલતા અને વિચારાભિવ્યક્તિમાં સંદિગ્ધતા માલૂમ પડે છે. પણ કવિ પોતાની એવી મર્યાદાઓ પરત્વે સભાન હોય એમ જણાય છે. આમ છતાં રસયુક્ત ઔચિત્યપૂર્ણ અર્થવાહક સુભગ સુંદર કાવ્યબાની પ્રારંભથી જ ક્યાંક ક્યાંક વરતાતી રહી છે. વળી મુગ્ધકર કલ્પનાશક્તિ અને મૌલિક અભિવ્યક્તિની છટા પણ એમાં દેખાય છે.
‘દિનરાત’ (1946) અને ‘ધૂણીનાં પાન’ (1950) એમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. એમાં કેટલીક વાર્તાઓમાં ગરીબાઈ, શોષણ અને ભેદભાવને કારણે પ્રગટતી સામાજિક વિષમતા અને અન્ય વ્યાપક દૂષણોનું સરોષ અભિનિવેશથી નિરૂપણ થયું છે તો કેટલીક વાર્તાઓમાં જાતીય આકર્ષણનું નિરૂપણ થયું છે. સમાજનું વાસ્તવદર્શી અવલોકન અને તેનું હૃદયસ્પર્શી બયાન આ વાર્તાઓમાં ધ્યાનપાત્ર છે. પાત્રોનું સુરેખ ચિત્રણ અને ઝીણું રેખાંકન એમની વાર્તાઓની લાક્ષણિકતા છે. ‘જાહનવી’ (1953) નામે એમની નવલકથામાં સામ્યવાદી વિચારસરણીનો પ્રભાવ છે. સામ્યવાદ અને તે અન્તર્ગત જીવનશૈલીની અસર તળે બે પ્રેમીના મુગ્ધ પ્રણયમાં આવતાં સ્થિત્યંતરોનું પ્રતીતિજનક આલેખન એમાં છે. ‘શોધ’ (1939)એ ‘મોહન શુક્લ’ તખલ્લુસે લખેલી તેમની લાંબી ટૂંકી વાર્તા છે, તો ‘ખોવાયેલી દુનિયા’ (1969) એમની રસપ્રદ નવલકથા છે.
‘યુગપુરુષ ગાંધી’ (1943), ‘પૂનમનાં પોયણાં’ (1953) અને ‘પલટાતો જમાનો’ એમના અનૂદિત ગ્રંથો છે. તેઓ સોવિયેત પ્રચાર-વિભાગમાં ગુજરાતી ભાષાન્તરકાર તરીકે રહ્યા હોવાથી ભાષાન્તર પર એમની હથોટી સારી છે. ‘સાહિત્ય અને સંસ્કાર’ (1944) તેમજ ‘સાહિત્ય અને પ્રગતિ’ ભાગ 1, 2 (1940; 1945) એ માર્કસવાદી અભિગમવાળાં કાવ્યો, વાર્તાઓ અને નિબંધોના અન્યના સાથમાં એમણે સંપાદિત કરેલા ગ્રંથો છે.
મનોજ દરુ