સ્લૉઅન, ઍલ્ફ્રેડ પ્રિચાર્ડ, જુ. (જ. 1875, ન્યૂ હેવન, કનેક્ટિકટ; અ. 1966) : અમેરિકાના કુશળ ઉદ્યોગપતિ તથા જાણીતા માનવતાવાદી. 1920ના દાયકાથી તેમણે જનરલ મોટર્સને પુન:સંગઠિત કરવા તથા સુસજ્જ કરવા પિયર ડુ પૉટ સાથે કાર્ય કરવા માંડ્યું. 1924માં તે એ મોટરઉદ્યોગના પ્રમુખ બન્યા અને પછી 1937થી 1956 દરમિયાન તેના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમના માર્ગદર્શન હેઠળ આ કંપની વિશ્વની એક સૌથી મોટી ઔદ્યોગિક કૉર્પોરેશન બની રહી.
ઍલ્ફ્રેડ પ્રિચાર્ડ સ્લૉઅન
1937માં તેમણે ઍલ્ફ્રેડ પી. સ્લૉઅન ફાઉન્ડેશનની સ્થાપના કરી, માનવતાવાદી કાર્યોમાં સહાય કરી તેમજ 1945માં કૅન્સર સંશોધન માટે સ્લૉઅન કૅટરિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેમની આત્મકથા ‘માઇ યર્સ વિથ જનરલ મોટર્સ’ (1964) મૅનેજમેન્ટ સાહિત્યનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
મહેશ ચોકસી