સ્લેટ : સૂક્ષ્મ દાણાદાર વિકૃત ખડક. તે મુખ્યત્વે તો ક્વાર્ટ્ઝ અને અબરખના કણોથી બનેલો હોય છે, તેમ છતાં તેમાં સ્થાનભેદે અને બંધારણભેદે ક્લોરાઇટ, હેમેટાઇટ તેમજ અન્ય ખનિજો થોડી માત્રામાં હોઈ શકે છે. તે મોટે ભાગે તો રાખોડીથી કાળા રંગમાં મળે છે; પરંતુ બંધારણમાં રહેલાં ખનિજોના પ્રમાણ મુજબ તે રાતો કે જાંબુડિયો પણ હોઈ શકે છે. આ ખડક નાનાં, મોટાં, પાતળાં, જાડાં પડમાં સરળતાથી છૂટો પડી શકે છે.
મોટા ભાગના સ્લેટ-ખડકો જળકૃત પ્રકારના શેલ-ખડકમાંથી ઊંડાણમાં દબાણની અસર હેઠળ આવવાથી બનતા હોય છે. શેલ-ખડકો પણ ક્વાર્ટ્ઝ અને મૃદના સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. પોપડાના ઊંડાણમાં શેલ-ખડક પર દાબનાં પ્રતિબળોની અસર થવાથી મૃદનું અબરખ અને ક્લોરાઇટના કણોમાં રૂપાંતર થાય છે. ગિરિનિર્માણની ક્રિયામાં શેલ સામેલ થાય તો તે દાબની ભીંસમાં આવવાથી, તેના બંધારણમાં રહેલાં ખનિજો અન્યોન્ય સમાંતર પડોમાં ગોઠવાય છે. આ પ્રકારની કણગોઠવણીને સ્લેટ સંરચના કહે છે. સમાંતર પડોમાં ગોઠવાયેલા આ ખડકની વિભંજન-સપાટીઓ પણ સમાંતર હોય છે, જે સ્લેટ-સંભેદ (slaty cleavage) તરીકે ઓળખાય છે.
કોલસાની ખાણોમાં કામ કરતા ખાણિયાઓ દ્વારા કોલસા સાથે મળતા કોઈ પણ પ્રકારના શેલ-ખડક માટે આ પર્યાય ઉપયોગમાં લેવાતો હતો. કોલસાના તદ્દન પાતળા, ઘનિષ્ઠ પડ માટે પણ આ શબ્દ વપરાય છે.
પંકપાષાણ, કાંપપાષાણ અને અન્ય મૃણ્મય નિક્ષેપોમાંથી નિમ્ન કક્ષાની દાબ-પ્રકારની પ્રાદેશિક વિકૃતિથી તૈયાર થયેલા, વિવિધ પ્રકારના અતિસૂક્ષ્મ દાણાદાર, સુસ્પષ્ટ વિભાજકતા(સ્લેટ-સંભેદ)નો ગુણધર્મ ધરાવતા ખડકો માટે ઉપયોગમાં લેવાતું સામૂહિક નામ એટલે સ્લેટ. સ્લેટ એ એવો ખડક છે, જેમાં સુસ્પષ્ટ ખડક સંભેદ વિકસેલો હોય છે, તદ્દન ઓછા પ્રમાણમાં સ્ફટિકીકરણ પામેલો હોય છે, જેથી કરીને તે શેલની જેમ જ અતિસૂક્ષ્મ દાણાદાર દેખાતો હોય છે. આમ સ્લેટનું ઘણું અગત્યનું લક્ષણ એ તેની પૂર્ણ વિભાજકતા છે, જે સ્લેટ-સંભેદ તરીકે ઓળખાય છે. આ સ્લેટ-સંભેદ જ્યારે નિયમિત અને પૂર્ણ પત્રવત્ સંરચનામાં ફેરવાય ત્યારે સ્લેટને ફીલાઇટ કહેવાય છે. સ્લેટ જ્યાં જ્યાં ઉષ્ણતા-વિકૃતિની અસર હેઠળ આવે છે ત્યાં તેમાં નવાં પ્રારંભિક ખનિજોનાં ટપકાં કે ગાંઠો વિકસે છે જે ટપકાંવાળા (spotted) કે ગાંઠવાળા (knoted) સ્લેટ-ખડક તરીકે ઓળખાય છે; પરંતુ ક્યારેક પાયરાઇટ કે ચાયાસ્ટોલાઇટ (ઍન્ડેલ્યુસાઇટનો પ્રકાર) જેવાં પારખી શકાય એવાં નવાં ખનિજોના સ્ફટિકો પણ વિકસેલા હોય છે. આ કારણોથી ‘સ્લેટ’ શબ્દ અમુક ઉષ્ણતા-વિકૃતિજન્ય ખડકને નામ આપવા માટે પણ ક્યારેક ઉપયોગમાં લેવાય છે. તેનું મૂળ કારણ તો તેમાં રહેલી વિભાજકતા (સંભેદ) હોય છે. ઉષ્ણતા-વિકૃતિ વાસ્તવમાં તો સંભેદ ઉત્પન્ન કરી શકતી નથી, ખરેખર તો તે તેનો નાશ કરવાનું વલણ ધરાવે છે, જેમાંથી હૉનફેલ્સ તૈયાર થતા હોય છે.
સ્લેટમાં જોવા મળતાં મુખ્ય ખનિજો પૈકી મસ્કોવાઇટ (સેરિસાઇટ તરીકે), ક્લોરાઇટ અને ક્વાર્ટ્ઝ હોય છે. ટુર્મેલીન, રુટાઇલ, એપિડોટ, સ્ફીન, હેમેટાઇટ અને ઇલ્મેનાઇટ અનુષંગી ખનિજો છે.
ઉપયોગ : ફર્શ અને છતના બાંધકામ માટે સ્લેટ-ખડકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. 8 મિમી.થી 14 મિમી. સુધીની જાડાઈનાં પડોમાં તેને વિભાજિત કરી શકાય છે. જરૂરી જાડાઈના પાટડા(slab)ના કદમાં પણ તેને તૈયાર કરી લગાડી શકાય છે. તે હવામાનનો પ્રતિકાર કરી શકે છે, ટકાઉ છે; એટલું જ નહિ, ઘણી જગાઓ માટે સસ્તા પડે છે અને આચ્છાદન માટે અનુકૂળ આવે છે. શાળાઓનાં બાળકો લખવા માટે જે સ્લેટ વાપરે છે તે પણ તેમાંથી જ બને છે.
યુ.એસ. અને ઇંગ્લૅન્ડ (વેલ્સ), સ્કૉટલૅન્ડના કેટલાક વિસ્તારોમાં તેમજ જર્મની, ફ્રાન્સમાં સારી જાતના સ્લેટ-ખડકો મળે છે અને તે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં સિમલા-સ્લેટ નામે ઓળખાતો ખડકપટ્ટો સિમલા અને સતલજ નદીની વચ્ચે આવેલો છે. આ ઉપરાંત અરવલ્લી પર્વતમાળામાં પણ સ્લેટ મળે છે. ભારતના સ્લેટ-ખડકોની કુલ સંપત્તિની પદ્ધતિસરની આકારણી તો કરવામાં આવેલી નથી, તેમ છતાં દેશમાં તેનો વિપુલ જથ્થો હોવાનું મનાય છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા તેમજ બિહાર સ્લેટ-ખડક માટેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મધ્યપ્રદેશનો મંદસોર જિલ્લો દેશના કુલ સ્લેટ-ઉત્પાદનનો 60 %થી 70 % હિસ્સો આપે છે. બિહારમાં તે મુંગેરની ખડગપુરની ટેકરીઓમાંથી અને પૂર્વ સિંગભૂમ વિસ્તારમાંથી મેળવવામાં આવે છે.
સ્લેટ-સંભેદ
સ્લેટ-સંભેદ : સ્લેટ-ખડકમાં જોવા મળતી લાક્ષણિક સૂક્ષ્મ પત્રવત્ વિભાજનશીલ સંરચના. આ પ્રકારનો સંભેદ સ્લેટને મળતા આવતા અન્ય ખડક-પ્રકારોમાં પણ હોઈ શકે છે. તે પતરી આકારના કે સૂક્ષ્મ અંડાકાર, ગોલકીય ખનિજોની સમાંતર ગોઠવણીને પરિણામે ઉદભવતો હોય છે.
સ્લેટ-સંભેદ સૂક્ષ્મદાણાદાર ખનિજધારક ખડકોમાં ઉગ્ર વિરૂપતાને કારણે વિકાસ પામે છે. આવા ખડકોમાં ગેડના અક્ષતલને સમાંતર એટલે કે દાબના પ્રતિબળની લંબદિશામાં ખનિજ-પતરીઓનું કે સૂક્ષ્મ ગોલકોનું અંશત: પુન:સ્ફટિકીકરણ થતું હોય છે. સામાન્યત: આવું સ્ફટિકીકરણ સ્તરરચનાનાં બધાં જ લક્ષણોનો નાશ કરતું હોતું નથી.
સામાન્યત: મૃણ્મય નિક્ષેપો કે કેટલાક જ્વાળામુખીજન્ય ટફ પણ સ્લેટ-સંભેદ રજૂ કરતા માલૂમ પડેલા છે. ચૂનાયુક્ત કે ક્વાર્ટ્ઝાઇટયુક્ત નિક્ષેપો પણ સ્લેટ-સંભેદને મળતી આવતી પણ ઓછી વિકસેલી વિભાજકતા રજૂ કરતા હોય છે. મૂળ અર્ધગોલકીય કણો (ગોળાકાર સૂક્ષ્મ જીવાવશેષો) ખડક-વિરૂપતા હેઠળ ખેંચાઈને આ જ રીતે ગોઠવાયેલા જોવા મળે છે. છતના ઉપયોગમાં લેવાતા સ્લેટમાં આવા ગોલકોની ત્રણ અક્ષ a : b : c આશરે 1.5 : 1 : 0.4ની લંબાઈના ગુણોત્તરમાં હોવાનું માલૂમ પડેલું છે. આ ઉપરથી નક્કી થઈ શકે છે કે સંભેદ-સપાટીઓની લંબદિશામાં દાબની અસર થાય છે અને તેથી સંભેદની સમાંતર દિશામાં ગોલકો કે પતરીઓ ચપટી અને સૂક્ષ્મ બને છે; પરિણામે તે નરી આંખે જોઈ શકાતી નથી. સૂક્ષ્મદર્શક હેઠળ જોતાં, ખડકોનો મોટો ભાગ મસ્કોવાઇટ કે ક્લોરાઇટની પતરીઓથી બનેલો દેખાય છે અને તેનાં જૂથ એકબીજાને લગભગ સમાંતર ગોઠવાયેલાં હોય છે. આમ આ ખડકનું માળખું તૈયાર થતું હોય છે. પછીથી તૈયાર થયેલા નવા મસ્કોવાઇટ, ક્લોરાઇટ કે અન્ય મહાસ્ફટિકો જો તેમાં આવે તો તેમને પણ આ જ માળખામાં જૂની સમાંતર ગોઠવણીમાં ગોઠવાવું પડે છે, જે ટપકાંવાળા કે ગાંઠવાળા સ્લેટમાં વિશિષ્ટપણે જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા