સ્લાઇમેન, હેન્રિક (જ. 6 જાન્યુઆરી 1822, ન્યૂબુકો; અ. 26 ડિસેમ્બર 1890, નેપલ્સ) : પ્રસિદ્ધ જર્મન પુરાતત્ત્વવિદ. ટ્રૉય, માયસેના અને ટાઇરિન્સના સંશોધક. પ્રાગૈતિહાસિક ગ્રીસના આધુનિક સંશોધક તરીકે તેમની ગણના થાય છે. તેઓ ગરીબ પાસ્ટર(પાલક = પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના ધર્મગુરુ)ના પુત્ર હતા. નાનપણમાં પિતાજીએ આપેલ ઇતિહાસના પુસ્તકમાં છપાયેલ ટ્રૉયના ચિત્રની સ્મૃતિ એમના માનસપટ પર ઝિલાઈ ગઈ હતી. 14 વર્ષની વયે કરિયાણાની દુકાનમાં મદદનીશ તરીકે કામ કર્યું. નાદુરસ્ત તબિયતને લીધે તે કામ છોડવું પડ્યું અને વહાણમાં ‘કૅબિન બૉય’ તરીકે જોડાયા. એ પછી તેમણે ઍમસ્ટરડૅમમાં ઑફિસબૉય અને પુસ્તકોની દેખરેખ રાખવાનું કામ કર્યુ. તેઓ અનેક ભાષાઓ જાણતા હતા.

હેન્રિક સ્લાઇમેન

ક્રિમિયન વૉરમાં તેમણે લશ્કરી કૉન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું. 1850માં અમેરિકા ગયા અને ત્યાંના નાગરિક બન્યા. રશિયા ગયા પછી 36 વર્ષની ઉંમરે પોતાના કામધંધામાંથી નિવૃત્તિ લઈને પ્રાગૈતિહાસિક પુરાતત્વ અને વિશેષ કરીને હોમરકાલીન ટ્રૉયની જગ્યાની શોધ માટે પોતાની શક્તિ, સમય અને ધન વાપર્યાં. તેમણે ગ્રીસ, ઇટાલી, સ્કેન્ડિનેવિયા, જર્મની, સીરિયા, ભારત, ચીન અને જાપાનનો પ્રવાસ કર્યો. પૅરિસમાં તેમણે પુરાતત્વવિદ્યાનો અભ્યાસ કર્યો. 1868માં હોમરકાલીન સ્થળો અને એશિયા માઇનોરનું સંશોધન હાથ ધર્યું. બીજા જ વર્ષે તેમનું પ્રથમ પુસ્તક ‘ઇથક દેર પેલો પોન્નસ ઍન્ડ ટ્રૉય’ પ્રસિદ્ધ થયું. સ્લાઇમેન સાચે જ પ્રાગૈતિહાસિક ગ્રીક પુરાતત્વવિદ્યાના સર્જક કહેવાય છે. 1871માં અંગ્રેજ પુરાતત્વવિદ્ ફ્રેડરિક કેલ્વર્ટે હિસાર્હક (Hisarhk) મુકામે ઉત્ખનન કરાવ્યું હતું. સ્લાઇમેને તે માનવસર્જિત ટીંબાનું કામ મોટા પાયે હાથમાં લીધું. તેમનું માનવું હતું કે હોમરકાલીન ટ્રૉય ટીંબાના સૌથી નીચેના થરે દટાયેલું હોવું જોઈએ. 1873માં તેમણે કિલ્લેબંધી અને નગરની પ્રાચીનતાના અવશેષો તેમજ સોનાનાં ઘરેણાંનો ખજાનો શોધી કાઢ્યો. શોધી કઢાયેલ નગરને તેમણે હોમરકાલીન ટ્રૉય તરીકે ઓળખાવ્યું. તેમની આ શોધ વિશેની માન્યતાઓ 1874માં તેમના પુસ્તક ‘ટ્રોજાનિસ્કે ઓલ્ટર્ટુમર(ટ્રોજન એન્ટિક્વિટી)માં પ્રગટ થઈ. ઘણા વિદ્વાનોએ, ઇંગ્લૅન્ડના વડાપ્રધાન વિલિયમ એવર્ટ ગ્લૅડસ્ટન જેઓ શિષ્ટ વિદ્યાના વિદ્વાન હતા તેમણે પણ સ્લાઇમેનની કરાવેલી ટ્રૉયની ઓળખને માન્ય રાખી. 1874–1876માં સ્લાઇમેને બોએટિયામાં ઓર્કોમેનસ મુકામે ઉત્ખનન કર્યું. આ દરમિયાન ‘ટ્રોજા ઍન્ડ સિને રુઇનેન’ (ટ્રૉય ઍન્ડ ઇટ્સ રુઇન્સ) પુસ્તક પ્રસિદ્ધ થયું અને માયસેનાનું ઉત્ખનન શરૂ કર્યું. 1876માં થોલોઈના ઉત્ખનનનું કામ હાથમાં લીધું. દફન પામેલ 16 મૃતદેહો પાસેથી સોના-ચાંદી અને તાંબાનો ખજાનો તથા હાથીદાંતની ચીજવસ્તુઓ મળી આવી. તેઓ માનતા હતા કે શોધાયેલ કબરો પૈકી બે એગમેમનોન અને ક્લાયટેમ્નેસ્ટ્રાની કબરો હતી. આ મહત્વની શોધ 1878માં ‘માયકેના’ (માયસેના) પુસ્તકમાં રજૂ થઈ. 1878માં ઇથાકાના ઉત્ખનનમાં સફળતા મળી નહિ. એથી તે જ વર્ષે હિસાર્હકમાં ખોદકામ કર્યું. 1882–83માં ટ્રૉયમાં ત્રીજી વખત અને 1888થી મૃત્યુ સુધી ચોથી વારનું ખોદકામ કર્યું. 1884માં ડોર્યફીલ્ડ તિરાઈનસ (માયસેના પાસે) ખાતે ઉત્ખનન કર્યું. ઉત્તરાવસ્થામાં કાનની બીમારીથી ઘણું પીડાયા અને તેની સારવાર યુરોપમાં અનેક નિષ્ણાતો પાસે કરાવી, પરંતુ તેનું કોઈ ફળદાયી પરિણામ ન આવ્યું. 25મી ડિસેમ્બર 1890ના રોજ નેપલ્સના ચોકમાં ચાલતા ચાલતા પડી ગયા અને બીજા દિવસે મૃત્યુ પામ્યા.

થૉમસ પરમાર