સ્લૅને, મૅરી (જ. 4 ઑગસ્ટ 1958, રેમિન્ગટન, ન્યૂ જર્સી, યુ.એસ.) : અમેરિકાનાં લાંબા અંતરનાં મહાન મહિલા દોડવીર. તેઓ 1983માં 1,500 મિ. અને 3,000 મિ.માં એમ બંને સ્પર્ધામાં વિશ્વ ચૅમ્પિયનશિપમાં વિજેતા બન્યાં. 1973માં યુ.એસ.એસ.આર. સામે 1 માઈલ ઇન્ડોરની સ્પર્ધામાં તેમણે ભાગ લીધો ત્યારે 14 વર્ષ અને 224 દિવસના સ્પર્ધક તરીકે તેઓ સૌથી નાની વયનાં યુ.એસ. આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યાં. એ વર્ષે પાછળથી તેઓ યુ.એસ.એસ.આર. સામે 800 મિ.માં વિજેતા બન્યાં અને 1974માં 800 વાર માટે વિશ્વનો ઇન્ડોરનો ઉત્તમ આંક નોંધાવ્યો. પછીનાં 4 વર્ષ તેઓ ઉપરાઉપરી ઈજાઓ થતી રહેવાથી સ્પર્ધામાં ભાગ્યે જ ભાગ લઈ શક્યાં. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમને પગની ઈજાઓ સતત પીડા આપતી રહી અને લગભગ બધાં મળીને તેમને બારેક ઑપરેશન કરાવવા પડ્યાં હશે; છતાં યુ.એસ.ના લાંબા અંતરના સ્પર્ધક તરીકે પ્રભુત્વ મેળવવા તેઓ એ બધાંમાંથી સતત પાર ઊતરતાં રહ્યાં અને 800 મિ.થી માંડીને 10,000 મિ. સુધીનાં વિવિધ અંતર માટે 24 યુ.એસ. વિક્રમ સ્થાપ્યા. 1980 અને 1982માં 1 માઈલ માટે અનુક્રમે 5,000 મિ. તથા 10,000 મિ. માટે વિશ્વવિક્રમ સર્જ્યો તેમજ 1985માં 1 માઈલ માટે પણ એવો જ વિક્રમ સર્જ્યો અને એ રીતે મહિલાઓ માટેના સર્વાંગી ગ્રૅન્ડ પ્રિક્સનાં વિજેતા બન્યાં.
મૅરી સ્લૅને
1974 અને 1985ની વચ્ચે તેમણે વર્લ્ડ ઇન્ડોરના 16 સર્વોત્તમ આંક નોંધાવ્યા. યુ.એસ. ઑલિમ્પિક ટ્રાયલ્સમાં તેઓ 1980માં 1500 મિ.માં, 1984માં 3000 મિ.માં, 1988માં 1500 મિ. અને 3,000 મિ.માં વિજેતા બન્યાં; પણ તેમની ઑલિમ્પિક કારકિર્દી કથળી ગઈ હતી. યુ.એસ. દ્વારા જાહેર કરેલ બહિષ્કારના પરિણામે તેઓ 1980ના ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ શક્યાં ન હતાં; 1984માં તેઓ લૉસ ઍન્જેલસ ખાતે 3,000 મિ.માં ગબડી પડ્યાં હતાં. 1988માં તેઓ 1,500 મિ.માં આઠમા ક્રમે અને 3,000 મિ.માં દશમા ક્રમે રહ્યાં હતાં. 1992માં ટ્રાયલ્સમાં તેઓ 1,500 મિ.માં ચોથા ક્રમે રહેવાથી યુ.એસ.ની ટીમમાં જઈ શક્યાં નહિ. 1979માં તેઓ 1,500 મિ.માં પાન-અમેરિકન ચૅમ્પિયન બન્યાં અને 1974માં 800 મિ. યુ.એસ. વિજયપદકનાં વિજેતા બન્યાં. 1982–83માં 1,500 મિ. અને 1983માં 3,000 મિ.માં પણ તેઓ વિજેતા નીવડ્યાં હતાં.
મહેશ ચોકસી