સ્રાફા, પિયરો (જ. 1898, તુરિન; અ. 1983, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ઇટાલિયન સોશિયાલિસ્ટ જે સ્થળાંતર કરીને વીસમી સદીના ત્રીજા દાયકામાં ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ નગરમાં કાયમી ધોરણે વસ્યા. સામાન્ય રીતે એકાકી જીવન પસંદ કરનાર આ વિચારકને બુદ્ધિજીવીઓની સંગાથમાં રહેવાનું ગમતું; જેમાં ઇંગ્લૅન્ડના અર્થશાસ્ત્રી જૉન મેનાર્ડ કેઇન્સ તથા જર્મનીના દાર્શનિક લુડ્વિગ વિટ્ગેન્સ્ટાઇનનો ખાસ સમાવેશ થતો હતો.
પિયરો સ્રાફા
વીસમી સદીના ત્રીજા દાયકામાં ઇંગ્લૅન્ડના તેમના વસવાટના શરૂઆતનાં વર્ષોમાં ઉત્પાદન-પેઢીના વિશ્લેષણમાંથી તે સમય સુધી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ જેવા અર્થશાસ્ત્રીઓએ તારવેલા સિદ્ધાંતોની ત્રુટિઓ ખોળવામાં તેઓ વ્યસ્ત રહેતા. તેમની દૃષ્ટિએ સંપૂર્ણ હરીફાઈની વિભાવના પર રચાયેલા મૂલ્યના સિદ્ધાંતો મૂડીવાદના વાસ્તવિક આર્થિક જગત સાથે સુસંગત હોતા નથી અને તેથી મૂડીવાદ પર આધારિત બજારની વાસ્તવિક પરિસ્થિતિઓના સંદર્ભમાં અર્થશાસ્ત્રીઓએ નવા સિદ્ધાંતો તારવવા જોઈએ. 1960માં પ્રકાશિત તેમના પુસ્તકમાં તેમણે મૂલ્યનો નવો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો, જેમાં વસ્તુઓના મૂલ્યનિર્ધારણમાં ઉત્પાદન-ખર્ચ કેવી રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે તેના પર રચાયેલું એક નવું મૉડલ તેમણે પ્રસ્તુત કર્યું હતું. આ મૉડલ દ્વારા તેમણે મૂલ્યનિર્ધારણમાં ટૅક્નૉલૉજીના ફાળા પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. જે ધારણાઓ પર સ્રાફાએ પોતાના આ મૉડલની રજૂઆત કરી હતી તેના પરથી કેટલાક અર્થશાસ્ત્રીઓએ એવું અનુમાન કર્યું છે કે સ્રાફાનું આ મૉડલ જૉન વૉન ન્યૂમને રજૂ કરેલ આર્થિક પ્રવૃત્તિઓ અંગેના સર્વસામાન્ય મૉડલનો જ એક વિશિષ્ટ પ્રકાર (case) છે.
તેમણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી ડૅવિડ રિકાર્ડોના સમગ્ર લેખનકાર્ય તથા પત્રવ્યવહારનું સંકલન કરી, તેનું સંપાદન કરી, તેને અગિયાર જેટલા ખંડોમાં પ્રકાશિત કરવાનું શકવર્તી કામ કર્યું છે. આ કાર્ય તેમણે 1930–1971ના ગાળામાં કર્યું હતું. તે ઉપરાંત સ્રાફાએ બે બીજા મૌલિક ગ્રંથો પણ આપ્યા છે : ‘ધ લૉઝ ઑવ્ રિટનર્સ અન્ડર કમ્પેટિટિવ કન્ડિશન્સ’, જે અંગેનો તેમનો લેખ 1926માં ઇકૉનૉમિક જર્નલમાં પ્રકાશિત થયો હતો અને બીજો 1960માં પ્રકાશિત થયેલ ગ્રંથ ‘પ્રૉડક્શન ઑવ્ કમૉડિટિઝ બાય મીન્સ ઑવ્ કમૉડિટિઝ’.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે