સ્મૃતિ અને સ્મૃતિલોપ
સ્મૃતિ (memory)
નવી માહિતીનો કાર્યક્ષમ રીતે સંગ્રહ કરીને જાળવી રાખવાની એવી ક્રિયા, જેને લીધે સમય વીત્યા પછી જરૂર પડે ત્યારે તેને સભાન મનમાં લાવી શકાય. આમ સ્મૃતિ એટલે જ્ઞાનને મનના સંગ્રહ-કોઠારમાં મૂકવું અથવા ત્યાંથી બહાર કાઢીને એ જ્ઞાનથી ફરી સભાન બનવું.
જે રીતે સંગણક યંત્ર (computer) સંચય કરેલી માહિતી ઉપર વિવિધ પ્રક્રિયા કરે છે, એ જ રીતે જ્ઞાનેન્દ્રિયો વડે મેળવેલી વિગતોમાં માનવમગજ થોડો ફેરફાર કરીને તેને એ રીતે આકાર આપે છે, જેથી એ વિગતો મગજના માળખામાં બંધબેસતી રીતે ગોઠવાઈ શકે. આમ સ્મૃતિમાં માણસો અનુભવોનું રૂપાંતર કરીને તેને એ રીતે આત્મસાત્ કરે (assimilate) છે કે જેથી એ અનુભવો પહેલાંના જ્ઞાન સાથે સરસ રીતે ભળીને એકરૂપ બની જાય.
સ્મૃતિની ત્રણ પ્રક્રિયાઓ છે : સંકેતાંકન, સંગ્રહ (સંચય), પુન:પ્રાપ્તિ.
સંકેતાંકન : ઇંદ્રિયોમાંથી આવતા જ્ઞાનને એવા સંકેતોના રૂપમાં બદલવામાં આવે છે કે જેથી તેમના ઉપર મગજ પ્રક્રિયા કરી શકે; દા.ત., મેઘધનુષ્યના રંગોને યાદ રાખવા માટે ‘રાનાપીલીભૂવાજા’ એ સૂત્રનો સંકેત આપવામાં આવે છે. આમ, મોટા ભાગે સ્મૃતિ ભૂતકાળના અનુભવની આબેહૂબ નકલ હોતી નથી.
સંગ્રહ : સંકેતમાં મૂકેલી માહિતીનો મગજમાં યોગ્ય સ્થાને સંગ્રહ થાય છે, જે વધતા-ઓછા સમય સુધી સચવાઈ રહે છે.
પુન:પ્રાપ્તિ : પાછળથી જરૂર પડે ત્યારે પ્રસ્તુત માહિતીને મગજના માહિતીઓના સંગ્રહમાંથી શોધી કાઢીને પાછી મેળવવામાં આવે છે.
જ્ઞાનેન્દ્રિયમાં આવી પહોંચેલી માહિતીને સંકેત આપતાં પહેલાં યોગ્ય વર્ગમાં મૂકવી પડે છે; જેમ કે દૃશ્ય, ધ્વનિ, ગંધ વગેરે. [દા. ત., સાઇરન સંભળાય ત્યારે તે એક ધ્વનિ છે, યાંત્રિક અવાજ છે (માનવ કે પ્રાણીનો નથી) અને ચેતવણી સૂચવતો અવાજ છે.] સાઇરનનો અવાજ જાણીતા બંબાના ઘંટના અવાજ જેવું કાર્ય કરતો હોવાથી, હાલનો અનુભવ પહેલાના અનુભવ સાથે જોડાઈ જાય છે અને યાદ રહે છે.
આકૃતિ 1 : સ્મૃતિનાં તંત્રો અને તેના સંબંધો
જેને સંકેત આપ્યો છે એવી સામગ્રીને મગજરૂપી બૅંકના સલામત ખાના(safe-locker)માં મૂકીને સાચવવામાં આવે છે. માહિતીને જેટલી ચોકસાઈથી અને વ્યવસ્થિત રીતે વર્ગમાં કે ખાનામાં મૂકી હોય તેટલે અંશે તે સારી સચવાય છે. ધારો કે વેપારીએ નવા ગ્રાહકનું નામ ‘વાડીલાલ ગાંધી’ સાંભળ્યું. ‘વાડીનાં લાલ ફૂલોમાંથી સુગંધ આવે છે’ – એ રીતે એને સંકેત આપવાથી એ નામ સરળ રીતે સચવાય છે. જ્યારે વાડીલાલ ફરીથી દુકાને આવે ત્યારે તેનું નામ વેપારીને મુશ્કેલી વિના ફરીથી પ્રાપ્ત થાય છે.
સ્મૃતિનાં ત્રણ તંત્રો છે : સંવેદક સ્મૃતિ, અલ્પકાલીન સ્મૃતિ અને દીર્ઘકાલીન સ્મૃતિ. આંખ કે કાન જેવી જ્ઞાનેન્દ્રિય ઉપર દૃશ્યની કે અવાજની પડેલી છાપ થોડી ક્ષણ માટે જ જળવાય છે, એને સંવેદક (sensory) સ્મૃતિ કહે છે. આવા રંગો, આકારો, ગંધો કે ધ્વનિઓની સ્મૃતિ તરલ હોય છે. માણસને તેનું માંડ ભાન થાય ત્યાં તો તે અદૃશ્ય બને છે. દૃશ્યોની સંવેદક સ્મૃતિને પ્રાતીક (iconic) સ્મૃતિ કહે છે. ધ્વનિઓની સંવેદક સ્મૃતિ ‘નાદ-સ્મૃતિ’ (echoic) કહેવાય છે. મોટા ભાગની પ્રાતીક સ્મૃતિઓ એક તૃતીયાંશ સેકંડમાં ઝાંખી પડે છે. મોટા ભાગની નાદ-સ્મૃતિઓ બે સેકંડ સુધી ટકે છે. તેથી પ્રાતીક કરતાં નાદ-સ્મૃતિઓનું અલ્પકાલીન સ્મૃતિમાં વધુ રૂપાંતર થાય છે. સંવેદક સ્મૃતિઓ અત્યંત ટૂંકા સમય સુધી ટકતી હોવાથી એમાંની ઘણી સ્મૃતિઓનું વિસ્મરણ થાય છે અને એ અલ્પકાલીન સ્મૃતિ સુધી પહોંચતી નથી, કારણ કે એને વર્ગમાં મૂકીને સંકેત આપવાનો સમય બચતો નથી.
હમણાં જ અનુભવેલાં સંવેદનોને એકાદ મિનિટ સુધી યાદ રાખવાની ક્રિયાને અલ્પકાલીન સ્મૃતિ (short term memory) કહે છે. તે એક જ વખત અનુભવેલી વિસ્તૃત માહિતીને સાચવી શકતી નથી; પણ જો એ માહિતીનું તરત ને તરત પુનરાવર્તન કરતાં રહેવાય તો એ વધારે મિનિટો સુધી અલ્પકાલીન સ્મૃતિમાં જળવાય છે. એટલે જ અનુભવી વેચાણકારો નવા ગ્રાહકોનાં કે નવી દુકાનોનાં નામ-સરનામાં કે ટેલિફોન-નંબરોને યાદ રાખવા માટે સાંભળ્યા પછી તરત મનમાં તેનું રટણ કરતા રહે છે.
જેના ઉપર વિશેષ ધ્યાન આપ્યું હોય કે જેનું વધુ રટણ કર્યું હોય એવી માહિતી અલ્પકાલીન સ્મૃતિમાંથી દીર્ઘકાલીન સ્મૃતિમાં જાય છે. દીર્ઘકાલીન (long term) સ્મૃતિતંત્રમાં એ વિગતો મિનિટો, કલાકો, દિવસો કે વર્ષો સુધી કેટલીક તો જીવનભર ટકે છે. દીર્ઘકાલીન સ્મૃતિતંત્રમાં દાખલ થતી વખતે કે તેમાંથી બહાર આવતી વખતે માહિતી અલ્પકાલીન સ્મૃતિતંત્રમાંથી પસાર થાય છે. (જુઓ આકૃતિ 1). રોજના જીવનમાં સ્મૃતિની વાત કરાય છે ત્યારે મોટે ભાગે દીર્ઘકાલીન સ્મૃતિનો નિર્દેશ થાય છે.
સંવેદક સ્મૃતિમાંથી આવતી માહિતીને રોકવા માટે અલ્પકાલીન સ્મૃતિ એક કામચલાઉ વિસામો છે, જ્યાંથી કેટલીક વિગતો દીર્ઘકાલીન સ્મૃતિમાં જઈ સ્થિર થાય છે. માહિતીને સંવેદક સ્મૃતિમાંથી આગળ ખસેડતી વખતે કે દીર્ઘકાલીન સ્મૃતિમાંથી પાછી લાવતી વખતે – એમ બંને વખત તેના ઉપર સક્રિય રીતે પ્રક્રિયા થાય છે. તેથી અલ્પકાલીન સ્મૃતિને કાર્યકારી (working) સ્મૃતિ પણ કહે છે. માહિતીનું પુનરાવર્તન કે રટણ ન કરવામાં આવે તો તે અલ્પકાલીન સ્મૃતિમાં 20 સેકંડ સુધી અને પુનરાવર્તન કરવાથી થોડી મિનિટો સુધી ટકે છે. જો આવેલી માહિતી નાદ(અવાજ)-સ્મૃતિ રૂપે હોય તો એવી છૂટીછવાઈ વધુમાં વધુ સાત વિગતો સરેરાશ વ્યક્તિની અલ્પકાલીન સ્મૃતિમાં ટકે છે. ચડિયાતી સ્મૃતિ ધરાવનાર વ્યક્તિ એક જ વાર સાંભળ્યા પછી આવી 9 વિગતોને અને ઊતરતી સ્મૃતિવાળી વ્યક્તિ પાંચ વિગતોને ટૂંકા સમય સુધી યાદ રાખી શકે છે, પણ એક જ વાર જોયેલી દૃશ્ય-માહિતીની માત્ર ત્રણ વિગતોને સરેરાશ વ્યક્તિ અલ્પકાળ માટે યાદ રાખી શકે છે.
પરંતુ જો માહિતીને લાંબા અર્થપૂર્ણ એકમોમાં ભેગી કરવામાં આવે તો વધારે વિગતોને એક જ વાર અનુભવ્યા પછી અલ્પકાલીન રીતે યાદ રાખી શકાય. માહિતીને અર્થપૂર્ણ એકમોમાં ભેગી કરવાની ક્રિયાને સમૂહન (chunking) કહે છે; દા. ત., કોઈના મોબાઇલ નંબર 9828063084-ને થોડી મિનિટો સુધી યાદ રાખવા માટે આંકડાનું સમૂહન આ રીતે કરી શકાય : 98 280 630 84.
પ્રાતીક (દૃશ્યના રૂપમાં આવેલી) સ્મૃતિઓ કરતાં નાદ (અવાજ રૂપે આવેલી) સંવેદક સ્મૃતિઓ અલ્પકાલીન સ્મૃતિમાં વધુ સરળતાથી ટકે છે. મૂળ સંવેદન દૃશ્ય રૂપે હોય ત્યારે પણ મોટે ભાગે ધ્વનિના રૂપમાં તેને અલ્પકાલીન સ્મૃતિમાં જાળવવામાં આવે છે ! મોટા ભાગના વિદ્યાર્થીઓને વાંચેલા પાઠનો ઉચ્ચારના રૂપમાં સ્મૃતિમાં સંગ્રહ કરવાનું વધારે ફાવે છે.
દીર્ઘકાલીન સ્મૃતિ માણસોએ અનુભવેલી છાપોનો એવો જંગી ભંડાર છે જે કદી પૂરો ભરાતો નથી. તેમાં માણસોએ જાણેલી હકીકતો, રચેલી માનસિક પ્રતિમાઓ, શીખેલાં કૌશલ્યો, વિકસાવેલાં મનોવલણો અને લાગણીઓનો સંચય થતો રહે છે. સંગ્રહસ્થાનરૂપી આ દીર્ઘકાલીન સ્મૃતિમાંથી વિગતોને અલ્પકાલીન સ્મૃતિમાં પાછી લાવીને, નવી પરિસ્થિતિ કે સમસ્યાને સમજવા માટે કે તેનો મુકાબલો કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. અલ્પકાલીન અને દીર્ઘકાલીન સ્મૃતિઓ વચ્ચે સતત આંતરક્રિયા થતી રહે છે; તેથી કૌશલ્યો શીખી શકાય છે, તર્કો કરી શકાય છે, ઘટનાઓ વચ્ચે રહેલા સંબંધો સમજી શકાય છે અને સમયપત્રક પ્રમાણે કાર્યો કરી શકાય છે.
દીર્ઘકાલીન સ્મૃતિના વિષયવસ્તુ (content) પ્રમાણે તેના પ્રકારો પડે છે. રીતિલક્ષી (procedural) સ્મૃતિમાં કોઈ કાર્ય શી રીતે કરવું એ રીત યાદ રાખવામાં આવે છે; દા. ત., વાહન ચલાવવાની, હૉકી રમવાની કે સિતાર વગાડવાની રીત. આવાં મોટા ભાગનાં કૌશલ્યો જટિલ હોવાથી તેની પદ્ધતિને સંપૂર્ણપણે યાદ રાખતાં મહિનાઓ લાગી જાય છે; પણ એક વાર એ રીત શીખી જવાય પછી તેની સ્મૃતિ ઘણી વાર વર્ષો સુધી ટકી રહે છે.
નિવેદક (declarative) સ્મૃતિ મુખ્યત્વે વિશિષ્ટ હકીકતોને લાંબો સમય યાદ રાખે છે. આવી હકીકતલક્ષી સ્મૃતિનો ઉપયોગ મોટે ભાગે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વકીલો, વેપારીઓ, ઉદ્યોગકારો કે વૈજ્ઞાનિકો–તબીબો કરતા હોય છે. નિવેદક સ્મૃતિમાં રટણ કરવાથી હકીકતો પ્રમાણમાં ઝડપથી મગજ પર અંકિત થાય છે, પણ તેનું વિસ્મરણ પણ ઝડપથી થાય છે. તેથી સમયે સમયે તેનું રટણ કરતાં રહેવું પડે છે. નિવેદક સ્મૃતિનો ઉપયોગ બે વર્ષની વય પછી જ શરૂ થાય છે; જ્યારે વ્યક્તિની રીતિલક્ષી સ્મૃતિ થોડા મહિનાની ઉંમરે જ કાર્ય કરવા માંડે છે.
અર્થાત્મક (semantic) સ્મૃતિ મોટે ભાગે બિનઅંગત અને અવિશિષ્ટ હોય છે. એ સ્મૃતિ શબ્દો ખ્યાલો અને હકીકતોના અર્થને સાચવે છે. વ્યાકરણ, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, સામાજિક અને માનવીય વિજ્ઞાનો, કાનૂન વગેરેની વિગતો અને નિયમોનું જ્ઞાન અર્થાત્મક સ્મૃતિમાં સચવાય છે.
વ્યક્તિના પહેલાંના અનુભવોની અને તેણે પ્રત્યક્ષ અનુભવેલી ઘટનાઓની સ્મૃતિ ઘટનાલક્ષી (episodic) સ્મૃતિમાં જળવાય છે. સામાન્ય રીતે તેને જે ક્રમમાં અનુભવો થયા હોય તે ક્રમ તેની ઘટનાલક્ષી સ્મૃતિમાં પણ જળવાય છે. બાળક પ્રવાસનું વર્ણન કરે, અથવા ખબરપત્રી કે સાક્ષી તેણે જોયેલા બનાવનો વૃત્તાંત આપે ત્યારે ઘટનાલક્ષી સ્મૃતિનો ઉપયોગ કરે છે. (કેટલાક મનોવૈજ્ઞાનિકો ઘટનાલક્ષી સ્મૃતિને અર્થાત્મક સ્મૃતિનો ભાગ ગણે છે.)
નિવેદક અને અર્થાત્મક સ્મૃતિમાં માણસોએ જાણેલી હકીકતોને ત્રણ રીતે સંકેત અપાય છે : દૃશ્ય સંકેત, શ્રાવ્ય સંકેત અને શબ્દ-સંકેત. દા. ત., સંસ્થામાં કે મંડળમાં કેટલીક વાર યોજાતી સ્મૃતિની હરીફાઈમાં, જોયેલી વસ્તુઓને યાદ રાખવા માટે કેટલાક હરીફો વસ્તુનો દેખાવ (આકાર, રંગ, કદ) યાદ રાખે છે. બીજા હરીફો એ વસ્તુનાં નામ ધ્યાનમાં રાખી તેનું રટણ કરે છે; જો વસ્તુનો વિશિષ્ટ અવાજ થતો હોય તો તેને ધ્યાનમાં લઈને યાદ રાખે છે. કેટલાંક બાળકો અને પુખ્ત માણસો દૃશ્ય સંકેતોનો ખૂબ જ ચોકસાઈથી ઉપયોગ કરી શકે છે; તેમનામાં વસ્તુના દેખાવની અતિસ્પષ્ટ પ્રતિમા (identic image) ઊપજે છે, જે ફોટોગ્રાફ જેવી આબેહૂબ હોય છે. આવા માણસો પુસ્તકનું આખું પાનું માત્ર એક જ વાર વાંચીને તેના પહેલાથી છેલ્લા સુધીના બધા શબ્દો સાચા બોલી શકે છે.
દીર્ઘકાલીન સ્મૃતિની ચકાસણી : લાંબા સમય સુધી નવી સામગ્રીનો મનમાં સંગ્રહ કરવાની શક્તિ દીર્ઘકાલીન સ્મૃતિ કહેવાય છે. એને મુખ્યત્વે આ પદ્ધતિઓ વડે ચકાસવામાં આવે છે : પુનરાવાહન, પ્રત્યભિજ્ઞા અને પુન:શિક્ષણ. પુનરાવાહનને ચકાસવા માટે, વ્યક્તિએ પહેલાં અનુભવેલી વિગતોનો અહેવાલ આપવાનું તેને કહેવામાં આવે છે. શિક્ષણસંસ્થાની પરીક્ષાઓમાં, વિદ્યાર્થીએ વિજ્ઞાન વગેરે વિષયોમાં અભ્યાસ દરમિયાન જાણેલી વિગતોની સ્મૃતિ ચકાસવામાં આવે છે; દા. ત., ‘પદાર્થ સ્વરૂપના પ્રકારો જણાવો.’ કે ‘ખંડોનાં નામ આપો.’ પોતાની સ્મૃતિના સંગ્રહમાંથી યોગ્ય વિગતને વ્યક્તિએ સક્રિય રીતે ખોજવાની હોય છે. સાચા જવાબોની સંખ્યા ગુણ્યા સો ભાગ્યા કુલ વિગતો એ સૂત્ર પ્રમાણે પુનરાવાહનના ટકા ગણાય છે; દા. ત., પાંચમાંથી ચાર ખંડોનાં નામો આપ્યાં હોય તો 4 × 100 ÷ 5 = 80 ટકા પુનરાવાહન થયેલું કહેવાય.
પ્રત્યભિજ્ઞાને ચકાસવા માટે વ્યક્તિ સમક્ષ ઘણા વિકલ્પી જવાબો રજૂ કરાય છે. વ્યક્તિએ એમાંથી બંધબેસતો પ્રતિભાવ (સાચો જવાબ) ઓળખવાનો હોય છે. પોતે પહેલાં જાણેલી કે અનુભવેલી વિગતની સ્મૃતિના આધારે જ તેણે મર્યાદિત વિકલ્પોમાંથી જવાબ શોધવાનો હોય છે; દા. ત., પદાર્થનાં સ્વરૂપો : વિકલ્પો : (ક) પથ્થરનો, ધાતુનો, લાકડાનો; (ખ) નક્કર, પોલો; (ગ) ઘન, પ્રવાહી, વાયુ; (ઘ) નિર્જીવ, વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય. પુનરાવાહન કરતાં પ્રત્યભિજ્ઞા વડે સ્મૃતિની વધારે યથાર્થ ચકાસણી થાય છે. વ્યક્તિએ સાચા ઓળખેલા જવાબોના આધારે તેની સ્મૃતિનું માપ મળે છે; દા. ત., જો દસમાંથી નવ વિગતો અંગે તેણે સાચા જવાબને ઓળખ્યો હોય, તો તેની સ્મૃતિ 9 × 100 ÷ 10 = 90 ટકા ગણાય.
પુન:શિક્ષણ અને બચતની પદ્ધતિમાં વ્યક્તિએ સામગ્રીને સમયનું અંતર રાખીને બે વખત શીખવાની હોય છે; દા. ત., પહેલાં તેને ભક્ત કવિઓનાં દસ નામોની યાદી શીખવા માટે અપાય છે. તેણે ભૂલ વિના એને કેટલાં પુનરાવર્તનો પછી મોઢે કરી તે નોંધાય છે. પાંચ દિવસ પછી તેને એ જ યાદી ફરીથી ભૂલ વિના મોઢે કરવા અપાય છે અને તેણે લીધેલા પ્રયત્નોની સંખ્યા ફરીથી નોંધાય છે. જો તેને બીજી વારના શિક્ષણમાં ઓછા પ્રયત્નો લાગે તો પ્રયત્નોની થયેલી બચત તેની દીર્ઘકાલીન સ્મૃતિનું માપ દર્શાવે છે; દા. ત., પહેલી વાર શીખવામાં પાંચ અને બીજી વાર શીખવામાં ત્રણ પ્રયત્નો લાગ્યા, તો દીર્ઘકાલીન સ્મૃતિને કારણે પ્રયત્નોમાં (5–3) × 100 ÷ 5 = 40 ટકા બચત થઈ કહેવાય.
સ્મૃતિમાં યાદ રહેતી વિગતો ઉપર અસર કરતા ઘટકો : માણસને લાંબા સમય સુધી શું અને કેટલું યાદ રહેશે તે મુખ્યત્વે નીચેની બાબતો ઉપર અવલંબે છે :
વિગતનું શ્રેણીમાં સ્થાન : મોટે ભાગે માણસે માહિતીને વિશિષ્ટ ક્રમ કે શ્રેણીમાં યાદ રાખવાની હોય છે. જો કોઈ વિગત શ્રેણીના આરંભે કે અંતે જ આવતી હોય તો તે તરત, સહેલાઈથી યાદ રહે છે; કેમ કે શ્રેણીના આરંભ પહેલાં કોઈ બીજી વિગત હોતી નથી, તેથી આરંભમાં આવતી વિગત સાથે બીજી કોઈ વિગતની સ્મૃતિ-ભંડારમાં દાખલ થવા માટે સ્પર્ધા થતી નથી. એ જ રીતે શ્રેણીના છેડે આવેલી વિગત પછી કોઈ નવી વિગત હોતી નથી. તેથી તેની સાથે પણ કોઈ માહિતીની સ્પર્ધા થતી નથી; પણ શ્રેણીની વચ્ચેની વિગતોને યાદ રાખવામાં વધારે મહેનત અને સમય લાગે છે; કેમ કે તેની આગળ તેમજ પાછળ બીજી વિગતો હોય છે, જે તેની સાથે સ્પર્ધા કરીને તેને યાદ રાખવામાં દખલ કરે છે. છૂટા શબ્દો, વાક્યો તેમજ કાવ્યપંક્તિઓ ઉપર આની અસર થાય છે. તેથી જ મોઢે કરવાનું હોય તેના વચલા ભાગ ઉપર વધારે ધ્યાન આપી તેનો વધારે મહાવરો કરવો જોઈએ. શક્ય અને યોગ્ય હોય તો સામગ્રીનું પઠન જુદા જુદા આરંભબિંદુથી શરૂ કરવું જોઈએ. ભારતીય પરંપરામાં પ્રાચીન પૂર્વજોએ ધર્મગ્રંથોને મોઢે કરવામાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
પઠનનો સંદર્ભ : યાદ રાખવાની સામગ્રીનો અભ્યાસ કેવા સ્થળે, કયા સમયે, કેવા સંજોગોમાં અને કેવી મનોદશામાં થાય છે તેની પણ દીર્ઘકાલીન સ્મૃતિ ઉપર અસર પડે છે. સુપ્રકાશિત અને ખલેલ વિનાની જગ્યા તેમજ સગવડભરી બેઠક સ્મૃતિને મદદ કરે છે. પરોઢ કે વહેલી સવારનો સમય વધારે અનુકૂળ હોય છે. જે પરિસ્થિતિમાં માહિતીને યાદ કરવાની હોય તેવી જ પરિસ્થિતિમાં તેનો અભ્યાસ કરવાથી પુન:પ્રાપ્તિ વધારે થાય છે. જો મધ્યવયની વ્યક્તિએ પોતાની શાળાના મિત્રોનાં નામ યાદ કરવાં હોય તો એ શાળાના વર્ગખંડમાં જવાથી ઠીક ઠીક નામો યાદ આવશે. જુબાની આપનાર સાક્ષીને ગુના કે બનાવના સ્થળે લઈ જવામાં આવે તો એને વધારે વિગતો યાદ આવે છે. વ્યક્તિએ મૂળ અનુભવ વખતે જે લાગણી અનુભવી હોય એ જ લાગણી તે જ્યારે વર્ષો પછી અનુભવે ત્યારે તેને ભૂતકાળના પ્રસંગો યાદ આવે છે. આને અવસ્થા-અવલંબી (state-dependent) સ્મૃતિ કહે છે. કેટલીક વાર ઘટનાનાં દૃશ્યો જોતી વખતે કે અવાજો સાંભળતી વખતે માણસ ભય, આશ્ચર્ય, ક્રોધ કે આઘાત અનુભવે છે. આવાં દૃશ્યો અને અવાજો માણસને ખૂબ વિગતે આબેહૂબ યાદ રહે છે. પછીથી એ અનુભવની સ્મૃતિ વખતે માણસ જાણે કે એને ફરીથી અનુભવે છે. આને ઝબકારરૂપ સ્મૃતિ (flash-bulb memory) કહે છે.
કલ્પના વડે સ્મૃતિની પુનર્રચના (reconstruction) : દીર્ઘકાલીન સ્મૃતિ મૂળ અનુભવની માત્ર નકલ હોતી નથી; મૂળ અનુભવેલી સ્મૃતિછાપોમાં વ્યક્તિ પાછળથી કલ્પના કે વિચારના આધારે સુધારાવધારા કરે છે. કલ્પના વડે થતી પુનર્રચનામાં (1) વ્યક્તિ સ્મૃતિમાં ખૂટતી વિગતો ઉમેરે છે અને (2) બિનજરૂરી કે અસંગત જણાતી વિગતોને કાપી નાખે છે. આમ માણસની ઘણી સ્મૃતિઓ ખરેખર જે બન્યું તેનું ચોક્કસ પ્રતિબિંબ નથી હોતી પણ ઘટના વિશે માણસ શું માને છે તેનું કે બનાવ શી રીતે બન્યો હોવો જોઈએ એ વિશેના તેના તર્કોનું પ્રતિબિંબ હોય છે. મોટા ભાગના લોકો મુખ્ય વિગતોને સાચી યાદ રાખે છે; પછી એની આજુબાજુ વ્યવસ્થિત અને સુસંગત જણાય એવી વિગતો ગોઠવી કાઢે છે.
બાર્ટલેટે શોધ્યું છે કે આવી પુનર્રચનામાં ત્રણ પ્રક્રિયાઓ ભાગ ભજવે છે : (ક) ઘટનાને ટૂંકી અને સરળ કરવામાં આવે છે (leveling); (ખ) કેટલીક વિગતો ઉપર જ લક્ષ કેંદ્રિત રાખીને તેના પર વધુ પડતો ભાર મૂકવામાં આવે છે (sharpening); (ગ) ઘટના વિશેનાં પોતાનાં મંતવ્યો સાથે બંધ બેસે એ રીતે અમુક વિગતોને બદલી નાખવામાં આવે છે (assimilation).
તાજાં સંશોધનો સૂચવે છે કે સ્મૃતિની પુનર્રચના ઉપર વ્યક્તિના વિચારમાળખાની અસર થાય છે. માનવીય સંસ્કૃતિનાં દૃષ્ટિકોણ અને વિચારધારા મુજબ માનવ જગતને સમજવા માટે ધારણાઓ, માન્યતાઓ અને અપેક્ષાઓનું જાળું રચે છે. એ જાળાની મદદથી તે ઘટનાઓનો અર્થ અને આગાહી કરી શકે છે. એ જાળું સ્મૃતિ-પ્રક્રિયાઓમાં નોંધપાત્ર ફેરફારો કરે છે. જો પૂર્વે સંઘરેલી અને હાલ યાદ આવેલી માહિતી એ જાળાના વિરોધમાં છે એવું જણાય તો માનવ એ માહિતીને એ રીતે બદલે છે કે જેથી એ વિચારમાળખા સાથે બંધ બેસે. વિચારમાળખા સાથે સુસંગત બનાવેલી માહિતીનું વધારે પુન:સ્મરણ થાય છે.
અદાલતમાં સાક્ષીની જુબાની કેટલી ભરોસાપાત્ર છે એ અંગે વારંવાર વિવાદ થાય છે. પોતાના વિચારો પ્રમાણે સ્મૃતિની પુનર્રચના કરવાનું સાક્ષીનું વલણ તેની જુબાનીમાં શંકા ઉપજાવે છે. ઘણા સાક્ષીઓ (1) બનાવ વખતે પોતે જે જોયું હતું તે ઉપરાંત (2) તેમને પાછળથી મળેલી માહિતી અને (3) તેમણે બીજા લોકોનાં સાંભળેલાં મંતવ્યોથી પણ પ્રભાવિત થાય છે, છતાં તેમને પોતાની સ્મૃતિમાં સંઘરાયેલ માહિતી તરીકે રજૂ કરે છે. ઘણી વાર તેમને વકીલે પૂછેલા પ્રશ્નની વાક્યરચના અને શબ્દપસંદગીની પણ તેમણે જુબાનીમાં આપેલા સ્મૃતિ-અહેવાલ ઉપર અસર પડે છે; દા. ત., એક અભ્યાસમાં જણાયું કે વકીલના ત્રણ જુદા જુદા શબ્દોના ઉપયોગવાળા પ્રશ્નોના સાક્ષીએ આપેલા જવાબો જુદા જુદા હતા. (1) બે વાહનો એકબીજાંને અડ્યાં ત્યારે તેની અંદાજે ગતિ કેટલી
હતી ? જવાબ : કલાકના 50 કિમી.. (2) ‘બે વાહનો એકબીજાને અથડાયાં ત્યારે તેની અંદાજે ગતિ કેટલી
હતી ?’ જવાબ : કલાકના 65 કિમી.. (3) ‘બે વાહનો એકબીજાને જોરથી ભટકાયાં ત્યારે તેની અંદાજે ગતિ કેટલી હતી ?’ જવાબ : કલાકના 75 કિમી.. આમ, વધારે ભારસૂચક શબ્દોના ઉપયોગને લીધે સ્મૃતિની પુનર્રચના પણ જુદી જુદી થઈ.
સામગ્રીનું ક્રમમાં અર્થપૂર્ણ રીતે સંગઠન કરીને મહાવરો કરવાથી તે દીર્ઘ સમય સુધી યાદ રહે છે. એ સંગઠન વસ્તુલક્ષી કે આત્મલક્ષી પણ હોઈ શકે. સ્મૃતિમાં સંગ્રહ કરતી વખતે અને સામગ્રીને સભાન કક્ષાએ પાછી મેળવતી વખતે વ્યક્તિનું મન તેના ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરતું રહે છે.
સ્મૃતિના દૈહિક આધારો : ટૂંકા અને લાંબા સમયની સ્મૃતિના શારીરિક આધારો જુદા જુદા હોય છે. લગભગ વર્તુળમાં ગોઠવાયેલા ચેતાકોષોમાંથી જ્યારે ચેતાપ્રવાહ વારંવાર વહે ત્યારે વ્યક્તિને એ અનુભવ ટૂંકા ગાળા સુધી યાદ રહે છે. આવા વારંવારના વહનથી મગજના કોષની ભૌતિક રચનામાં ફેરફાર થતો નથી; પણ જ્યારે મગજના કોષો વચ્ચે નવાં જોડાણો રચાય ત્યારે ચેતોપગમ(synapse)માં રચનાકીય ફેરફારો થાય છે અને ત્યારે અનુભવો લાંબા સમય સુધી યાદ રહે છે. આવા રચનાકીય ફેરફારને સ્મૃતિરેખાંકન (memory-trace) કહે છે. સામગ્રી અલ્પકાલીન સ્મૃતિમાંથી જ્યારે દીર્ઘકાલીન સ્મૃતિમાં જાય ત્યારે ચેતાકોષોમાં થતા શારીરિક ફેરફારોને ઘનીભવન (consolidation) કહે છે. એ ક્રિયા કેટલાંક વર્ષો સુધી પણ ચાલી શકે.
સ્મૃતિઓનો સંગ્રહ મગજના કોઈ એક ભાગ કે ખૂણામાં થતો નથી પણ મગજના વિશાળ વિસ્તારમાં પથરાયેલા ચેતાકોષોના જાળામાં થાય છે, જેમને સાહચર્ય વિસ્તારો (association areas) કહે છે. પહેલાં મનાતું હતું કે હિપોકેમ્પસ અને એમિગડેલા નામના મગજના ભાગોમાં સ્મૃતિનું કેન્દ્ર હોય છે; પણ આ બે ભાગો માત્ર ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબા ગાળાની સ્મૃતિમાં ખસેડવાની ક્રિયા(transfer)માં ભાગ ભજવે છે. એ માટે જરૂરી એવી ઘનીભવનની ક્રિયામાં મગજનો થેલેમસ નામનો ભાગ સક્રિય હોય છે.
વિસ્મરણ : વિસ્મરણ એટલે પૂર્વે શીખેલી કે અનુભવેલી સામગ્રીને પુન: પ્રાપ્ત (તાજી) કરવાની અશક્તિ. વિસ્મરણ દરમિયાન સ્મૃતિમાં સંખ્યાત્મક તેમજ ગુણાત્મક (quantitative as well as qualitative) ફેરફારો થાય છે. વિસ્મરણને મૂળ અનુભવ પછી પસાર થયેલા સમય સાથે સંબંધ છે. ભૂલી જવાનાં વિવિધ કારણો હોય છે : (1) સમય વીતતાં સ્મૃતિનાં રેખાંકનો નબળાં પડે છે, (2) અન્ય અનુભવો મૂળ અનુભવના સ્મરણના સંકેતોમાં વિક્ષેપ (દખલ) કરે છે, (3) પુન:પ્રાપ્તિ ભાંગી પડે છે અને (4) અવરોધક આવેગો અને પ્રેરકો અસર કરે છે.
એબિંગહોઝે અર્થહીન પદો રચીને સ્મૃતિ અને સમયના સંબંધ અંગેના પ્રયોગો પોતાના ઉપર કર્યા. તેણે શોધ્યું કે અર્થહીન પદો શીખ્યા પછીના તરતના સમયમાં ઝડપથી વિસ્મરણ થાય છે અને જેમ જેમ સમય વીતે તેમ તેમ વિસ્મરણની ઝડપ ઘટતી જાય છે. આ સંબંધને આલેખ વડે દર્શાવાય છે. (જુઓ આલેખ.)
આકૃતિ 2 : વિસ્મરણ અને સમયનો સંબંધ દર્શાવતો આલેખ
આપણાં કેટલાંક સ્મૃતિરેખાંકનો સમય વીતતાં ઝાંખાં પડે છે, પણ મોટા ભાગની માહિતીનું વિસ્મરણ વિક્ષેપને લીધે થાય છે. કાર્ય શીખતાં પૂર્વે અને પછી કરેલાં બીજાં કામો માણસની હાલના કાર્યની સ્મૃતિમાં દખલ કરે છે. ધારો કે તે કૈલાસનાં અક્ષાંશ અને રેખાંશ 31° 0´ ઉ. અને 82° 0´ પૂ. એમ વાંચે છે; પણ તરત મિત્ર પૂછે છે કે ‘સાંજે ક્યાં જવું છે ?’ માણસનું ધ્યાન ત્યારે વિચલિત થવાથી, એ દખલને લીધે માણસ વાંચેલો આંક ભૂલી જાય છે. પ્રશ્નરૂપી વિક્ષેપને લીધે તેની પૂર્વેની સ્મૃતિ અવરોધાય છે; તેથી તેને પૂર્વગામી વિક્ષેપ (retro-active interference) કહે છે.
અનુગામી વિક્ષેપ(pro-active interference)માં આગલું શિક્ષણ પછીના શિક્ષણની સ્મૃતિમાં દખલ કરે છે; દા. ત., અંગ્રેજીના નવા શબ્દોના અર્થોનો મહાવરો કર્યા પછી જો જર્મન શબ્દોના અર્થનો મહાવરો કરવામાં આવે, તો જર્મન શબ્દોના અર્થોને યાદ રાખવામાં ખૂબ મુશ્કેલી પડે; કેમ કે તેમાં પૂર્વે શીખેલા અંગ્રેજી શબ્દોના અર્થો ઘૂસી જાય છે. જ્યારે ક્રમમાં શીખેલી સામગ્રી ઘણે અંશે સરખી હોય ત્યારે વધારે દખલ થાય છે. માહિતીના વિષયો તદ્દન જુદા હોય ત્યારે તે એકબીજામાં ભાગ્યે જ દખલ કરે છે. દખલની શક્યતાને દૂર કરવા માટે અભ્યાસ કર્યા પછી ઊંઘી જવું જોઈએ.
પુન:પ્રાપ્તિની નિષ્ફળતા : ધારો કે ઘણી મથામણ કરવા છતાં તમને બાળપણનું પ્રિય ગીત યાદ આવતું નથી. ત્યાં જ તમારી બહેન તમને બજારમાંથી આભલાં લાવવાનું કહે છે. આ ‘આભલાં’ શબ્દ તમારી ખોવાયેલી સ્મૃતિને શોધી લાવે છે : તમારું પ્રિય ગીત ‘પેલા પંખીને જોઈ મને થાય…. આભલે ઊડ્યા કરું.’ તમારી સ્મૃતિ તો સચવાયેલી જ હતી; પણ સહેલાઈથી પહોંચી ન શકાય એવા (મગજમાં) સ્થળે હતી. યોગ્ય પુન:પ્રાપ્તિ સંકેત મળતાં જ તે બહાર આવી. પુન:પ્રાપ્તિ માટે યોગ્ય સંકેત ન મળે ત્યાં સુધી ગમે તેવી જાણીતી અને સરળ લાગતી બાબત પણ માણસના સભાન મનમાં પ્રગટતી નથી. તેથી ‘હૈયે છે પણ હોઠે આવતું નથી’ – એવો અનુભવ (tip of the tongue experience) થાય છે.
પ્રેરણાજન્ય વિસ્મરણ : કેટલીક વાર માણસો અમુક બાબતોને યાદ રાખવા માગતા જ નથી તેથી ભૂલી જાય છે. ખાસ કરીને ભયાનક, પીડાકારક, ક્ષોભ કરે તેવા કે પોતાનું ગૌરવ ઘટે એવા અનુભવોને માણસ સભાન મનમાંથી કાઢી નાખીને અજ્ઞાત મનના ઊંડાણમાં ધકેલી દે છે. ફ્રૉઇડ આ ક્રિયાને દમન કહે છે. તે માને છે કે દમનને લીધે વ્યક્તિની ચિંતા દૂર થાય છે અને તેનું આત્મસન્માન જળવાય છે.
પ્રતિકૂળ પરિસ્થિતિ, અર્થહીન અને અસંગઠિત સામગ્રી તેમજ યાદ રાખવામાં રસ કે ઇચ્છાનો અભાવ સ્મૃતિમાં ઘટાડાનાં મુખ્ય કારણો છે. વિસ્મરણ દરમિયાન માહિતીમાં માત્ર ઘટાડો જ નથી થતો પણ તેમાં વિકૃતિઓ પણ સર્જાય છે.
વિસ્મરણનાં શારીરિક કારણો પણ હોય છે; જેવાં કે અકસ્માતુ કે રોગ. મગજની ક્રિયાઓને હાનિ પહોંચવાથી સ્મૃતિભ્રંશ (amnesia) ઊપજે છે. હૃદયરોગ, મગજમાંની લોહીની નાડી તૂટવી કે ઍલ્ઝાઇમરના રોગને લીધે પણ સ્મૃતિભ્રંશ થઈ શકે. માથામાં ફટકો વાગતાં બે જાતનો સ્મૃતિભ્રંશ થાય છે : પૂર્વપ્રભાવી (retrograde) અને પશ્ચપ્રભાવી (antirograde). પશ્ચપ્રભાવી સ્મૃતિભ્રંશમાં વ્યક્તિ મગજને ઈજા થયા પહેલાંની જૂની સ્મૃતિઓને યાદ કરી શકે છે, પણ તેને ઈજા પછીના અનુભવો યાદ રહેતા નથી. મગજની શસ્ત્રક્રિયા પછી કે દારૂની લાંબા સમયની લતને લીધે પણ આવું બને છે. મોટે ભાગે પશ્ચપ્રભાવી સ્મૃતિભ્રંશમાં ગુમાવેલી સ્મૃતિ પાછી ફરતી નથી.
પૂર્વપ્રભાવી સ્મૃતિભ્રંશમાં મગજની ઈજાની પહેલાંના બનાવો અને અનુભવોની વિગતોને તે ગુમાવી બેસે છે. આવા ઘણા દાખલામાં ગુમાવેલી સ્મૃતિઓ થોડો સમય વીત્યા પછી ક્રમશ: યાદ આવે છે : પહેલાં જૂની સ્મૃતિઓ અને પછી તાજી સ્મૃતિઓ. આવા સ્મૃતિભ્રંશમાં નિવેદક અને ઘટનાલક્ષી સ્મૃતિઓને વધારે, જ્યારે રીતિલક્ષી સ્મૃતિઓને ઓછી હાનિ થાય છે.
સ્મૃતિ અને વિસ્મૃતિ જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે. સ્મૃતિને લીધે શીખેલી બાબતો લાંબો સમય ટકે છે. સ્મૃતિની મદદથી માણસ ગણતરીઓ કરી શકે છે. વિજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયોની વિગતોને અને નિયમોને યાદ રાખે છે; વિચારો અને અનુમાનો કરી શકે છે; સમસ્યાઓને ઉકેલીને પર્યાવરણ સાથે બહેતર સમાયોજન સાધે છે; શૈક્ષણિક વ્યાવસાયિક અને સામાજિક સફળતા મેળવી શકે છે. ‘ભૂલી જાવ અને માફ કરો’ની નીતિને અમલમાં મૂકીને તે અસંતોષ, તણાવો અને માનસિક પીડાઓમાંથી બચી શકે છે.
સ્મૃતિ અને સ્મૃતિલોપ (memory and amnesia)
માહિતીનો સંગ્રહ કરવો અને જરૂર પડ્યે તેની યાદ તાજી કરીને મૂકવી તે સ્મૃતિ અને તે પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થવો કે તેનો નાશ થવો તે સ્મૃતિ-લોપ અથવા વિસ્મૃતિ (loss of memory, amnesia). અગાઉ તેનો તત્ત્વજ્ઞાન (philosophy), માનસશાસ્ત્ર કે બોધાત્મક માનસશાસ્ત્ર(cognitive psychology)ના ક્ષેત્રમાં સમાવેશ કરાતો હતો. છેલ્લા કેટલાક દાયકાઓથી તેને ચેતાવિજ્ઞાન (neuroscience) અને બોધાત્મક માનસશાસ્ત્રને જોડતી આંતરવિદ્યાકીય કક્ષ (interdisciplinary link) તરીકે બોધાત્મક ચેતાવિજ્ઞાન(cognitive neuroscience)ના મહત્વના આધારસ્તંભ તરીકે સમજવામાં આવે છે.
સ્મૃતિની પ્રક્રિયાને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે : (1) માહિતીની ઉપલબ્ધિ, તેનું સંકેતીકરણ (encoding) અને પંજીકરણ (registration); (2) સંકેત રૂપે માહિતીનો સંગ્રહ અને તેની કાયમી નોંધ અને (3) પુન:સ્મરણ (retrieval or recall). તેમાં નિમિત્ત ઊભું થતાં તેને ફરીથી યાદ કરાય છે તે સામાન્ય રીતે કોઈ ઉત્તેજનારૂપ પ્રસંગ કે ક્રિયા દ્વારા થાય છે.
વર્ગીકરણ : કેટલો સમય સ્મૃતિ જળવાઈ રહી છે તેને આધારે તેને 3 પ્રકારે વહેંચવામાં આવે છે : (અ) સંવેદનાજન્ય (sensory), (આ) લઘુકાલીન (short term) અને (ઇ) દીર્ઘકાલીન (long term).
(અ) સંવેદનાજન્ય સ્મૃતિ : કોઈ પદાર્થને જોયા પછી પ્રથમ 200થી 500 મિલિ સેકન્ડ સુધી જ જળવાઈ રહે છે. બહુ જ થોડી ક્ષણોના અવલોકન પછી થોડાક સમય માટે યાદ રહે તેને સંવેદનાજન્ય સ્મૃતિ કહે છે. બહુ જ થોડા સમય માટે પ્રદર્શિત કરાયેલી વસ્તુઓની યાદીમાં વ્યક્તિ જેટલી નોંધ કરી શકે છે તેના કરતાં તે વધુ જોઈ શકતો હોય છે. તેના પ્રથમ પ્રયોગો જ્યૉર્જ સ્પર્લિગે કર્યા હતા. તેણે પ્રયોગાધીન વ્યક્તિને 4–4 વસ્તુઓની 3 હરોળ કરીને 12 વસ્તુઓનું ચોકઠું થોડીક ક્ષણો માટે દર્શાવ્યું. ત્યાર બાદ મંદ, મધ્યમ કે તીવ્ર સૂર વગાડીને કઈ હરોળની વસ્તુઓની નોંધ કરવી તે જણાવીને માહિતી મેળવી. આ ‘આંશિક અહેવાલ’ પ્રયોગો દ્વારા તેમણે દર્શાવ્યું કે સંવેદનાજન્ય સ્મૃતિમાં આશરે 12 પદાર્થો (વસ્તુઓ) સમાવાય છે; પરંતુ તેમની સ્મૃતિ ઝડપથી (ફક્ત થોડી મિલિ સેકન્ડમાં) ઘટી જાય છે અને નાશ પામે છે. તેથી તેમાં ભાગ લેનારી વ્યક્તિઓ બધી જ (બારેબાર) વસ્તુઓની યાદી કરવામાં મુશ્કેલી અનુભવે છે. વારંવાર ફરી ને ફરી તેની તે ક્રિયા કરીને પુનરપિ પુનરાવર્તન (rehearsal) કરીને આ પ્રકારની સ્મૃતિને લંબાવી શકાતી નથી.
(આ) લઘુકાલીન સ્મૃતિ (short term memory) : સંવેદનાજન્ય સ્મૃતિમાં કેટલીક માહિતી લઘુકાલીન સ્મૃતિમાં જાય છે. તેના વડે પુનરપિ પુનરાવર્તન વગર થોડી સેકન્ડો કે એક મિનિટ સુધીની માહિતીનું પુન:સ્મરણ (recall) કરી શકાય છે. બેલ લૅબોરેટરીના જ્યૉર્જ એ. મિલરે દર્શાવ્યું છે કે લઘુકાલીન સ્મૃતિમાં 7 2 વિગતો યાદ રહે છે. હાલનાં સંશોધનો તેને 4–5 વિગતો સુધી સીમિત હોવાનું દર્શાવે છે. જેમ કે ‘કમલ–રમત–પકડ–પડક’ સંકેતોને યાદ રાખવા અઘરા છે; પરંતુ તેમને ‘કમલ–રમત–પકડ–પડક’ એમ 4 સંકેત-સમૂહોને લઘુકાલીન સ્મૃતિમાં લેવા સરળ છે. હર્બર્ટ સિમને દર્શાવ્યું કે આવાં સંકેત-ઝૂમખાં 3–3નાં હોય (ભલે તેમાં કોઈ અર્થ ન સમાયેલો હોય) તો તેમને યાદ રાખવાં સહેલાં છે. તેથી મોટા ટેલિફોન નંબરને 3–3 ગાણિતિક સંકેતોનાં ઝૂમખાંમાં યાદ રખાય છે અને છેલ્લા 4 સંકેતોને 2–2ના જૂથમાં યાદ રાખવાની રીત પ્રચલિત છે. તેથી જ્યારે ટેલિફોન નંબરમાં આગળ ‘2’ ઉમેરાયો ત્યારે આગળનું ઝૂમખું 4 સંકેતોનું થયું જેને મોટા ભાગની વ્યક્તિઓ ‘3 સંકેતો અને તેની આગળ 2’ એમ યાદ રાખે છે અને તેવી રીતે દર્શાવે છે. કૉનાર્ડે દર્શાવ્યું છે કે લઘુકાલીન સ્મૃતિ મુખ્યત્વે શ્રુતિજન્ય સંકેત (auditory code) પર આધાર રાખે છે અને દૃષ્ટિજન્ય સંકેત (visual code) પર ઓછો આધાર રાખે છે. તેથી ધ્વનિ-સમરૂપતા ધરાવતા શબ્દોને લઘુકાલીન સ્મૃતિ દ્વારા યાદ કરવા થોડા મુશ્કેલ બને છે (દા. ત., રામ, કામ, ધામ, પામ, શામ).
(ઇ) ગુરુકાલીન સ્મૃતિ (long term memory) : ઉપરની બે પ્રકારની સ્મૃતિ કરતાં આ સ્મૃતિમાં ઘણી વધુ માહિતી ખૂબ લાંબા સમય સુધી સ્મૃતિ રૂપે જળવાઈ રહે છે. લઘુકાલીન સ્મૃતિમાં વિગત કે માહિતી ‘શ્રવણ’થી થોડાક સમય માટે યાદ રહે છે જ્યારે ગુરુકાલીન સ્મૃતિમાં વિગત કે માહિતી અર્થગ્રહણ (semantics) વડે યાદ રહે છે. તેથી ‘મોટું’ શબ્દના અર્થની સમાનતાવાળા અન્ય શબ્દો ‘મહાન’, ‘ગુરુ’, ‘વિશાળ’, ‘ભવ્ય’, ‘બહોળું’ વગેરેને લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે.
લઘુકાલીન સ્મૃતિમાં મગજના આગળના અને બાજુ પરના અગ્રસ્થ (frontal) અને ઊર્ધ્વપાર્શ્વ (parietal) ખંડોમાં સંદેશાઓની કામચલાઉ (અસ્થાયી, transient) આપ-લે થાય છે. તેને ચેતાકીય પ્રત્યાયન (neuronal communication) કહે છે. ગુરુકાલીન સ્મૃતિમાં મગજમાં વ્યાપક રીતે કાયમી (સ્થાયી, permanent) અને સ્થિર ચેતાકીય જોડાણો ઉદભવે છે. લઘુકાલીન સ્મૃતિમાંથી ગુરુકાલીન સ્મૃતિમાં માહિતીને સ્થાપિત કરવામાં મગજનો સમુદ્રાશ્વ વ્યાવર્ત (hippocampus gyrus) નામનો ભાગ સક્રિય અને અગત્યનો ભાગ ભજવે છે. જોકે તે પોતે માહિતીનો સંગ્રહ કરતો નથી; પરંતુ 1થી 3 મહિના કે વધુ સમયમાં ચેતાકીય જોડાણો બદલવામાં મહત્વનું કાર્ય કરે છે. આમ તે શરૂઆતની શીખવાની પ્રક્રિયા પછીના સમયમાં સક્રિય હોય છે.
ઊંઘના સમયે માહિતીનું સ્થાપન થાય છે તેથી શિક્ષણ-પ્રશિક્ષણ પછી અને પરીક્ષણ પહેલાં પૂરતી ઊંઘ હોય તે જરૂરી ગણાય છે. દિવસ દરમિયાન શીખેલી માહિતીનું સમુદ્રાશ્વ વ્યાવર્ત ઊંઘ દરમિયાન યોગ્ય જોડાણોમાં પુન:પ્રસારણ (relay) કરે છે.
સ્મૃતિનાં પ્રારૂપો (models of memory) : સ્મૃતિની પ્રક્રિયાને સમજવા માટે વિવિધ પ્રારૂપો સૂચવાયેલાં છે. સન 1968માં એટ્કિનસન અને શિફ્રિને બહુસંગ્રહ પ્રારૂપ (multi-store model) સૂચવ્યું હતું. (જુઓ આકૃતિ). તે અતિશય સાદું જણાયું હોવાથી તે બ્રેડલેએ સક્રિય સ્મૃતિનું પ્રારૂપ (model of working memory) દર્શાવ્યું હતું (સન 1974). હાલ તે વ્યાપક સ્વીકૃતિ ધરાવે છે. જોકે અન્ય નવાં પ્રારૂપો પણ વિકસાવેલાં છે અને સૂચવાયેલાં છે. સક્રિય સ્મૃતિના પ્રારૂપ વડે બે જુદી જુદી સંવેદનાઓ (જોવું અને સાંભળવું) સાથે કરીને સ્મૃતિમાં લઈ શકાય છે, પણ બે બાબતો તરફ સાથે જોઈને કે બે બાબતોને સાથે સાંભળીને તેમને યાદ રાખવી મુશ્કેલ બને છે એ પરિસ્થિતિ સમજાવી શકાય છે.
બહુસંગ્રહ પ્રારૂપ વડે સંવેદનાજન્ય સ્મૃતિ, લઘુકાલીન સ્મૃતિ તથા ગુરુકાલીન સ્મૃતિનો ક્રમિક સંબંધ તથા પુનરાવર્તનનું મહત્વ સમજી શકાય છે. સક્રિય સ્મૃતિ-પ્રારૂપ વધુ સંકુલ છે. તેમાં ધ્વનિ, દૃષ્ટિ તથા વિસ્તારબોધના બે અલગ અલગ સક્રિયતા વિસ્તારો છે, જેમાં સંગ્રહેલી માહિતીને પ્રાસંગિક આંતરપટ દ્વારા કાલાનુક્રમિત કરાય છે એવું સમજાવી શકાય છે. ધ્વનિજન્ય, દૃષ્ટિ-વિસ્તારજન્ય અને પ્રાસંગિક આંતરપટજન્ય એમ સ્મૃતિના ત્રણેય વિસ્તારોનું સંકલન, નિયંત્રણ, પસંદગીપૂર્ણ ધ્યાનાકર્ષણ કે નિગ્રહણ (inhibition) વગેરે વિવિધ બાબતો માટે કેન્દ્રીય કાર્યાધિકારી ક્ષેત્ર હોય છે, જે કાર્યાધ્યક્ષનું કાર્ય કરે છે.
સ્મૃતિનાં પ્રારૂપો : (અ) બહુસંગ્રહ પ્રારૂપ, (આ) સક્રિય સ્મૃતિનું પ્રારૂપ
માહિતી પર પ્રક્રિયા કરવાથી તેની સ્મૃતિ વધે છે, જેમ કે વ્યવસ્થિત જૂથોમાં ગોઠવેલી (વર્ગીકૃત) માહિતી સહેલાઈથી યાદ રહે છે; દા. ત., ફળો અને શાકનાં નામ 2 જુદાં જુદાં જૂથોમાં સહેલાઈથી યાદ રહે છે. માહિતીનું સ્પષ્ટીકરણ, તેને સમજવા માટે કરવો પડતો પ્રયત્ન, તેનું વિશદ વિવરણ પણ યાદ રાખવામાં મદદરૂપ થાય છે. આમ માહિતીનું વર્ગીકરણ, સ્પષ્ટીકરણ કે વિવરણ તથા તેને સમજવા કે યાદ રાખવામાં વિશેષ પ્રયત્ન કે શ્રમ કરવાથી તે વધુ યાદ રહે છે.
માહિતીના પ્રકારને આધારે સ્મૃતિને 2 વર્ગોમાં વહેંચાય છે : (1) સુસ્પષ્ટ (explicit) અને (2) ક્રિયામૂલક (procedural). સુસ્પષ્ટ માહિતીનો પુનરુચ્ચાર કરવા માટેની સ્મૃતિ પ્રથમ પ્રકારની સ્મૃતિ છે, તેમાં માહિતીના દરેકેદરેક ભાગને સ્પષ્ટ યાદ રાખવામાં આવે છે. જેમ કે ‘ભારતની રાજધાની નવી દિલ્લી છે’ ! જ્યારે બીજા પ્રકારની સ્મૃતિમાં કોઈ ક્રિયા દરમિયાન ક્રમશ: માહિતીનો ઉપયોગ થાય છે; પરંતુ દરેક તબક્કાને વિગતવાર એકબીજાથી અલગ અલગ યાદ રાખીને કાર્ય થતું નથી. સામાન્ય રીતે બીજા પ્રકારની સ્મૃતિ હલન-ચલન સાથે સંબંધિત છે અને તેમાં નાનું મગજ અને તલીય ચેતાગંડિકાઓ (basal ganglia) સક્રિય હોય છે.
આ ઉપરાંત સ્મૃતિને કાલાનુક્રમે પણ વર્ગીકૃત કરાય છે, ભૂતકાળની સ્મૃતિ (પ્રસંગ કે કાલખંડ સંબંધિત) તથા ભવિષ્યકાળ સંબંધિત સ્મૃતિ (સ્મૃતિમાં શું રાખવું તેની સ્મૃતિ).
સ્મૃતિવર્ધન : ગોખણપટ્ટી એ સૌથી સામાન્ય અને વપરાશમાં લેવાતી પદ્ધતિ છે. પુનરાવર્તન, અભ્યાસ, એકથી વધુ જ્ઞાનેન્દ્રિય અને/અથવા કર્મેન્દ્રિયનો ઉપયોગ, સમજણ, વિશેષ પ્રયત્ન વગેરે વિવિધ રીતે સ્મૃતિવર્ધન કરી શકાય છે.
સ્મૃતિ સંબંધિત વિકારો : સ્મૃતિલોપ (loss of memory) અથવા ભુલાઈ જવાની સ્થિતિને વિસ્મૃતિ (amnesia) કહે છે. જો વ્યક્તિ પોતાના જીવનની નાની નાની બાબતો, કે જે સામાન્ય રીતે ભુલાઈ જતી હોય છે તેને યાદ રાખે તો તેને અતિવિચારસ્મૃતિ (hyper-thymesia) કહે છે.
સ્મૃતિલોપ (વિસ્મૃતિ) ધીમો અથવા અચાનક થઈ આવે છે. તે કાયમી કે ટૂંકાગાળાનો પણ હોઈ શકે છે. મોટી ઉંમરે ઍલ્ઝેમિરના રોગમાં ધીમે ધીમે અને કાયમી સ્વરૂપે સ્મૃતિલોપ થાય છે.
વિસ્મૃતિનાં કારણો : વૃદ્ધાવસ્થા – શરીરમાં 25 વર્ષ પછી નવા ચેતાકોષો બનતા નથી; પરંતુ દર વર્ષે 1 % જેટલા ચેતાકોષો નાશ પામે છે. તેથી 70 વર્ષની વયે વ્યક્તિ ત્રીજા ભાગનું સ્મૃતિકાર્ય (function of memory) ગુમાવે છે. ખિન્નતા(depresion)થી ટૂંકા ગાળાની અને નિવર્તનશીલ (reversible) વિસ્મૃતિ થાય છે જે સારવારથી સુધરે છે. મોટી ઉંમરે તે પણ એક અગત્યનું કારણ હોય છે. સમુદ્રાશ્વરૂપ વ્યાવર્ત અથવા ગડી (hippocampus gyrus) અને અધિનેત્ર-અગ્રસ્થ ગડી (orbitofrontal gyrus) જેવા સ્મૃતિ ઘડવામાં સક્રિય મગજના ભાગોને ઈજા, શસ્ત્રક્રિયા, રોગ કે ઑક્સિજનના પુરવઠામાં ઊણપને કારણે હાનિ પહોંચે તો મહત્તમ સ્મૃતિલોપ થાય છે. અલ્પગલગંડિતા (hypothyroidism) નામના રોગમાં પણ સ્મૃતિક્ષમતા ઘટે છે. ક્યારેક દારૂ, તમાકુ, હેરોઈન, કોકેન અને ઍમ્ફેટેમિન જેવા નશો અને બંધાણ કરતાં રસાયણો, વાતાવરણમાંના ઝેર જેવાં કે સીસું, પારો વગેરે ચેતાકોષને ઈજા કરીને સ્મૃતિક્ષમતા ઘટાડે છે. મુક્તાંકુરો (free radicals) પણ ચેતાકોષોને ઈજા પહોંચાડીને સ્મૃતિનાશ સર્જે છે. લોહીમાં ગ્લુકોઝ ઘટે ત્યારે તે ક્યારેક ચેતાકોષોને ઈજા કરે છે. મદ્યપાન પછી થતી થોડા સમયની અગ્રકાલીન વિસ્મૃતિને ‘અંધારપટ ઘટના’ (black out phenomenon) પણ કહે છે. મગજમાં થતા ચેપ (મસ્તિષ્કશોથ, encephalitis) ચેતાકોષોને ઈજા કરીને ક્યારેક સ્મૃતિ ઘટાડે છે. માનસિક તણાવ, અનેક કાર્યો સાથે કરવાથી ઉદભવતા સંવેદના-અતિરેક(sensory overload)ને કારણે લઘુકાલીન સ્મૃતિની પ્રક્રિયા ક્ષતિપૂર્ણ બને છે. એલ્ઝેમિરના રોગનું જોખમ કરતાં જનીનોની હાજરી કે રંગસૂત્ર-21ની વિષમતામાં થતા ડાઉનના સંલક્ષણમાં સ્મૃતિનાશ થાય છે. લાંબી ચાલતી ખેંચ (આંચકી કે સંગ્રહણ, seizure) પણ સ્મૃતિલોપ સર્જે છે. તીવ્ર લાગણીજન્ય આઘાત ક્યારેક સ્મૃતિલોપ સર્જે છે. ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) પછી ક્યારેક સ્ત્રીઓની સ્મૃતિક્ષમતા ઘટે છે.
વિસ્મૃતિના પ્રકારો : વિસ્મૃતિના વિવિધ પ્રકારો નોંધાયા છે : (1) અગ્રકાલીન વિસ્મૃતિ(anterograde amnesia)માં વ્યક્તિ પ્રસંગ બન્યા પછી થોડાક સમય બાદ તેને ભૂલી જાય છે કેમ કે તે તેને ગુરુકાલીન સ્મૃતિમાં પ્રસ્થાપિત કરી શકતી નથી. આવું ઈજા, મદ્યપાન કે બેન્ઝોડાયાઝેપિન જૂથની દવા લીધા પછી ક્યારેક થાય છે. (2) પૂર્વકાલીન વિસ્મૃતિ(retrograde amnesia)માં ભૂતકાળના બનાવો ભુલાઈ જાય છે, જે સામાન્ય ભૂલવાની સ્થિતિ કરતાં વધુ હોય છે. આ બંને પ્રકારની ક્ષતિઓ એક જ વ્યક્તિમાં પણ હોઈ શકે અને તે મગજના અધ:પાર્શ્વખંડ(temporal lobe)ના મધ્યરેખા તરફના ભાગમાં તથા સમુદ્રાશ્વ ગડી(hippocampus gyrus)ના વિકારોમાં જોવા મળે છે. જો કોઈ મોટરસાઇકલ સવાર માથાને ઈજા કરતા અકસ્માત પછી મોટરસાઇકલ ચલાવવાનું ભૂલી જાય તો તેને પૂર્વકાલીન વિસ્મૃતિ થઈ છે એમ કહેવાય અને જો તે અકસ્માત પછી પહેલા 1–2 દિવસ તેણે તેનાં કુટુંબીજનોને શું કહ્યું છે તે ભૂલી જાય તો તે અગ્રકાલીન વિસ્મૃતિ કહેવાય. જો તે બંને ભૂલે તો તેને મિશ્ર અગ્ર-પૂર્વકાલીન વિસ્મૃતિ (mixed antegrade retrograde amnesia) કહે છે. (3) ઈજા પછી થતી વિસ્મૃતિને ક્ષતકોતર વિસ્મૃતિ (post-traumatic amnesia) કહે છે, જે માથા-મસ્તિષ્કને ઈજા થવાથી ઉદભવે છે. તે અગ્રકાલીન, પૂર્વકાલીન કે મિશ્ર અગ્ર-પૂર્વકાલીન વિસ્મૃતિ હોઈ શકે છે. કેટલા સમય માટે વિસ્મૃતિ થશે તેનો આધાર ઈજા(ક્ષતક – injury)થી ચેતાકોષોને કેટલી ક્ષતિ ઉદભવી છે અને અન્ય ચેતાકાર્યો પુન:સ્થાપિત થયા છે તેના ઉપર છે. (4) વિયુગ્મનકારી વિસ્મૃતિ(dissociative amnesia)નું કારણ કોઈ માનસિક વિકાર હોય છે. કોઈ દુ:ખદ પ્રસંગ જે સ્મૃતિમાં સચવાયેલો હોય, પણ માનસિક રક્ષણના ભાગ રૂપે તેને પુન:સ્મરણમાં લાવી ન શકાય તેવી આ સ્થિતિ છે. તેને અગાઉ મનોજન્ય વિસ્મૃતિ (psychogenic amnesia) પણ કહેવાતી. (5) વિયુગ્મનકારી પલાયન(dissociative fugue)ની સ્થિતિમાં વ્યક્તિ મૂળ સ્થાન છોડી બીજે જતી રહે અને ત્યાં મૂળ ભૂતકાળને ભૂલીને જીવે. આવું કોઈ માનસિક ક્ષતક(ઈજા)ને કારણે થાય તો તે ટૂંકા સમય માટે હોય છે જેને અંતે વ્યક્તિ મૂળ જીવનમાં પાછી આવે છે. હકીકત કરતાં વાર્તાઓમાં આવું વધુ બને છે. વળી તે માનસિક વિકારજન્ય છે કે નહિ તેનું નિદાન પણ અઘરું બને છે. અગાઉ માનસિક વિકારથી થતી આવી વિષમતાને મનોજન્ય પલાયન (psychogenic fugue) પણ કહેવાતું. (6) સંમોહોનોત્તર વિસ્મૃતિ(posthypnotic amnesia)ની વિષમતામાં વ્યક્તિ સંમોહનસ્થિતિમાં થયેલા અનુભવોને યાદ કરી શકતી નથી. (7) જો કોઈ એક ચોક્કસ પ્રસંગની જ વિસ્મૃતિ થાય તો તેને રિક્તખંડી (lacunar) વિસ્મૃતિ કહે છે. (8) બાળપણના પ્રસંગોની વિસ્મૃતિને બાલ્યાવસ્થા વિસ્મૃતિ (childhood amnesia) કહે છે, તેને કારણે મોટી ઉંમરે બાળપણની વાતો યાદ રહેલી હોતી નથી. તેને ફ્રોઇડે લૈંગિક વિદમન(sexual repression)ની સ્થિતિને કારણે હોવાનું સમજાવ્યું હતું. હાલ મોટા ભાગના નિષ્ણાતો ભાષાવિકાસ અને મગજની અપૂર્ણ પરિપક્વતાને કારણે તેવું થતું હોવાનું માને છે. (9) મગજની સમુદ્રાશ્વ ગડીના ભાગમાં લોહીનું પરિભ્રમણ ઘટ્યું હોય કે આંચકી આવી જવાથી ચેતાવિઘાતની સ્થિતિ થવાથી થોડા સમય માટે સંપૂર્ણ વિસ્મૃતિ ઉદભવે તો તેને અલ્પકાલીન સર્વગ્રાહી વિસ્મૃતિ (transient global amnesia) કહે છે. આવી વ્યક્તિ થોડીક મિનિટોના સમયગાળામાં બનેલી બધી જ વાતોને યાદ કરી શકતી નથી. (10) સ્રોતમૂલ વિસ્મૃતિ(source amnesia)માં વ્યક્તિ માહિતીને યાદ રાખી શકે છે; પરંતુ માહિતીના મૂળને યાદ રાખી શકતી નથી. (11) મદ્યપાનીઓમાં અપોષણને કારણે વિટામિન B1ની ઊણપ થાય છે અને તેનાથી થતા કોર્સેકોફના સંલક્ષણમાં ક્યારેક વિસ્મૃતિ થાય છે. (12) ક્યારેક માનસિક વિકારને કારણે વ્યક્તિ પોતાની સ્મૃતિ પર વિશ્વાસ કરી શકતી નથી. તેને સ્મૃતિ-અવિશ્વાસ સંલક્ષણ (memory distrust syndrome) કહે છે.
વિસ્મૃતિનું નિદાન અને સારવાર : સંપૂર્ણ નિદાનલક્ષી વૃત્તાંત, ચેતાતંત્રલક્ષી શારીરિક તપાસ, મસ્તિષ્કી વીજાલેખ (electro-encephalogram, EEG), સીટી સ્કૅન, એમ.આર.આઈ., પેટ-સીટી (PET-CT) કે સ્પેક્ટ (SPECT) જેવાં ચિત્રણો, લોહીની જૈવરસાયણી તપાસ વગેરેની મદદથી દર્દીની શારીરિક સ્થિતિ અંગે માહિતી મેળવાય છે. તેનાં માનસિક પરીક્ષણો વડે તેની વિસ્મૃતિનો પ્રકાર તથા શક્ય કારણ શોધવા પ્રયત્ન કરાય છે. જે તે મૂળ કારણની સારવાર કરવાથી વિસ્મૃતિની સ્થિતિમાં અમુક અંશે રાહત થાય છે.
સ્મૃતિસહાયક તંત્ર (mnemonics)
મુખ્યત્વે શાબ્દિક કે સંખ્યાકીય સામગ્રીને અથવા ખ્યાલોને યાદ રાખવા માટેની યોજનાઓ (systems) કે પ્રવિધિઓ (technics). એમાં મોટે ભાગે અક્ષરો, આંકડા કે શબ્દોનાં સંયોજનો દ્વારા કે તેની વિવિધ ક્રમોમાં ગોઠવણી દ્વારા અને કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને જટિલ સામગ્રીને લાંબા સમય સુધી સ્મૃતિમાં જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
પ્રાચીન ભારતમાં, ગ્રીસમાં અને રોમમાં ઉપયોગી વિષયોની સ્મૃતિને ટકાવવા માટે આવી પ્રયુક્તિઓ વપરાતી હતી. ભારતમાં ચારે વેદોનાં સૂક્તો અને ઋચાઓને મુખપાઠની અનોખી પદ્ધતિઓ વડે કંઠસ્થ કરીને ગુરુ-શિષ્ય પરંપરામાં હજારો વર્ષ સુધી ચોકસાઈથી જાળવી રાખવામાં આવી છે. તેમાં ઘનપાઠ, જટાપાઠ જેવી સ્મૃતિસહાયક યુક્તિઓનો આગવો ફાળો છે.
ગ્રીક શબ્દ ‘mnema’ (સ્મૃતિનું રેખાંકન) ઉપરથી ‘mnemonics’ (સ્મૃતિ-જાળવણીનું તંત્ર) એ શબ્દ ઊતરી આવ્યો છે. પ્રાચીન રોમમાં જાહેરમાં ભાષણ કરવા માટે સ્મૃતિની તાલીમ અનિવાર્ય ગણાતી હતી. તેથી રોમન વિચારક અને વક્તા સિસેરોએ વક્તૃત્વના સંદર્ભમાં આવી પદ્ધતિનું વર્ણન કર્યું છે. મધ્યયુગીન ભારતમાં અગત્યની વિગતો અને તેની વચ્ચેના સંબંધોની સ્મૃતિને ચોકસાઈથી ટકાવવા માટે જે તે વિષયના ઝીણવટભર્યા મુદ્દાઓને સ્પષ્ટ રીતે દર્શાવતાં આકર્ષક ચિત્રોની પદ્ધતિનો ઉપયોગ થતો હતો.
જો શીખનાર વ્યક્તિ સક્રિય બને અને બંધબેસતી પદ્ધતિ વડે સામગ્રીનું અસરકારક સંકલન કરે તો તે અઘરી વિગતોને પણ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે એ આજના મનોવૈજ્ઞાનિક પ્રયોગો વડે સિદ્ધ થયું છે.
કાવ્યની પંક્તિઓ વડે સામગ્રીનું સંકલન કરવું વધારે સરળ હોય છે, કેમકે તેમાં અનુપ્રાસ હોય છે અને તેથી ગેય રીતિમાં મૌખિક રટણ કરવું અસરકારક બને છે. દૃશ્યો અને ધ્વનિઓની પ્રતિમા વડે પણ સ્મૃતિને વધુ સમય સુધી ટકાવી શકાય છે. આંકના ઘડિયા મોઢે કરવા માટે ‘બાવી(સ) એકા બાવી, ઘઉંની રોટલી ચાવી, ઘઉંની રોટલી સુંવાળી, બાવી(સ) દુ ચુંવાળી(સ)’ એવી યુક્તિ જૂના જમાનાના શિક્ષકો અજમાવતા હતા. નીચે આવી કેટલીક અન્ય યુક્તિઓ દર્શાવી છે :
(1) ગુચ્છીકરણ (clustering) : વિગતોને આડેધડ મોઢે કરવાનો પ્રયત્ન કરવાને બદલે પહેલાં એમને વર્ગોમાં વહેંચવી તે ગુચ્છીકરણ છે; દા. ત., ઘરમાં જરૂરિયાત જેમ જેમ ઊભી થઈ તેમ તેમ ખરીદવાની ચીજોની નોંધ આ રીતે કરી : કાંસકો, કેરી, ઘઉં, ગુંદર, ચાદર, ગોળ, ટમેટાં, દાળ, ઘી, ડ્રેસનું કાપડ, બૉલપેન, સાવરણી, ભાજી, દીવાસળી, નોટબુક, સાબુ, બ્રશ, પડદાનું કાપડ. સીધું આ ક્રમમાં પુનરાવર્તન કરવાથી તે યાદ રહેતી નથી, પણ નીચે પ્રમાણે વર્ગોમાં મૂકવાથી યાદ રહે છે : (1) ઘઉં, દાળ, ગોળ, ઘી (2) કેરી, ભાજી, ટમેટાં (3) ડ્રેસનું કાપડ, ચાદર, પડદાનું કાપડ (4) નોટબુક, બૉલપેન, ગુંદર (5) દીવાસળી, સાવરણી, સાબુ, બ્રશ, કાંસકો.
(2) સ્થળ(locus)નું સાહચર્ય : તમે રોજ જ્યાંથી પસાર થતા હો ત્યાં એક પછી એક આવતાં સ્થાનો કે વસ્તુઓની યાદી (માનસિક પ્રતિમા) બનાવો. જે યાદ રાખવાની છે એ વિગતોને એ માનસિક પ્રતિમા સાથે ક્રમમાં જોડી દો. દા. ત., પરિચિત સ્થળો : મોટી દુકાન, દરવાજો, પગથિયાં, રસ્તો, ગલી, ઓટલો, બારણું, કોઠાર, રસોડું. યાદ રાખવાના શબ્દો : મોગરો, દાડમ, પારિજાતક, રાતરાણી, ગરમાળો, આસોપાલવ, પપૈયું, બાવળ, કમળ, રાયડો. સાહચર્ય જોડાણ : મોટી દુકાન → મોગરો, દરવાજો → દાડમ, પગથિયાં → પારિજાતક વગેરે. આમ બે બે દૃશ્યોની ભેગી કલ્પના કરવાથી જરૂરી શબ્દો યાદ રહે છે. જોકે આ પદ્ધતિમાં બે ખ્યાલોને જોડવામાં વિશેષ પ્રયત્ન જરૂરી બને છે. સ્થળો વ્યક્તિને જાણીતાં હોવાં જોઈએ અને એકબીજાંથી અલગ ઓળખાય એવાં હોવાં જોઈએ.
(3) વાર્તાની મદદથી : આ પદ્ધતિમાં યાદ રાખવાની વિગતોને ક્રમમાં મૂકીને તેને જોડતી એક વાર્તા રચવામાં આવે છે.
(4) ખીંટીરૂપ શબ્દો(pegwords)નો ઉપયોગ કરવો : અહીં યાદ રાખવાની સામગ્રીના આધાર તરીકે ખીંટી જેવું કામ કરતા આંકડા, અક્ષરો કે શબ્દોનો ઉપયોગ થાય છે. (જેમ ખીંટી ઉપર લટકાવેલી વસ્તુ ત્યાં ટકી રહે છે તેમ વિગતો ટકી રહે છે.) ધારો કે તમારે નીચેની વિગતોને એકથી દસના ક્રમમાં યાદ રાખવાની છે : રશિયાના ખેલાડી, ભારતના ભિખારી, લીબિયાની ગરમી, બેલ્જિયમનું એન્ટવર્પ શહેર, સાઇબીરિયાનો શિયાળો, મધ્ય આફ્રિકા, ઍન્ટાર્ક્ટિકાનો ઉનાળો, બકિંગહામ મહેલ, ઍમેઝોનનો ખીણપ્રદેશ, ભારતનો કોંકણપ્રદેશ. એને નીચેના ખીંટીરૂપ શબ્દો સાથે જોડવાથી તેને ક્રમમાં યાદ રાખવાનું સરળ થશે :
ફેંક | લે | રણ | હાર | ચાંચ | ઢ | રાત | ઠાઠ | દવ | રસ |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
રશિયન ખેલાડીઓ ગોળા વગેરે ફેંકવામાં આગળ પડતા છે. ભિખારીઓ લેવામાં જ માને છે. લીબિયાની ગરમી ત્યાંના રણને લીધે છે. એન્ટવર્પ હીરાના વ્યાપારનું કેન્દ્ર છે. શિયાળામાં સાઇબીરિયાથી પક્ષીઓ ભારત આવે છે. મધ્ય આફ્રિકાની કેટલીક આદિમ જાતિઓ નિરક્ષર છે. ઍન્ટાર્ક્ટિકામાં ઉનાળામાં ટૂંકી રાત હોય છે. બકિંગહામ મહેલમાં રાજાશાહી ઠાઠ હોય છે. ઍમેઝોનનાં જંગલોમાં કોઈ કોઈ વાર દવ (આગ) લાગે છે. કોંકણમાં પાકતી કેરીનો રસ જાણીતો છે. આ પદ્ધતિમાં પણ યોગ્ય ખીંટીરૂપ શબ્દો શોધવા અને તેનો સંબંધ જોડવા માટે મગજ કસવું પડે છે. તેથી સ્મૃતિ માટે આ પદ્ધતિના લાભના પ્રમાણમાં મહેનત વધી જાય છે.
(5) પ્રથમ અક્ષરો દ્વારા : વિગતોના પહેલા અક્ષરોને ભેગા કરીને એ અક્ષરોના સમૂહને યાદ રાખવાથી વિગતો યાદ રાખવી સરળ પડે છે. દા. ત., (1) ‘રાનાપીલીભુવાજા’ યાદ રાખવાથી મેઘધનુષ્યના રંગોનો ક્રમ યાદ રહે છે. (2) ‘સતના બોજા દાસી કે ચીસ’ એ અક્ષરસમૂહ યાદ રાખવાથી એ દરેક અક્ષરથી શરૂ થતાં ફળોનાં નામ યાદ રહે છે : સફરજન, તડબૂચ, નારંગી, બોર, જામફળ, દાડમ, સીતાફળ, કેળાં, ચીકુ અને સકરટેટી.
(6) પ્રતિમા દ્વારા એકીકરણ અને પુન:પ્રાપ્તિ : આ યુક્તિઓ સંઘરેલી માહિતીને મનના ઊંડાણમાંથી બહારની સભાન સપાટી સુધી ખેંચી લાવનારા હાથા કે સાધન તરીકે કામ કરે છે. તેથી ઘણા સમય પહેલાં સંઘરેલી માહિતી પણ બહાર આવે છે. માહિતીને પુન:પ્રાપ્ત કરવાના જેટલા વધારે વિશિષ્ટ સંકેતો કે પ્રતિમાઓ સાથે તેને જોડવામાં આવે તેટલે અંશે તે ફરી યાદ આવવાની શક્યતા વધે છે.
(7) સાહચર્યની જાળ : માહિતીને સરળતાથી પુન:પ્રાપ્ત કરવા માટે તેને સ્મૃતિભંડારમાં યોગ્ય રીતે મૂકવી જોઈએ. આપણને જેનું જ્ઞાન છે એવી બને તેટલી વધારે બાબતો સાથે નવી શીખેલી માહિતીનો સંબંધ જોડતા જઈને તેનો સંગ્રહ કરવો જોઈએ. તેથી એમાંની કોઈ એક વિગત તાજી થતાં એની સાથે સંકળાયેલી અન્ય વિગતો પણ એક પછી એક તાજી થવા માંડે છે; દા. ત., સામાન્ય માણસે યાદ રાખવા જેવી કાપડનાં ઉત્પાદનોને લગતી વિગતોને નીચેની જાળમાં ગોઠવી શકાય :
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે
સાધના પરીખ
શિલીન નં. શુક્લ