સ્મિથ, હૅમિલ્ટન (જ. 23 ઑગસ્ટ 1931, યુ.એસ.) : સન 1978નું તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના ત્રીજા ભાગના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમની સાથે તે સમયે સ્વિટ્ઝર્લૅન્ડના વેર્નર અને અમેરિકાના ડેનિયલ નાથન્સને પણ આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમને આ સન્માન ડી.એન.એ. પર કાર્ય કરતા પ્રતિરોધ-ઉત્સેચકો(restriction enzyme)ની શોધ માટે પ્રાપ્ત થયું હતું. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી નામનો જીવાણુભક્ષક વિષાણુ (phage virus) P22નો ડી.એન.એ. લઈ શકે છે. તેમાં કાર્યરત ક્રિયાપ્રવિધિ-(mechanism of action)નો અભ્યાસ કરતાં તેમણે તથા તેમના સાથીદારોએ બીજા પ્રકારના પ્રતિરોધ-ઉત્સેચકોની હાજરી શોધી કાઢી હતી. આ ઉત્સેચકો ડી.એન.એ. શૃંખલા પરના વિશિષ્ટ વિસ્તારોને ઓળખી કાઢીને હંમેશ ડી.એન.એ.ની શૃંખલાને તે જ ચોક્કસ સ્થાનથી તોડે છે. આવી પૂર્વનિશ્ચિતતાવાળી વર્તણૂકને કારણે પ્રતિરોધ-ઉત્સેચકો–પ્રકાર 2નો ઉપયોગ ડી.એન.એ.ની સંરચના (structure) અને પુન:સંયોજિત (recombinant) ડી.એન.એ. બનાવવામાં (ઉત્પાદિત કરવામાં) થાય છે.

હૅમિલ્ટન સ્મિથ

તેમનાં માતા-પિતા શિક્ષણક્ષેત્રમાં હતાં; તેથી તેમનું બાળપણ અમેરિકાના મધ્યપશ્ચિમી ક્ષેત્રમાં શૈક્ષણિક વાતાવરણ વચ્ચે વીત્યું. તેમણે તે સમયે સંગીતનું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું. તેમણે યુનિવર્સિટી ઑવ્ ઇલિનોઇસમાંથી મૅટ્રિક્યુલેશન કર્યું. ત્યાર બાદ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં દેહધર્મવિદ્યા, જૈવરસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો અભ્યાસ કર્યો (1950). સન 1952થી જ્હૉન હૉપ્કિન્સ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલ(બાલ્ટિમોર, મૅરિલૅન્ડ)માં તબીબીવિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો અને સન 1956માં એમ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યાર બાદ તેમણે ઇલિઝાબેથ એન વૉલ્ટન (નર્સિંગ વિદ્યાર્થિની) સાથે લગ્ન કર્યાં. તેનાથી તેમને 4 પુત્રો અને એક પુત્રી થયાં. સન 1957થી 1959 નૌસેનામાં સેવા આપી. સન 1962માં અમેરિકાની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાની પોસ્ટડૉક્ટરલ ફેલોશિપ મેળવીને મિશિગન યુનિવર્સિટીના માનવજનનશાસ્ત્રના વિભાગમાં સંશોધનકાર્ય આરંભ્યું. યુવાન સંશોધક માઇક સાથે તેમણે P22-C જનીનોની ક્રમિક ક્રિયા દર્શાવી અને સન 1965માં તેમણે જનીનનું નિયંત્રણ કરતા int જનીન નામે ઓળખાતા પૂર્વભક્ષક(prephage)ને શોધી કાઢ્યો. સન 1967થી તેઓ જ્હૉન હૉપ્કિન્સમાં સૂક્ષ્મજીવવિદ્યાના સહાયક પ્રાધ્યાપક તરીકે આવ્યા અને ત્યાં જ તેમણે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. તેમનાં સંશોધનક્ષેત્રોમાં પ્રતિરોધ-ઉત્સેચકો, પરિવર્તન(modification)-ઉત્સેચકો, જનીની પુન:સંયોજન સાથે સંકળાયેલી ઉત્સેચકવિદ્યા (enzymology) તથા પૂર્વકોષકેન્દ્રી (prokaryotic) અને સુકોષકેન્દ્રી(eukaryotic)નું જનીનીય નિયંત્રણ વગેરેનો સમાવેશ થાય છે.

શિલીન નં. શુક્લ