સ્મિથ, જ્યૉર્જ ઈ. (Smith, George E.)

January, 2024

સ્મિથ, જ્યૉર્જ ઈ. (Smith, George E.) (જ. 10 મે 1930 વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : પ્રતિબિંબન અર્ધવાહક પરિપથ અર્થાત્ વિદ્યુતભાર–યુગ્મિત ઉપકરણ (CCD-સેન્સર–સંવેદનમાપક)ની શોધ માટે 2009નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર  મેળવનાર વિજ્ઞાની. આ શોધ માટે પુરસ્કારનો અર્ધભાગ જ્યૉર્જ સ્મિથ તથા વિલાર્ડ બૉઇલને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ ચાર્લ્સ કે. કાઓને પ્રકાશિકી સંદેશાવ્યવહાર માટે તંતુઓમાં પ્રકાશના પ્રસારણને લગતી શોધ માટે પ્રાપ્ત થયો હતો.

જ્યૉર્જ ઈ. સ્મિથ

જ્યૉર્જ સ્મિથે કૉલેજનું શિક્ષણ પ્રાપ્ત કરતાં પહેલાં અમેરિકન નેવીમાં કામ કર્યું હતું. 1955માં તેમણે યુનિવર્સિટી ઑવ્  પેન્સિલ્વેનિયામાંથી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. તે પછી 1959માં યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમનો પીએચ.ડી. માટેનો મહાનિબંધ માત્ર આઠ પાનાનો હતો. 1959થી 1986 સુધી, અર્થાત્ નિવૃત્તિ સુધી તેમણે બેલ લૅબ્સ, ન્યૂજર્સીમાં સંશોધનકાર્ય કર્યું. અહીં તેમણે લેસર અને અર્ધવાહક ઉપકરણો પર મહત્વના સંશોધનો કર્યાં. તેમના નામ પર અનેક પેટન્ટ છે. તેઓએ વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન સંસ્થાના વડા તરીકે ફરજ બજાવી. 1969માં વિલાર્ડ બૉઇલના સહકારથી વિદ્યુતભાર-યુગ્મિત ઉપકરણની શોધ કરી, જેને માટે તેમને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. 1973માં તેમને ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટનો સ્ટુઅર્ટ બૅલન્ટાઇન ચંદ્રક અને 1974માં IEEEનો મૉરિસ લિબમૅન પુરસ્કાર પ્રાપ્ત થયા. 2006માં તેમને ચાર્લ્સ સ્ટાર્ક ડ્રેપર પુરસ્કાર પ્રાપ્ત થયો. 2017માં તેમને ક્વીન એલિઝાબેથ પુરસ્કાર (એન્જિનિયરિંગ માટેનો) એનાયત થયો.

 પૂરવી ઝવેરી