સ્ફીન (ટિટેનાઇટ) : નેસોસિલિકેટ. રા. બં. : CaTiSiO5. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : વિવિધ સ્ફટિકો મળે, મોટે ભાગે ચપટા (001), ફાચર આકારના; પ્રિઝમેટિક પણ હોય; ક્યારેક પર્ણાકાર. યુગ્મતા (100) ફલક પર સામાન્ય; (221) ફલક પર પત્રવત્ યુગ્મતા. દેખાવ : પારદર્શકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) સ્પષ્ટ, (221) પર વિભાજકતાપત્રવત્ યુગ્મતાને કારણે. પ્રભંગ : ખરબચડાથી વલયાકાર બરડ. ચમક : હીરકથી રાળમય. રંગ : રંગવિહીન, પીળો, લીલો, રાખોડી, કથ્થાઈ, ગુલાબી-લાલ, કાળો; એક જ સ્ફટિકમાં રંગ જુદા જુદા હોઈ શકે. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 5થી 5.5. વિ. ઘ. : 3.45થી 3.55. પ્રકા. અચ. : α = 1.843થી 1.950, β = 1.870થી 2.034, γ = 1.943થી 2.110. પ્રકા. સંજ્ઞા : +Ve, 2V = 17°થી 40°.
આકૃતિ : (અ) કુદરતી ખનિજ, (આ) સ્ફટિકો
પ્રાપ્તિસ્થિતિ : નેફેલિન સાયનાઇટમાં આવશ્યક ખનિજ તરીકે, જ્યારે બાકીના અગ્નિકૃત ખડકોમાં અનુષંગી ખનિજ તરીકે. શિસ્ટ, નાઇસ તેમજ અન્ય વિકૃત ખડકોમાં પણ હોય. લોહઅયસ્કધારક સ્તરોમાં પણ મળે. જળકૃત ખડકોમાં કણજન્ય ખનિજ તરીકે મળે.
પ્રાપ્તિસ્થાનો : મુખ્યત્વે યુ.એસ., કૅનેડા, ગ્રીનલૅન્ડ, નૉર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, ફિનલૅન્ડ, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટાલી, ચેક પ્રજાસત્તાક, રશિયા, પાકિસ્તાન, બ્રાઝિલ, માડાગાસ્કર, ન્યૂઝીલૅન્ડ વગેરે.
ગિરીશભાઈ પંડ્યા