સ્ફિન્ક્સ (sphinx) : મિસર અને ગ્રીસની પ્રાચીન દંતકથાઓનું કાલ્પનિક પ્રાણીસ્વરૂપ. મિસર, ગ્રીસ કે નજીકના પૂર્વના દેશોના લોકો આવી દંતકથાઓ કર્ણોપકર્ણ કહેતા રહેતા. જુદી જુદી લોકવાયકાઓ અનુસાર પ્રાચીન ગ્રીસનાં આવાં સ્ફિન્ક્સનું શરીર સિંહનું અને મસ્તક તથા વક્ષ:સ્થળ માનવ-સ્ત્રીનું કે ઘેટાનું કે બાજપક્ષીનું હતું; કેટલાંકને પાંખો અને સાપ જેવી પૂંછડી પણ હતી. ઉત્તર ગ્રીસમાં જોવા મળેલાં આવાં સ્ફિન્ક્સ ભયાવહ રાક્ષસનાં હોવાનું મનાતું.

પ્રાચીન ગ્રીક વિસ્તારમાં પાંગરેલી મિનોઅન સંસ્કૃતિની કલામાં સ્ફિન્ક્સ સામાન્ય હતાં, જોકે મિનોઅન સંસ્કૃતિમાં સ્ફિન્ક્સનો પ્રવેશ ઇજિપ્ત દ્વારા જ થયો હતો; એટલે સ્ફિન્ક્સની દંતકથાઓનું મૂળ ઇજિપ્ત ગણાય. આ ઉપરાંત રજૂઆત અને સ્વરૂપભેદે સ્ફિન્ક્સના નમૂનામાં ઍસિરિયા, ઈરાન અને ફિનિશિયાનાં સ્ફિન્ક્સનાં મુખ દાઢીવાળા પુરુષનાં છે. ઇજિપ્તનાં સ્ફિન્ક્સને ગ્રીસનાં સ્ફિન્ક્સની જેમ પાંખો હોતી નથી, તેઓ દેવના પ્રતીક તરીકે રક્ષકના રૂપમાં જોવા મળે છે.

‘સ્ફિન્ક્સ’ એ મૂળ ગ્રીક શબ્દ છે. તેનો અર્થ દુષ્ટ, કાલ્પનિક રાક્ષસ જેવો થાય છે. પ્રાચીન ગ્રીકોએ ઇજિપ્તની તેમની સફર દરમિયાન માનવમસ્તકવાળાં અને પ્રાણીના ધડવાળાં જે વિશાળ પાષાણ બાવલાં જોયેલાં તે માટે તેઓ સ્ફિન્ક્સ શબ્દપ્રયોગ કરતા.

ઇજિપ્તનાં સ્ફિન્ક્સ : ઇજિપ્તનાં ઘણાંખરાં સ્ફિન્ક્સને મસ્તક માનવનું હતું, જ્યારે ધડ, પગ અને પૂંછડીનો ભાગ સિંહનો હતો; કેટલાંકમાં મસ્તક ઘેટા જેવું કે બાજપક્ષી જેવું હતું. રાજા કે રાણી પ્રત્યે આદર કે માનની લાગણી દર્શાવવા ઇજિપ્તવાસીઓ આવાં સ્ફિન્ક્સ બનાવતા. આ ઉપરાંત માનને પાત્ર હોય એવા લોકો માટે પણ શિલ્પીઓ સ્ફિન્ક્સ તૈયાર કરતા. ઇજિપ્તની કલામાં રાજાઓને દુશ્મન પર જીત મેળવતા ‘સિંહ’ જેવા બતાવેલા છે. સ્ફિન્ક્સને શાહી રક્ષણનું એક પ્રતીક બતાવાયું છે. અહીં સ્ફિન્ક્સનાં બાવલાંની હાર મંદિરો તરફ જતા માર્ગો પર જોવા મળે છે; કર્ણક ખાતેના વિશાળ મંદિર નજીક આવાં સ્ફિન્ક્સ જોવા મળે છે. કેટલાંક સ્ફિન્ક્સ હોરસ ભગવાન, આકાશ ભગવાન અને રાજાઓના રક્ષણહાર ભગવાન સૂર્ય માટે પણ બનાવાયેલાં છે.

જૂનામાં જૂનું, મોટામાં મોટું અને જગવિખ્યાત સ્ફિન્ક્સ ઇજિપ્તમાં ગીઝા નજીકના રણમાં નજરે પડે છે, તે ‘ગ્રેટ સ્ફિન્ક્સ’ નામથી જાણીતું છે. આ સ્ફિન્ક્સ 73 મીટર લાંબું અને 20 મીટરની ઊંચાઈવાળું છે. આ ગ્રેટ સ્ફિન્ક્સ ઇજિપ્તવાસીઓએ આશરે 4500 વર્ષ અગાઉ બનાવેલું. તેમણે તેનું મસ્તક અને ધડ ચૂનાખડકના એક વિશાળ ગચ્ચામાંથી કંડારેલું, જ્યારે તેના પગ અને પંજા અન્ય પાષાણટુકડાઓમાંથી બનાવીને તેમાં જોડેલા છે. પથ્થરો ઉપરાંત માટી, હાડકાં, હાથીદાંતમાંથી તેમજ સુવર્ણતકતી પર બનાવેલાં સ્ફિન્ક્સ પણ અન્યત્ર મળ્યાં છે. સ્ફિન્ક્સને ઊગતા સૂર્યદેવ તરીકે પણ રજૂ કરાયેલું છે. ઊગતો સૂર્ય જ્ઞાન અને મૃતાત્માનો દેવ પણ ગણાતો. તેથી ઇજિપ્તમાં સામાન્ય રીતે સ્ફિન્ક્સ રક્ષણના દેવ તરીકે મંદિરોનાં દ્વાર સામે રજૂ થતાં. ગીઝાના પિરામિડ નજીકના વિશાળકાય સ્ફિન્ક્સ વિશે પણ એવી માન્યતા પ્રવર્તે છે કે તે નાઇલ નદીની ખીણના પ્રદેશનું રક્ષણ કરે છે.

ગ્રેટ સ્ફિન્ક્સના મસ્તક પર શાહી વસ્ત્ર ઓઢાડેલું છે, તે ખાફરી(Khafre)ના પિરામિડની નજીકમાં આવેલું છે. ઇતિહાસવિદો માને છે કે આ સ્ફિન્ક્સનો ચહેરો એ રાજા ખાફરીનો ચહેરો છે, સંભવિત છે કે આ સ્ફિન્ક્સ ખાફરીએ પોતે તૈયાર કરાવ્યું હોય ! ઇજિપ્તનાં સ્ફિન્ક્સનાં મસ્તક ત્યાંના રાજાઓના ઉદયની શક્તિનાં પ્રતીક મનાય છે, એટલે તેમને શાહી પ્રતિભાનાં સૂચક ગણાવ્યાં છે. ઇજિપ્તના પ્રાચીન સામ્રાજ્ય (2664–2155 B.C.) દરમિયાન થઈ ગયેલા ત્રણથી આઠ રાજવંશો પૈકી ચોથા રાજવંશના સમય વખતે તેનું નિર્માણ થયું હોવાનું જણાય છે. જગતની અજાયબી સમું ગણાતું આ ગ્રેટ સ્ફિન્ક્સ ચાર હજાર વર્ષ પછી પણ આજે હયાત છે.

ગ્રેટ સ્ફિન્ક્સ રણમાર્ગે આવેલું હોવાથી ઘણી વાર રેતીના વંટોળને કારણે તેના કંઠ (ગળા) સુધી દટાઈ ગયેલું. ઇજિપ્તના રાજા થટમોસ ચોથાએ સ્વપ્નમાં જાણ થવાથી પંદરમી સદી દરમિયાન તે રેતીને દૂર કરાવેલી. તે પછીના સમયમાં પણ 1818માં, 1866માં, 1926માં અને 1938માં શ્રમિકો દ્વારા તેની ઉપર ભરાઈ ગયેલી રેતી દૂર કરાવાયેલી.

વર્ષોના વીતવા સાથે આ ગ્રેટ સ્ફિન્ક્સના બાવલા પર રણની રેતીના વંટોળ, પવન, વરસાદ અને સૂર્યતાપની અસરથી પાષાણનો કેટલોક ભાગ ઘસારો પામી ગયો છે. મસ્તકનો તૂટેલો ભાગ દર્શાવે છે કે બંદૂકનાં નિશાન તાકવા માટે પણ તેનો ઉપયોગ થયો હોય. 1970ના દાયકામાં આ બાવલાને વિશિષ્ટ પ્રકારનાં રસાયણો લગાવીને તેને વધુ ઘસાતું રોકવાનો પ્રયાસ થયેલો છે.

આકૃતિ 1 : ઇજિપ્તમાં ગીઝા નજીકના રણમાં આવેલ ‘ગ્રેટ સ્ફિન્ક્સ’નું ચૂનાખડકમાંથી બનાવેલું બાવલું

આકૃતિ 2 : ગ્રીક દંતકથામાંનું સ્ફિન્ક્સ : મસ્તક માનવસ્ત્રીનું, ધડ સિંહનું, બે પાંખો અને સાપ જેવી પૂંછડી છે. આ ગ્રીક સ્ફિન્ક્સ ઈ. પૂ. આશરે 540માં બનાવાયેલું છે.

ગ્રેટ સ્ફિન્ક્સનું મસ્તક માનવસ્ત્રીનું અને ધડ સિંહનું છે, પૂંછડી સાપ જેવી છે, પાંખો પણ છે. ગ્રીક દંતકથામાં ઘણું જાણીતું સ્ફિન્ક્સ ઇડિપસની વાર્તામાં આવે છે. થીબ્ઝ શહેરની બહાર ઊંચા પાષાણ પર એક સ્ફિન્ક્સ હતું. અહીંથી પસાર થતા કોઈ પણ મુસાફરને તે કોયડો પૂછતું, ‘એવું કોણ છે, જે બોલે છે, જેને ચાર પગ હોય છે, બે પગ પણ હોય છે અને ત્રણ પગ પણ હોય છે ?’ – આ કોયડાનો સાચો જવાબ ન આપનાર દરેકને આ સ્ફિન્ક્સ ખતમ કરી દેતું હતું. ઇડિપસ સ્વયં જ્યારે થીબ્ઝ જવા આ માર્ગેથી પસાર થયો ત્યારે તેને પણ સ્ફિન્ક્સે આ કોયડો પૂછેલો. ઇડિપસે તેનો આ પ્રમાણે ઉત્તર વાળેલો કે – મનુષ્ય જ એક એવું પ્રાણી છે જેની પાસે બોલવાની ક્ષમતા છે, તે બાળક હોય ત્યારે ચાર પગે, યુવાનવયે બે પગે અને વૃદ્ધ થાય ત્યારે લાકડીની મદદથી ત્રણ પગે ચાલે છે. ઇડિપસે સાચો જવાબ આપ્યો એટલે સ્ફિન્ક્સ તે સાંભળીને ખિજાયું, પાષાણ સ્વરૂપમાંથી તે જીવંત બનીને કૂદ્યું અને આત્મહત્યા કરી લીધી.

અન્ય સ્ફિન્ક્સ : ચિત્રો અને શિલ્પોમાં, બાવલાં સ્વરૂપનાં સ્ફિન્ક્સ ઇજિપ્ત અને ગ્રીસ ઉપરાંત એસિરિયા, ફિનિશિયા (નજીકના પૂર્વના દેશો) તેમજ એશિયા માઇનોર(તુર્કસ્તાન)માં પણ હતાં. આવાં મોટા ભાગનાં સ્ફિન્ક્સ ધાતુમાંથી કે માટીમાંથી બનાવાતાં હતાં. ઇજિપ્તવાસીઓની જેમ અન્ય પ્રાચીન લોકો પણ કબરો કે મંદિરોને કોતરણીથી કે પછી સ્ફિન્ક્સનાં બાવલાથી શણગારતા. આ લોકો સ્ફિન્ક્સને પવિત્ર સ્થાનોમાં રક્ષણહાર માનતા હતા.

ગિરીશભાઈ પંડ્યા

મોહન વ. મેઘાણી