સ્પેરી, રોજર ડબ્લ્યૂ. (જ. 20 ઑગસ્ટ 1913, હાર્ટફર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1994, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : તેઓ સન 1981ના તબીબીવિદ્યા તથા દેહધર્મવિદ્યા(physiology)ના અર્ધા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા હતા. બાકીનો પુરસ્કાર ડૅવિડ હ્યૂબલ અને ટોર્સ્ટેન વિસેલ વચ્ચે ચતુર્થાંશ ભાગ રૂપે વહેંચાયો હતો. તેમણે મગજના બે અર્ધગોળને જોડતી મસ્તિષ્કની સેતુકાય(corpus callosum)ને કાપીને અલગ પાડવાના પ્રયોગો કરીને મગજના જુદા જુદા વિસ્તારોની ક્રિયાવિશેષતા અંગે સંશોધન કરવા માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું.
રોજર ડબ્લ્યૂ. સ્પેરી
તેમના પિતા તેમની 11 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. તેમની માતાએ શાળા-આચાર્યના મદદનીશ તરીકે કાર્ય કરીને તેમને તથા તેમના ભાઈને ઉછેર્યા. તેઓ 1949માં નોર્માગે ડ્યૂપ્રી સાથે પરણ્યા અને તેનાથી તેમને એક પુત્ર અને પુત્રી થયાં.
શાળાશિક્ષણ હાર્ટફર્ડમાં પૂરું કરીને તેઓ એલ્મોર મિલર વિદ્યોત્તેજક સહાય (scholarship) વડે સ્નાતક થયા (1935) અને સન 1937માં તેમણે ઓબેર્લિનમાં માનસશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક-કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સને 1941માં પ્રાણીશાસ્ત્રમાં પીએચ.ડી. થયા. 1942થી 1946માં તેઓ હાવર્ડ વિશ્વવિદ્યાલયમાં સંશોધન-અધ્યેતા (research fellow) રહ્યા. સન 1946થી 1953ના સમયગાળામાં તેઓ શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દેહરચનાવિદ્યા (anatomy) અને પછી માનસશાસ્ત્રમાં અનુક્રમે સહાયક અને સહ-પ્રાધ્યાપક બન્યા. 1952–53માં તેઓ અમેરિકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનમાં ચેતાતંત્રીય રોગોના અને અંધત્વના વિભાગના વડા બન્યા. સન 1954થી તેઓ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં પ્રાધ્યાપક બન્યા. તે સમયે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો. તેમને અનેક સન્માનો, ચંદ્રકો અને સન્માનપત્રો (citations) પ્રાપ્ત થયાં હતાં.
તેમણે દર્દીઓની સારવારમાં બે મસ્તિષ્કી-અર્ધગોલ વચ્ચેની સેતુકાય(corpus callosum)ને કાપવાની શસ્ત્રક્રિયા કર્યા પછી તેમનું અવલોકન કર્યું. તેમણે જોયું કે આવા દર્દીઓ સામાન્ય રીતે બોલી, ચાલી, વાંચી કે રમી શકતા હતા. તેમણે ત્વરિતેક્ષણદર્શક (tachisto-scope) નામના સાધન વડે પ્રયોગો કર્યા. આંખનું દૃષ્ટિક્ષેત્ર (visual field) એટલે કે એ સમગ્ર વિસ્તાર જે સ્થિર આંખની દૃષ્ટિમાં આવે. વ્યક્તિ આંખ વડે તેના દૃષ્ટિક્ષેત્રમાં જે જુએ છે તેને ઈક્ષણ (vision) કહે છે. ઝડપથી થતા તેજ-ઝબકારનું ‘ઈક્ષણ’ કરીને મસ્તિષ્કી-અર્ધગોલમાં તેની માહિતી મોકલાય તેની નોંધ લેતા સાધનને ત્વરિતેક્ષણદર્શક કહે છે.
વ્યક્તિ તેના દૃષ્ટિક્ષેત્રમાંના ડાબા અર્ધગોલમાંના શ્યની સંવેદનાને જમણા મસ્તિષ્કી-અર્ધગોલમાં અને દૃષ્ટિક્ષેત્રના જમણા અર્ધગોલમાંના શ્યની સંવેદનાને ડાબા મસ્તિષ્કી-અર્ધગોલમાં મોકલે છે. જ્યારે તેને તેના દૃષ્ટિક્ષેત્રના કેન્દ્રમાં જોવાનું કહીને સ્પેરીએ તેમના પ્રયોગો કર્યા. જમોડી વ્યક્તિના ડાબા મસ્તિષ્કી-અર્ધગોલમાં બોલવા અંગેનો ચેતાવિસ્તાર આવેલો છે, તેથી તે દૃષ્ટિક્ષેત્રના કેન્દ્રમાં ધ્યાનથી જોતાં અને બંને મસ્તિષ્કી-અર્ધગોલો વચ્ચેની સેતુકાય કાપી કઢાઈ હોય એવી વ્યક્તિ દૃષ્ટિક્ષેત્રના કેન્દ્રની સહેજ જમણી બાજુ ચમચી હોય તો તે ‘જોઈ’ અને ‘જણાવી’ શકે છે; પરંતુ જો તે દૃષ્ટિક્ષેત્રના કેન્દ્રની ડાબી બાજુ હોય તો તેવું કરી શકતી નથી; પરંતુ તેના ડાબા હાથ વડે ઊંચકી શકે છે. આ પ્રયોગ દર્શાવે છે કે દૃષ્ટિક્ષેત્રના ડાબા અર્ધગોલમાંની સંવેદનાઓ જમણા મસ્તિષ્કી-અર્ધગોલમાં જાય. જમણા અર્ધગોલમાં ભાષા અંગેનાં ચેતાકેન્દ્રો નથી. તે સંવેદનોનું અર્થઘટન કરીને અનુભવી શકતો નથી પણ તે જમણા મસ્તિષ્કી-અર્ધગોલ દ્વારા નિયંત્રિત ડાબા હાથ વડે તેને સ્પર્શી શકે છે. આમ, તેમણે આ પ્રયોગ દ્વારા મગજના જુદા જુદા અર્ધગોલમાંના જુદા જુદા વિસ્તારો અંગે સંશોધન કર્યું, જેણે તેમને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરાવ્યું.
શિલીન નં. શુક્લ