સ્પિલાઇટ : બહિર્ભૂત આગ્નેય, સમુદ્રતલીય જ્વાળામુખી ખડકપ્રકાર. સમુદ્રતળ પર બનતો, સૂક્ષ્મ સ્ફટિકમયથી સૂક્ષ્મ દાણાદાર કણરચનાવાળો, બેસાલ્ટ સમકક્ષ, ઘનિષ્ઠ અગ્નિકૃત ખડક. તેમાં મોટે ભાગે દૃશ્ય સ્ફટિકોનો અભાવ હોય છે તથા તેમનો રંગ લીલાશ/રાખોડી લીલાશ પડતો હોય છે, તેથી આ ખડકો બેસાલ્ટ જેવા દેખાતા હોય છે.

સ્પિલાઇટમાં ફેલ્સ્પાર તરીકે આલ્બાઇટ (કે ઑલિગોક્લેઝ) જ હોય, અન્ય ખનિજોમાં ક્લોરાઇટ, એપિડોટ, કૅલ્સાઇટ અને ઍક્ટિનોલાઇટ હોય; તદ્ઉપરાંત તેમાં કૅલ્સિડોની સિલિકા કે સિલિકા હોઈ શકે; કેટલાંક ખનિજો ગ્રીનશિસ્ટ પ્રકારની નિમ્ન કક્ષાની વિકૃતિથી બનેલી પેદાશો હોઈ શકે. અહીં ઑગાઇટ કે ઑલિવિનને બદલે ક્લોરાઇટની ઉપસ્થિતિ હોય છે. ઑલિવિન આ ખડકમાં જોવા મળતું નથી, તે મોટે ભાગે સર્પેન્ટાઇનમાં પરિવર્તિત થઈ ગયેલું હોય છે, આ કારણે સ્પિલાઇટ પરિવર્તિત દેખાતો હોય છે. સોડિક પ્લેજિયોક્લેઝ તેમાં વધુ પડતું હોવા છતાં તેને બેસાલ્ટ સમકક્ષ એટલા માટે ગણવામાં આવે છે કે તેમાં સિલિકાનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે  આશરે 50 %. ઘણુંખરું તેમાં બેસાલ્ટનાં કણરચનાત્મક અને સંરચનાત્મક લક્ષણો જળવાયેલાં જોવા મળે છે, પરંતુ ક્યારેક તે નાશ પામેલાં પણ હોય છે; કારણ કે આ ખડકો મોટે ભાગે રાસાયણિક ખવાણ પામી ગયેલા હોય છે.

સૂક્ષ્મદર્શક હેઠળ આલ્બાઇટ કે ઑલિગોક્લેઝના છેદ વાદળવત્ દેખાતા હોય છે અને તે વિપુલ પ્રમાણવાળા એપિડોટ, કૅલ્સાઇટ અને ક્લોરાઇટ સાથે જોવા મળે છે. ઍક્ટિનોલાઇટ તેમજ વધારાનું ક્લોરાઇટ અને એપિડોટ મોટે ભાગે તો ઑગાઇટમાંથી બનેલું હોવાનું જણાઈ આવે છે, સાથે સાથે ઑગાઇટના નાના અવશેષકણો પણ રહી ગયા હોય છે.

સ્પિલાઇટને બેસાલ્ટ બંધારણવાળા ખડકોનું પ્રતિનિધિત્વ રજૂ કરતા હોવાનું ગણવામાં આવે છે; તેમાં રહેલું આલ્બાઇટ, લૅબ્રેડોરાઇટ જેવા કૅલ્સિક પ્લેજિયોક્લેઝમાંથી પરિવર્તિત થયેલું હોય છે. બેસાલ્ટિક બંધારણવાળો લાવા જ્યારે પ્રસ્ફુટિત થયો હોય ત્યારે અથવા તે પછીથી તરત જ થતા સ્ફટિકીકરણની છેલ્લી કક્ષાઓ દરમિયાન આલ્બાઇટીકરણ થયું હોવાનું માનવામાં આવે છે. દરિયાઈ જળમાં રહેલું સોડિયમ લાવાના કૅલ્શિયમને વિસ્થાપિત કરે છે અને તેથી લૅબ્રેડોરાઇટ થવાને બદલે આલ્બાઇટ બને છે. વિસ્થાપિત થયેલું કેટલુંક કૅલ્શિયમ ઍપિડોટ અને કૅલ્સાઇટ બનાવે છે. સોડિયમપ્રાપ્તિનો અન્ય જરૂરી સ્રોત પીગળેલા ખડકની ઊંડાઈમાં રહેલા જથ્થામાંથી ઉદભવેલાં વાયવીય બાષ્પાયનો પણ હોઈ શકે.

સ્પિલાઇટ ખડકો ડાઇક અને સિલ જેવાં નાનાં અંતર્ભેદનો રૂપે કે પછી લાવાપ્રવાહો રૂપે મળે છે; જો તે અંતર્ભેદકો રૂપે હોય તો ક્યારેક ડાયાબેઝમાં પરિવર્તિત થયેલો જોવા મળે છે; પરંતુ જો લાવાપ્રવાહ-સ્વરૂપે હોય તો તે બેસાલ્ટ જેવો જણાય છે. આ ખડક ભૂસંનતિમય થાળાના સ્તરવાળા ખડકો સાથે વિપુલ પ્રમાણમાં સંકલિત રહેલો મળી આવે છે. આવી પ્રાપ્તિસ્થિતિ બતાવે છે કે તેમની ઉત્પત્તિ દરિયાઈ જળમાં થઈ હોવાનું નક્કી થાય છે. આ ખડકોમાં તકિયાઆકારી સંરચના (pillow structure) ઘણી સામાન્ય હોય છે, કેટલાક સ્પિલાઇટમાં જોવા મળતી તકિયાઆકારી સંરચના લાવાના પ્રવાહને કારણે નહિ; પરંતુ અધોદરિયાઈ સ્યંદનોનાં જમાવટ પામ્યાં ન હોય એવાં છીછરાં અંતર્ભેદનોને કારણે હોય છે. ન્યૂ સાઉથ વેલ્સ(ઑસ્ટ્રેલિયા)ના નંડલ(Nundle)માં મળી આવતા ડેવોનિયન વયના અંતર્ભેદક-સ્વરૂપી સ્પિલાઇટ આ પ્રકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તદ્ઉપરાંત અન્ય ખનિજોની પૂરણીવાળી કોટરયુક્ત સંરચનાઓ મારફતે તૈયાર થયેલી બદામાકાર સંરચનાઓ પણ જોવા મળે છે, તેથી એવા સ્પિલાઇટ દેખાવે ડાઘાડૂઘીવાળા જણાય છે, તેમના પ્રત્યેક કોટરમાં ક્લોરાઇટ અને કૅલ્સાઇટની પૂરણી થયેલી જોવા મળે છે.

સ્પિલાઇટની ઉત્પત્તિ માટે વિવિધ મતમતાંતર પ્રવર્તે છે. કેટલાક તેમને પ્રાથમિક પ્રકાર તરીકે વર્ણવે છે. સ્પિલાઇટ પ્રકારના બંધારણવાળું મૅગ્માદ્રવ આ પ્રકારના ખડકો તૈયાર કરી શકે; પરંતુ એવો મૅગ્મા થવા માટે એકવાક્યતા સધાયેલી નથી; કેટલાક તેમને વિકૃતિજન્ય પેદાશ કે કણશ: વિસ્થાપનથી ઉદભવેલા હોવાનું પણ માને છે; તો વળી બીજા કેટલાક, સામાન્ય બેસાલ્ટિક મૅગ્માની પુન:ગોઠવણી અને અંશત: વિસ્થાપનથી પણ થયા હોઈ શકે એમ માને છે.

મહાસ્ફટિકોથી મુક્ત અને સ્પષ્ટ કોટરયુક્ત સંરચના ધરાવતા પરિવર્તિત બેઝિક લાવા માટે સર્વપ્રથમ વાર આ ‘સ્પિલાઇટ’ શબ્દનો ઉપયોગ થયેલો; પરંતુ હવે સ્પિલાઇટ સાથે મળી આવતા, ઉત્પત્તિના સંદર્ભમાં સંકલન ધરાવતા આગ્નેય ખડકોના વિશાળ સમૂહ માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. આથી આલ્કલાઇન અને કૅલ્ક-આલ્કલાઇન શ્રેણીના ખડક દરજ્જા સાથે તેમને સરખાવી શકાય છે. આ ખડક-સમૂહનું બંધારણ મોટા પાયા પર પરિવર્તી રહે છે, તેમ છતાં તે દરેકમાં સોડાનું પ્રમાણ વિશેષ હોય છે તથા આ ખડકો પરિવર્તન પામી ગયેલા મળે છે. આ પ્રકારના ખડકોમાં આલ્બાઇટ–ડોલેરાઇટ, મિનવેરાઇટ, પિક્રાઇટ, કીરૅટોફાયર, સોડા-ફેલ્સાઇટ અને સોડા-ગ્રૅનાઇટનો સમાવેશ થાય છે.

સ્પિલાઇટ શ્રેણીના ખડકો એવા વિસ્તારોમાં જોવા મળે છે, જે લાંબા ગાળા માટે ચાલુ રહેલી અધોગમનની ક્રિયામાં સામેલ રહ્યા હોય તથા સ્તરભંગની અસરથી મુક્ત રહ્યા હોય. અધોદરિયાઈ લાવા-પ્રસ્ફુટન ભૂસંનતિના કિનારીના ભાગોમાં થયેલું હોય, જેમાં તેમને સમકાલીન કાળા શેલ, ચૂનાખડકો અને રેડિયોલેરિયન ચર્ટ પણ જમાવટ પામ્યા હોય. ભૂસંનતિના પ્રદેશો તેમના પશ્ચાત્ સમયગાળામાં ગેડીકરણની અસરવાળા બન્યા હોય છે, તેથી આ ખડકો પણ વિસ્તૃતપણે ગેડવાળા તેમજ વિકૃતીકરણ પામેલા જોવા મળે છે, તેની સાથે સાથે આલ્બાઇટ ખનિજ તૈયાર થયેલું હોય છે તથા આલ્બાઇટ વિકૃતિની કક્ષાનું ખનિજ બન્યું હોય છે. દુનિયાના ઘણા ભાગોમાં સ્પિલાઇટ પ્રસ્ફુટનો મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા