સ્પિલબર્ગ સ્ટીવ
January, 2009
સ્પિલબર્ગ, સ્ટીવ (જ. 18 ડિસેમ્બર 1946, સિનસિનાટી, ઓહાયો, અમેરિકા) : સાહસિક અને કલ્પનારમ્ય ચલચિત્રોના અમેરિકન નિર્માતા અને દિગ્દર્શક. માત્ર બાવીસ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ-દિગ્દર્શકની કારકિર્દી શરૂ કરી હતી. પિતાનું નામ આર્નોલ્ડ, જેઓ અમેરિકાના લશ્કરમાં નોકરી કરતા હતા. તેમણે બી-52 બૉમ્બરમાં રેડિયોમૅન તરીકે સેવાઓ આપી હતી. માતાનું નામ લીહ. 1965માં માતા-પિતા છૂટાં પડી ગયાં અને ત્યાર બાદ તેમના પરિવારે ન્યૂજર્સીથી એરિઝોના સ્થળાંતર કર્યું હતું. આશરે પંદર વર્ષની ઉંમરે સ્ટીવે તેની પ્રથમ ફિલ્મ બનાવી, જેનું બીજા વિશ્વયુદ્ધ(1939–1945)ની પાર્શ્વભૂમિ પર નિર્માણ થયું હતું. ‘ફાયર લાઇટ’ – એ તેમનું પ્રથમ બિન-વ્યાવસાયિક કથાચિત્ર હતું. તે પ્રદર્શિત કરવા માટે તેમના પિતાએ એક સ્થાનિક સિનેમાગૃહ ભાડે રાખ્યું હતું. ફિલ્મક્ષેત્રનો સર્વાંગી અભ્યાસ કરવાની મહેચ્છા ધરાવતા સ્ટીવને બે વાર યુનિવર્સિટી ઑવ્ સધર્ન કૅલિફૉર્નિયાએ પ્રવેશ નકાર્યો હતો; પરંતુ ત્રીજા પ્રયત્ને પ્રવેશ મેળવવામાં તેઓ સફળ નીવડ્યા હતા. થોડોક સમય ત્યાં અભ્યાસ કર્યા પછી આવા ઔપચારિક અભ્યાસક્રમની નિરર્થકતા તેમને સમજાઈ અને ત્યાંનો અભ્યાસ અધૂરો મૂકીને ફિલ્મનિર્માણના વાસ્તવિક (practical) ક્ષેત્રમાં તેમણે ઝંપલાવ્યું. માત્ર 21 વર્ષની ઉંમરે તેમણે હૉલિવુડના એક મોટા સ્ટુડિયો સાથે લાંબી મુદતનો કરાર કર્યો અને ફિલ્મનિર્માણ અંગેનું પોતાનું સ્વપ્ન વ્યવહારમાં મૂકવાનો પ્રારંભ કર્યો.
સ્ટીવ સ્પિલબર્ગ
તેમની પ્રથમ વ્યાવસાયિક ફિલ્મ જે પ્રસ્થાપિત થિયેટરમાં રજૂ થઈ હતી તેનું નામ હતું ‘સ્યુગરલૅન્ડ એક્સપ્રેસ’ (1974). તે પૂર્વે ત્રણ વર્ષ અગાઉ તેમણે ‘ડ્યૂઅલ’ (1971) નામની ફિલ્મ બનાવી હતી. તેમની ત્યાર પછીની ફિલ્મ ‘જૉસ’ (1975) બૉક્સ ઑફિસ પર એટલી બધી સફળ થઈ કે તે હૉલિવુડના ઇતિહાસમાં દસ કરોડ ડૉલર કરતાં પણ વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ. ત્યાર બાદ તેમણે બનાવેલી લગભગ દરેક ફિલ્મ સફળતાના નવા ઉચ્ચાંકો પ્રસ્થાપિત કરવા લાગી. ‘ક્લોઝ એન્કાઉન્ટર્સ ઑવ્ અ થર્ડ કાઇન્ડ’ (1977) નામની તેમની ફિલ્મ માટે તેમને ઑસ્કાર ઍવૉર્ડ માટેનું નામાંકન પ્રથમ વાર મળ્યું. તેમણે નિર્માણ કરેલ અને દિગ્દર્શન કરેલ જે ચલચિત્રો બૉક્સ ઑફિસ પર સફળ થયાં તે આ પ્રમાણે છે : ‘ક્લોઝ એન્કાઉન્ટર્સ ઑવ્ ધ થર્ડ કાઇન્ડ’ (1977), ઉપરાંત ‘રેડર્સ ઑવ્ ધ લાસ્ટ આર્ક’ (1981), ‘ઇ.ટી. ધી એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ’ (1982), ‘ધ કલર પર્પલ’ (1985), ‘જ્યુરાસિક પાર્ક’ (1993), ‘સિન્ડલર્સ લિસ્ટ’ (1993) વગેરે. સિન્ડલર્સ લિસ્ટ માટે તેમને બે ઑસ્કાર મળ્યા, જેમાં એક સર્વોત્કૃષ્ટ દિગ્દર્શનનો ઍવૉર્ડ પણ સામેલ હતો. ‘સિન્ડલર્સ લિસ્ટ’ ચલચિત્રનું કથાનક નાઝી જર્મનીએ હિટલરના નેતૃત્વ હેઠળ યહૂદીઓ સામે નિકંદન(holocaust)ની જે ઝુંબેશ ચલાવી હતી તેની પાર્શ્વભૂમિમાં રચાયેલું છે. આ ચલચિત્રે વિશ્વભરમાં વર્ષ 2005 સુધી 25 કરોડ ડૉલરની કમાણી કરી આપેલી, જે ત્યાં સુધીનો કમાણીનો ઉચ્ચાંક ગણવામાં આવે છે. તેની જે ફિલ્મો વિજ્ઞાનની કલ્પનારમ્યતા પર આધારિત છે તેમાં ‘ક્લોઝ એન્કાઉન્ટર્સ ઑવ્ ધ થર્ડ કાઇન્ડ’ અને ‘ઇ.ટી. ધી એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ’નો સમાવેશ થાય છે; જ્યારે તેની ‘જુરાસિક પાર્ક’ ફિલ્મ સાહસિક ચલચિત્રોમાં વિશ્વમાં મોખરે ગણાય છે. ‘જ્યુરાસિક પાર્ક’ની સફળતા પછી સ્પિલબર્ગે તેમના સ્ટોરીબોર્ડને ફગાવી દઈ હાથમાં બ્લૅક ઍન્ડ વ્હાઇટ કૅમેરા લીધો, જેમાંથી ‘સિન્ડલર્સ લિસ્ટ’નું નિર્માણ થયું હતું. ‘સેવિંગ પ્રાઇવેટ રૅન’ (1998) માટે તેમને સર્વોત્કૃષ્ટ દિગ્દર્શકનો અકાદમી ઍવૉર્ડ એનાયત થયેલો.
1984 સુધી તેમણે મેળવેલ નફાની રકમમાંથી તે વર્ષે તેમણે એક સ્વતંત્ર ચલચિત્ર નિર્માણ સંસ્થાની સ્થાપના કરી, જે મુલાકાતો અને ચલચિત્રો દ્વારા બલિદાનના ઇતિહાસને જાળવી રાખવાનું અત્યંત મહત્વનું કાર્ય કરે છે. 1969–1973 દરમિયાન તેમણે અમેરિકાના દૂરદર્શન પર રજૂ થયેલ કેટલીક ટી.વી. શૃંખલાઓનું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત અન્ય કેટલાક હૉલિવુડ દિગ્દર્શકોનાં કેટલાંક ચલચિત્રો તૈયાર કરવામાં સ્પિલબર્ગે તેમને નોંધપાત્ર મદદ કરી હતી; જેમાં ‘બૅક ટુ ધ ફ્યૂચર’ (1985), ‘હુ ફ્રેમ્ડ ધ રોજર રૅબિટ’ (1988), ‘પોલ્ટરજિસ્ટ’ (1982), ‘ગ્રેમ્લિન્સ’ (1984) તથા ‘અકિરા કુરોઝાવાઝ ડ્રીમ’(1990)નો સમાવેશ થાય છે.
ઉપર ઉલ્લેખિત ચલચિત્રો ઉપરાંત તેમનાં અન્ય ચલચિત્રોમાં ‘વાન્ના હોલ્ડ યોર હૅન્ડ’ (1978), ‘1941’ (1979), ‘ટ્વાઇલાઇટ ઝોન ધ મૂવી’ (1983), ‘ઇન્ડિયાના જોન્સ ઍન્ડ ધ ટેમ્પલ ઑવ્ ડૂમ’ (1984), ‘એમ્પાયર ઑવ્ ધ સન’ (1987), ‘ઑલ્વેઝ, ઇન્ડિયાના જોન્સ ઍન્ડ ધ લાસ્ટ ક્રુસેડ’ (1989) અને ‘હૂક’(1991)નો સમાવેશ થાય છે.
વર્ષ 2001માં તેમને બ્રિટિશ સામ્રાજ્યના નાઇટહૂડનો ખિતાબ એનાયત થયો હતો. 1985માં તેઓ હૉલિવુડની અભિનેત્રી એમી ઇર્વિંગને પરણ્યા હતા; પરંતુ ચાર વર્ષ બાદ 1989માં તેમણે છૂટાછેડા લીધા હતા. 1991માં તેઓ અભિનેત્રી કેટ કોપ્શા સાથે બીજી વાર પરણ્યા હતા, જેમની સાથે સ્પિલબર્ગની મુલાકાત 1981ના અરસામાં તેમનાં જ ચલચિત્રોના નિર્માણ વખતે થઈ હતી.
હરસુખ થાનકી
બાળકૃષ્ણ માધવરાવ મૂળે