સ્પિનર : ક્રિકેટની રમતમાં બૉલને પોતાના હાથની આંગળીઓથી અને હથેળીથી અણધાર્યો વળાંક આપવાની ક્ષમતા ધરાવતો બૉલર.
ક્રિકેટની રમતમાં બૉલિંગને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવી હોય છે : (1) ફાસ્ટ બૉલિંગ, (2) મીડિયમ ફાસ્ટ બૉલિંગ અને (3) સ્પિન બૉલિંગ.
ક્રિકેટમાં વપરાતો લાલ કે સફેદ બૉલ રમતના પ્રારંભે ભારે ચળકાટ ધરાવતો હોય છે. પરિણામે તેમાં જોરદાર ગતિ અને વેગ હોવાથી, રમતમાં બૉલિંગ-પ્રારંભ હંમેશાં ફાસ્ટ કે મીડિયમ ફાસ્ટ બૉલિંગથી થતો હોય છે.
રમતની જમાવટ થતાં, બૅટ્સમૅનોની ફટકાબાજીના કારણે તથા વારંવાર જમીન પર ઘસડાવાના કારણે બૉલનો ચળકાટ બિલકુલ ઓછો થઈ જાય છે અને બૉલ જૂના જેવો, ચળકાટવિહીન બની જાય છે. આવા સંજોગોમાં ફાસ્ટ કે મીડિયમ ફાસ્ટ બૉલરો બૉલને સ્વિંગ કરી શકતા નથી અને પરિણામે વારો આવે છે સ્લો બૉલરોનો. સ્લો બૉલરો બૉલને પોતાની આંગળીઓ અને હથેળીની મદદથી એવી રીતે ઘુમાવીને ફેંકે છે કે બૉલ ઘૂમરી લેતાં બૅટ્સમૅન સુધી પહોંચતાં દિશા બદલી નાખે છે. આ ક્રિયાને બૉલ ‘બ્રેક’ થયો કે ‘સ્પિન’ થયો એવું કહેવાય છે. પહેલાંના જમાનામાં ક્રિકેટમાં ‘બ્રેક’ શબ્દ વપરાતો હતો. બૉલને ‘બ્રેક’ કરનાર એટલે કે આંગળીઓના સહારે નચાવનાર બૉલર હતો હેમ્બલડનનો ખેડૂત ક્રિકેટર લેમ્બર્ટ. 1780માં તેણે બૉલને ‘ઑફ બ્રેક’ કર્યો હતો.
આજે ક્રિકેટમાં ‘સ્પિન’ શબ્દ વપરાય છે અને બૉલર ‘સ્પિનર’ તરીકે ઓળખાય છે.
સ્પિન બૉલિંગ બે પ્રકારની હોય છે : (1) ઑફ સ્પિન અને (2) લેગ સ્પિન.
બૉલરના હાથમાંથી ઘૂમરી લેતો છૂટેલો બૉલ પીચ પર ટપ્પો પડી જમણી બાજુથી એટલે કે ‘ઑફ સાઇડ’થી ડાબી બાજુ એટલે કે ‘લેગ સાઇડ’ તરફ ગમન કરે તેવા બૉલને ‘ઑફ સ્પિન’ થયેલો કહેવામાં આવે છે. એવી જ રીતે બૉલ ડાબા સ્ટમ્પ તરફથી એટલે કે ‘લેગ’ તરફથી ઑફ સ્ટમ્પ તરફ એટલે કે જમણી તરફ ગમન કરે તેવા બૉલને ‘લેગ સ્પિન’ થયેલો કહેવામાં આવે છે.
વર્તમાન ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન વિશ્વનો સર્વશ્રેષ્ઠ ‘ઑફ સ્પિનર’ ગણાય છે. તે સૌથી વધુ વિકેટો ઝડપવાનો વિશ્વવિક્રમ ધરાવે છે. ભારતનો હરભજનસિંહ પણ એક ખતરનાક ‘ઑફ સ્પિનર’ છે, જ્યારે અનિલ કુમ્બલે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ‘લેગ સ્પિનર’ છે. ઑસ્ટ્રેલિયાના એક સમયના સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનર શેન વૉર્નનું સ્થાન અનિલ કુમ્બલેએ લીધું છે. ક્રિકેટની પીચ યારી આપે તો સ્પિનરો તરખાટ મચાવી દેતા હોય છે. 1956માં માંચેસ્ટર ખાતે પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ઑફ સ્પિનર જિમ લેકરે એક દાવમાં 9 વિકેટો અને બીજા દાવમાં 10 વિકેટો મળી કુલ 19 વિકેટો ઝડપવાનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. ભારતના લેગ સ્પિનર અનિલ કુમ્બલેએ 1999માં દિલ્હી ખાતે પ્રવાસી પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનના બીજા દાવની 10 વિકેટો ઝડપીને જિમ લેકરના વિશ્વવિક્રમની બરાબરી કરી હતી.
ભારતે ટેસ્ટ ક્રિકેટને સૌથી વધુ સ્પિન બૉલરો આપ્યા છે. સુભાષ ગુપ્તે, બાપુ નાડકર્ણી, જસુ પટેલ, બિશનસિંહ બેદી, ભગવત્ ચંદ્રશેખર, શ્રીનિવાસ વેંકટરાઘવન, એરોપલ્લી પ્રસન્ના, રવિ શાસ્ત્રી, દિલીપ દોશી, વેંકટપતિ રાજુ, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, શિવલાલ યાદવ, મનિન્દરસિંહ, રાજેશ ચૌહાણ, નરેન્દ્ર હિરવાણી, અનિલ કુમ્બલે, હરભજનસિંહ, મુરલી કાર્તિક વગેરે ભારતના કેટલાક ભૂતપૂર્વ અને વર્તમાન સ્પિન બૉલરો છે.
શ્રીલંકાના મુરલીધરન અને ભારતના હરભજનસિંહે ‘ઑફ સ્પિન’ બૉલિંગમાં ‘દૂસરા’ અને ‘તીસરા’ જેવા પ્રકારો વિકસાવ્યા છે.
ભારતના સુભાષ ગુપ્તે અને ભગવત્ ચંદ્રશેખર વિશ્વમાં ‘ગૂગલી’ બૉલર તરીકે જાણીતા હતા. ‘લેગ સ્પિન’ બૉલિંગમાં આંગળીઓ કરતાં ‘હાથનું કાંડું’ ગજબની કરામત દાખવી જાય છે. લેગ સ્પિન બૉલિંગમાં જો કાંડાને પૂરું વાળવામાં આવે તો બૉલને ‘ઊલટો વળાંક’ મળી જાય છે. બૉલ ‘ઑફ સ્પિન’ થઈ જાય છે. આવા છેતરામણા–લોભામણા બૉલને ક્રિકેટમાં ‘ગૂગલી’ કહેવામાં આવે છે. ડાબોડી સ્પિન બૉલર જ્યારે ગૂગલી બૉલ નાખે ત્યારે તે ‘ચાઇનામૅન’ તરીકે ઓળખાય છે. 1900માં લૉર્ડ્સ પર મિડલસેક્સના બૉલર બી. જે. ટી. બોસનક્વેટે લેસ્ટરશાયરના એસ. કોની ‘ગૂગલી’ બૉલથી સૌપ્રથમ વિકેટ ઝડપી હતી. 1903–04ના ઇંગ્લૅન્ડના ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં બોસનક્વેટે ટેસ્ટશ્રેણીમાં પછીથી ‘ગૂગલી’ બૉલિંગનો ઉપયોગ કર્યો હતો. ‘ગૂગલી’ નાખવા માટે બૉલર જ્યારે હાથના કાંડાને ઝાટકીને ઘુમાવે છે, ત્યારે બૉલ ‘ન ગૂગલી’ થાય, ન ‘લેગ બ્રેક’ થાય, ન ‘ઑફ બ્રેક’ થાય, એ પીચ પર ટપ્પો પડી વેગથી ઊછળે છે. આવા બૉલને ‘ટૉપ સ્પિન’ કહેવામાં આવે છે.
જગદીશ બિનીવાલે