સ્પિટિ વિસ્તાર
January, 2009
સ્પિટિ વિસ્તાર : હિમાચલ પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો તિબેટ સાથે સરહદ બનાવતો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 32° 10´ ઉ. અ. અને 78° 00´ પૂ. રે.ની આજુબાજુનો ભાગ આવરી લે છે. સતલજને મળતી સહાયક નદી સ્પિટિ અહીં વાયવ્યથી અગ્નિ તરફ વહે છે. મધ્ય હિમાલયમાં આ નદીએ બનાવેલી ખીણ ભૂસ્તરીય અભ્યાસમાં સ્પિટિ ખીણ તરીકે ઘણી જાણીતી બનેલી છે.
કાંગડા વિસ્તારના ઈશાન ખૂણાની હારમાળાના મધ્યભાગમાં રહેલી આ સ્પિટિ ખીણમાં પ્રથમ તેમજ દ્વિતીય (મધ્ય)જીવયુગની ખડકરચનાઓનો જીવાવશેષયુક્ત લગભગ સંપૂર્ણ સ્તરાનુક્રમ વિવૃત થયેલો જોવા મળે છે. તેમાં કૅમ્બ્રિયનથી માંડીને ઇયોસીન સુધીની બધી જ રચનાઓ પર તલસ્પર્શી અભ્યાસ થયેલો છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસ માટે આ સ્પિટિ વિસ્તાર વિશેષ મહત્વનો બની રહેલો છે.
રચનાત્મક દૃષ્ટિએ જોતાં, આ એક પહોળું, અધોવાંકમય લક્ષણ ધરાવતું ભૂસંનતિમય થાળું છે. ભૂસ્તરીય અતીતમાં અહીં ટેથીઝ સમુદ્ર હતો, તે વખતનું વય દર્શાવતા સ્તરરચનાવાળા નિક્ષેપો અહીંથી મળી આવે છે, તે હિમાલય હારમાળાની ઉપસ્થિતિ (trend) સાથે સુસંગત છે. સ્પિટિ થાળું અધોવાંકમય રચનાવાળું હોવાને કારણે ઉપર તરફ જામેલી મધ્યજીવયુગની રચનાઓ થાળાના વચ્ચેના ભાગમાં વિવૃત થયેલી છે, જ્યારે તેની અગાઉની એક પછી એક જૂની પ્રથમ જીવયુગની રચનાઓ હિમાચલ પ્રદેશ–પંજાબ તરફ આવેલી છે; સૌથી જૂની કૅમ્બ્રિયન રચના થાળાની કિનારી પર તદ્દન બહાર રહેલી છે. આ રચનાઓની નમનદિશા (dip direction) ઉત્તરતરફી છે. બધી જ રચનાઓ જીવાવશેષયુક્ત છે, તેથી યુરોપીય રચનાઓ સાથેનો તેમનો સહસંબંધ સ્થાપિત કરવાનું સરળ બની રહે છે, એટલું જ નહિ, પશ્ચિમ યુરોપથી ચીન સુધી ટેથીઝનો જળરાશિ સળંગ વિસ્તરેલો હતો, તેની ખાતરી કરાવી આપે છે.
વ્રિજવિહારી દી. દવે
ગિરીશભાઈ પંડ્યા