સ્પિટલર, કાર્લ ફ્રેડરિક જ્યૉર્જ (જ. 24 એપ્રિલ 1845, બેસલ પાસે, લીસ્તાવ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 29 ડિસેમ્બર 1924, લુઝર્ન) : સ્વિસ કવિ, સ્વપ્નદ્રષ્ટા, નિરાશાવાદી છતાંય પ્રેમ-સાહસની વીરરસની ઉદાત્ત ભાષાના સર્જક. 1919ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1849માં કુટુંબ બર્નમાં રહેવા ગયેલું. પિતાની નિમણૂક નવા સ્વિસના કોષાધ્યક્ષ તરીકે થયેલી. જોકે સ્પિટલર બેસલમાં પોતાની ફોઈ સાથે રહેતા હતા. 17 વર્ષની વયે તેમણે કવિતા રચવાનું શરૂ કરેલું. યુનિવર્સિટી ઑવ્ ઝૂરિકમાં શિક્ષણ. 1865–1870 દરમિયાન ધર્મશાસ્ત્રનો અભ્યાસ ઝૂરિક, હીડલબર્ગ અને બેસલમાં કરેલો. રશિયા અને ફિનલૅન્ડમાં 8 વર્ષ સુધી કોઈ પરિવારના અંગત શિક્ષક તરીકે તેમણે કાર્ય કરેલું.

‘પ્રોમિથિયસ ઍન્ડ એપિમેથિયસ’ (1881) મહાકાવ્ય સમી દીર્ઘ પદ્યરચનાના સર્જક. શિક્ષક અને પત્રકાર તરીકે તે કાર્ય કરતા. સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં તેમણે હાથ અજમાવેલો. 1892થી લુઝર્નમાં સ્થાયી થયા અને સાહિત્યના સર્જનમાં રચ્યાપચ્યા રહ્યા. ‘દેર ઑલિમ્પિસ્કી ફ્રૂહલિંગ’ (1900–1905) 1910માં તેની સુધારેલી આવૃત્તિ
‘ધી ઑલિમ્પિક સ્પ્રિન્ગ’ માટે નોબેલ પારિતોષિક અપાયું. કવિ તરીકે આ કાવ્યમાં તેમની શક્તિ સુપેરે અભિવ્યક્ત થઈ છે. આ કાવ્યમાં વપરાયેલા છંદો કવિની આગવી શોધની નીપજ છે. અનેકવિધ પાત્રોના સંઘર્ષની, આશા-નિરાશા, ભ્રમ, ઇચ્છા-સ્વાતંત્ર્ય અને નિયતિ વચ્ચેના સંઘર્ષની કથાઓથી તે સભર છે. છેલ્લાં વર્ષોમાં પ્રોમિથિયસને ફરીથી જોવા–તપાસવાનો ઉદ્યમ કરેલો.

કાર્લ ફ્રેડરિક જ્યૉર્જ સ્પિટલર

‘એકસ્ટ્રામન્ડાના’ (1883) પદ્યકૃતિમાં કવિએ પોતે સર્જેલી સાત વિશ્વવ્યાપી દંતકથાઓનો સંદર્ભ છે. ‘બટરફ્લાઇઝ’ (1889), ‘લિટરરી પેરાબલ્સ’ (1892), ‘બેલાડેન’ (1896) અને ‘ગ્રાસ ઍન્ડ સૉંગ્ઝ’ (1906) નોંધપાત્ર પદ્યકૃતિઓ છે. ‘કોનરાડ દેર લેફટેનન્ટ’ (1898) અને ‘ટૂ લિટલ મિસોજાયનિસ્ટ્સ’ (1922) ટૂંકી વાર્તાઓ છે. ‘ઇમેગો’ (1906) નવલકથાનો માનસશાસ્ત્રીય પૃથક્કરણ પર ધીંગો પ્રભાવ વરતાય છે. ‘લાફિંગ ટ્રુથ્સ’ (1927) તેમનો નિબંધસંગ્રહ છે. ‘માઇ અર્લિયેસ્ટ ઍક્સ્પીરિયન્સિસ’ (1914) અને ‘અન્સેર સ્ટૅન્ડપુન્કટ’ (1914) નોંધપાત્ર ગદ્યકૃતિઓ છે. ‘સિલેક્ટેડ પોએમ્સ’ (1928) તેમનાં કાવ્યોનું મરણોત્તર અંગ્રેજી પ્રકાશન છે.

વિ. પ્ર. ત્રિવેદી