સ્પિકમૅકે
January, 2009
સ્પિકમૅકે : ભારતના યુવાનોમાં દેશની સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે જાગૃતિ લાવવા માટે તથા તેનું સંવર્ધન અને પ્રસાર-પ્રચાર કરવા માટે મથામણ કરતી યુવાનોની દેશવ્યાપી સંસ્થા. સ્થાપના 1977. સ્થાપક ડૉ. કિરણ શેઠ; જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (IIT), દિલ્હીમાં તે અરસામાં ભણતા હતા. ગુજરાતમાં તેની શાખાઓનો પ્રારંભ 1980થી થયો છે. સંસ્થાનું આખું નામ : ‘સોસાયટી ફૉર પ્રમોશન ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઍન્ડ કલ્ચર અમંગ્સ્ટ યૂથ’. સંસ્થાનું સંચાલન યુવાનો અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. ન્યૂયૉર્ક ખાતેના બ્રૂકલીન અકાદમી ઑવ્ મ્યુઝિકમાં 1972માં આયોજિત ડાગર બંધુઓના ધ્રુપદ ગાયકીના એક સંગીત સમારંભમાં હાજર રહેલા કેટલાક વિદ્યાર્થીઓના મનમાં આવી સંસ્થા સ્થાપવાનો વિચાર સ્ફુર્યો, જેના પરિપાક રૂપે 1977માં દિલ્હીમાં તેની સ્થાપના કરવામાં આવી. 1979માં શાસ્ત્રીય સંગીતના એક સમારોહમાં તેનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો અને ત્યારથી વર્ષ 2008 સુધીમાં દેશભરમાં તેની 200 જેટલી શાખાઓ કાર્યરત થઈ છે. આ શાખાઓ મુખ્યત્વે જે તે સ્થળે કામ કરી રહેલી શિક્ષણ-સંસ્થાઓમાં પોતાની પ્રવૃત્તિઓ કરતી હોય છે.
પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે તે બે પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરે છે : (1) સંગીત, નૃત્ય, નાટ્ય, કલાઓ વગેરે વિશે વ્યાખ્યાનો તથા દૃશ્ય પ્રયોગો (lecture-cum-demonstrations) રજૂ કરવા; જેનું સંચાલન કરવા માટે જે તે ક્ષેત્રના પ્રથમ પંક્તિના નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવે છે. (2) વર્ષ દરમિયાન ‘વિરાસત’ નામ હેઠળ બધા માટે ખુલ્લા કલા અને સંગીત સમારોહો (art and music festivals) તથા કાર્યશાળાઓ યોજવાં; જેમાં જે તે ક્ષેત્રના દિગ્ગજો પોતાની કલા પ્રદર્શિત કરતા હોય. આવાં સમારોહો અને કાર્યશાળાઓના માધ્યમથી વિદ્યાર્થીઓ, કલાકારો અને કસબીઓ વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ સંપર્ક સાધવાના પ્રયાસ થાય છે. સ્થાનિક કાર્યક્રમોના આયોજન ઉપરાંત વર્ષ દરમિયાન પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરનાં સંમેલનો (conventions) પણ યોજવામાં આવે છે, જેમાં સંસ્થાના સક્રિય સભાસદો અને કાર્યકરો ભાગ લેતા હોય છે.
ગુજરાતમાં આ સંસ્થાની શાખાઓ અમદાવાદ, વડોદરા, સૂરત, ભાવનગર, રાજકોટ, જામનગર, વલ્લભવિદ્યાનગર જેવાં શહેરોમાં કાર્યરત છે.
સંસ્થાની શિષ્યવૃત્તિની એક યોજના મારફત ગુરુ-શિષ્ય પરંપરાથી વિદ્યાર્થીને જે તે કલાનું પ્રત્યક્ષ શિક્ષણ મળે તે હેતુથી તેને તે માટે નિયોજિત ગુરુના નિવાસસ્થાને ઓછામાં ઓછા એક માસ સુધી રહેવાની અને તાલીમ લેવાની સગવડ કરી આપવામાં આવે છે.
વર્ષ 2008 સુધી આ સંસ્થાની નિશ્રામાં પોતાની કલાનું પ્રસ્તુતીકરણ કરનારા નિષ્ણાતોમાં કંઠ્ય સંગીતક્ષેત્રનાં વિદુષી ગંગુબાઈ હંગલ, શ્રીમતી શુભા મુદગલ, પંડિત ઉલ્હાસ કશાળકર, પંડિત અજય ચક્રવર્તી, પંડિત ઉદય બહાવળકર, શ્રીમતી આરતી અંકલીકર–ટિકેકર, ઉસ્તાદ ફરીઉદ્દીન ડાગર, ઉસ્તાદ નસિર મોઈનુદ્દીન ડાગર, ઉસ્તાદ નસિર અમિનુદ્દીન ડાગર, પંડિત જસરાજ, પંડિત રાજન-સાજન મિશ્રા, ડૉ. પ્રભા અત્રે, શ્રીમતી શ્રુતિ સડોલિકર, શહનાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાખાન, વાંસળીવાદકો હરિપ્રસાદ ચૌરસિયા, રઘુનાથ શેઠ, નિત્યાનંદ હળદિપુર અને રોણુ મજમુદાર; સંતુરવાદક પંડિત શિવકુમાર શર્મા, સિતારવાદક બુદ્ધદેવ દાસગુપ્તા અને શાહિદ પરવેઝ, વાયોલિનવાદક વિદુષી એન. રાજમ્, રુદ્રવીણાવાદક ઉસ્તાદ અસદ-અલી ખાન, સારંગીવાદકો ઉસ્તાદ સુલતાનખાન અને પંડિત બ્રિજ-નારાયણ, સરોદવાદક ઉસ્તાદ અમજદઅલીખાં સાહેબ, નૃત્યના ક્ષેત્રના ગુરુ કેલુચરણ મહાપાત્ર, પંડિત બિરજુ મહારાજ, શ્રીમતી કુમુદિની લાખિયા, શ્રીમતી સોનલ માનસિંગ; ગિટારવાદક પંડિત વિશ્વમોહન ભટ્ટ જેવાનો સમાવેશ થાય છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે સ્પિકમૅકેના મંચ પર પ્રસ્તુતીકરણ કરનારા કલાકારો પુરસ્કાર વગર પોતાની કલા પ્રસ્તુત કરતા હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે