સ્નો ચાર્લ્સ પર્સી ફર્સ્ટ બૅરન સ્નો ઑવ્ લેસ્ટર
January, 2009
સ્નો, ચાર્લ્સ પર્સી, ફર્સ્ટ બૅરન સ્નો ઑવ્ લેસ્ટર (જ. 15 ઑક્ટોબર 1905, લેસ્ટર, લિસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1 જુલાઈ 1980, લંડન) : બ્રિટિશ સાહિત્યકાર અને વૈજ્ઞાનિક. પિતા દેવળમાં સંગીતકાર. 1950માં પામેલા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લિસ્ટર યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને 1930માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1930–1950 સુધી ક્રાઇસ્ટ કૉલેજના ‘ફેલો’ તરીકે નિયુક્ત થયેલા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પરમાણુ-ભૌતિકશાસ્ત્ર (molecular physics) વિષયમાં 20 વર્ષ અધ્યાપન કર્યું. યુનિવર્સિટીમાં વહીવટી હોદ્દા પર કામ કરેલું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારના વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા. મંત્રીમંડળના શ્રમવિભાગમાં ટૅક્નિકલ ડિરેક્ટર અને સિવિલ સર્વિસ કમિશનર તરીકે નિયુક્ત થયા હતા. લંડનના ‘સન્ડે ટાઇમ્સ’માં નવલકથાસાહિત્ય માટે મુખ્ય અન્વેક્ષક તરીકે કાર્ય કરેલું. 1957માં તેમને ‘ફર્સ્ટ બૅરન સ્નો ઑવ્ લેસ્ટર’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. 1964માં તેમને જીવનભર ઉમરાવપદ એનાયત થયેલું.
ચાર્લ્સ પર્સી સ્નો : ફર્સ્ટ બૅરન સ્નો ઑવ્ લેસ્ટર
‘ડેથ અન્ડર સેલ’ (1932) પ્રથમ રહસ્યકથા છે. ‘ન્યૂ લાઇવ્ઝ ફૉર ઓલ્ડ’ (1933) અને ‘ધ સર્ચ’ (1934) શરૂઆતની નવલકથાઓ છે. ‘ધ સર્ચ’માં એક વૈજ્ઞાનિકના જીવનકાળની હતાશાનું ચિત્ર છે. ‘ધ લાઇટ ઍન્ડ ધ ડાર્ક’ (1947) ,‘ટાઇમ ઑવ્ હોપ’ (1949) નવલકથાઓ છે. ‘ધ માસ્ટર્સ’(1951)માં કેમ્બ્રિજની એક કૉલેજના અધ્યાપકોના આંતરિક વિખવાદની રજૂઆત કરવામાં આવી છે. ‘ધ ન્યૂ મૅન (1954) અને ‘હોમ કમિંગ્ઝ’ (1956), ‘ધ કૉન્શ્યન્સ ઑવ્ ધ રિચ’ (1958), ‘ધી અફેર’ (1959), ‘કોરિડર્સ ઑવ્ પાવર’ (1963), ‘ધ સ્લિપ ઑવ્ રીઝન’ (1968), ‘લાસ્ટ થિંગ્ઝ’ (1970) નવલકથાઓ છે. ‘પબ્લિક અફેર્સ’(1971)માં નવી ટૅક્નૉલૉજીનાં ભયસ્થાનો બતાવેલ છે. ‘સ્ટ્રેન્જર્સ ઍન્ડ બધર્સ’ (1940–1970) 11 ભાગમાં રચાયેલી નવલકથાશ્રેણી છે. લુઇ એલિયટ નામના અંગ્રેજ સદગૃહસ્થના સંપૂર્ણ જીવનની એ ગાથા છે. આ ગ્રંથશ્રેણીની ઉપર્યુક્ત નવલકથાઓએ સ્નોને યશ અપાવેલો. તે બધાંયના મધ્યવર્તી વિચાર તરીકે વીસમી સદીના રાજકીય, સામાજિક અને વૈજ્ઞાનિક સંક્ષોભના (turmoil) વાતાવરણમાં વ્યક્તિગત અને બૌદ્ધિક જવાબદારીની વાતને રજૂ કરવામાં આવી છે. ‘સાયન્સ ઍન્ડ ગવર્નમેન્ટ’ (1961) નામના ગદ્યગ્રંથમાં વૈજ્ઞાનિકોની વિટંબણા અને તેમણે કરેલાં સંશોધનોની છણાવટ કરવામાં આવી છે. ‘અ વેરાઇટી ઑવ્ મૅન’(1967)માં જુદાં જુદાં પાત્રોનાં જીવનચરિત્રોની વાત છે. ‘ધ ટુ કલ્ચર્સ ઍન્ડ ધ સાયન્ટિફિક રેવોલ્યુશન’ (1959) તેમનું સુપ્રસિદ્ધ લખાણ છે. આનાથી સ્નો સાંસ્કૃતિક રાજપુરુષ તરીકે કીર્તિ પામ્યા. આમાં વિજ્ઞાન અને કલાની સંસ્કૃતિની વાત છે. જોકે બંનેના સંઘર્ષનો સ્વીકાર કરી સ્નોના મંતવ્ય મુજબ એકને અન્ય પાસેથી ઘણું શીખવાનું છે. તેમના મત મુજબ સાહિત્ય ત્વરિત ગતિએ બદલાતા સમાજમાં જોડાણનું કાર્ય કરવાની શક્તિ ધરાવે છે, જેનો માનવજાતના હિતમાં ઉપયોગ થવો ઘટે. ‘ટ્રોલોપ : હિઝ લાઇફ ઍન્ડ આર્ટ’ (1975) જીવનચરિત્ર છે જ્યારે ‘ધ રિયાલિસ્ટ્સ : એઇટ પૉર્ટ્રેટ્સ’ (1979) તેમનો વિવેચનગ્રંથ છે.
વિ. પ્ર. ત્રિવેદી