સ્નૉ જૉન
January, 2009
સ્નૉ, જૉન (જ. 13 ઑક્ટોબર 1941, પોપલટન, વૉર્સ્ટશાયર, યુ.કે.) : જાણીતા આંગ્લ ક્રિકેટ-ખેલાડી અને ટોચના ઝડપી ગોલંદાજ. 1965માં તેમણે ઇંગ્લૅન્ડની ટીમમાં પ્રવેશ કર્યો. તેમની ગોલંદાજી સરળ તથા ઊંચા સ્તરની હતી અને તેમાંથી સાચી ઝડપ પ્રગટ થતી. બૅટિંગમાં ક્યારેક પૂંછડિયા ખેલાડી તરીકે તેઓ ઉપયોગી બની રહેતા; 1966માં તેમણે વેસ્ટ ઇંડિઝ સામે ઑવલ ખાતે અણનમ 59 રન નોંધાવ્યા અને છેલ્લી વિકેટની ભાગીદારીમાં 128 રન ઉમેર્યા. 1971માં લૉર્ડ્ઝ ખાતે ભારત સામે તેમણે પોતાનો સૌથી વધુ 73 રનનો જુમલો નોંધાવ્યો, પણ સુનિલ ગાવસ્કર જોડે ટકરાવાને કારણે તે પછીની ટેસ્ટમાંથી તેમને પડતા મુકાયા. તેમની આત્મકથાનું સમુચિત શીર્ષક હતું, ‘ક્રિકેટ રિબેલ’. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 49 ટેસ્ટ 1965–76; 13.54ની સરેરાશથી 772 રન; સૌથી વધુ જુમલો 73; 26.66ની સરેરાશથી 202 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 740; કારકિર્દી દરમિયાન 16 કૅચ.
(2) 9 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ; 4.50ની સરેરાશથી 9 રન; સૌથી વધુ જુમલો 9 (અણનમ); 16.57ની સરેરાશથી 14 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 411; 1 કૅચ.
જૉન સ્નૉ
(3) પ્રથમ કક્ષાની મૅચ 1961-77; 14.17ની સરેરાશથી 4,832 રન; સૌથી વધુ જુમલો 73 (અણનમ); 22.72ની સરેરાશથી 1,174 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 887; 125 કૅચ.
મહેશ ચોકસી