સ્નેહલતા
January, 2009
સ્નેહલતા : ભારતીય ચલચિત્ર. નિર્માણવર્ષ : 1936. ભાષા : ગુજરાતી અને હિંદી, શ્વેત અને શ્યામ. નિર્માતા : વિજયશંકર ભટ્ટ. નિર્માણસંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : બલવંત ભટ્ટ. ગીતકાર : રઘુનાથ બ્રહ્મભટ્ટ. સંગીત : લાલુભાઈ નાયક. મુખ્ય પાત્રો : જયંત, ગુલાબ, પન્ના, ઉમાકાન્ત, રાજકુમારી, શિરિન બાનુ, લાલોભાઈ.
1931માં સવાક્ ચિત્રોનો દોર પ્રારંભ થતાં વિજય ભટ્ટ અને શંકર ભટ્ટે પ્રકાશ પિક્ચર્સની સ્થાપના કરી હતી. જે જમાનામાં ઓછાં સાધનો હતાં ત્યારે પણ કેવાં સ્તરીય ગુજરાતી ચિત્રો બનતાં હતાં તેનાં આ ચિત્ર સહિત બીજાં કેટલાંક ચિત્રો ઉદાહરણ છે. પ્રકાશ પિક્ચર્સના નેજા હેઠળ પ્રથમ બોલપટ ‘સંસારલીલા’ને ભારે વ્યાવસાયિક સફળતા મળતાં તેમણે બીજું ચિત્ર ‘સ્નેહલતા’ ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ બનાવ્યું હતું. આ ચિત્રમાં એક પ્રણયકથા નિરૂપાઈ છે. વ્યાવસાયિક રીતે અત્યંત સફળ થયેલા આ ચિત્રમાં કૉલેજમાં ભણતો એક યુવાન સુધાકર સ્નેહલતા નામની એક યુવતીના પ્રેમમાં પડે છે. સરળ પ્રણયકથા આગળ જતાં પ્રણયત્રિકોણમાં પરિણમે છે અને તેનો કરુણ અંત આવે છે. ગુજરાતી ‘સ્નેહલતા’નાં ગીતો ‘તમે મારા દેવના દીધેલ છો’, ‘તમે હાર્યા અમારી છે જીત માનોને તમે માનઘેલા’, ‘પળપળ અમારી આંખથી આઘાં કદી જાશો નહિ’, ‘આવો નસીબ અજમાવવા ખુલ્લાં અમારાં દ્વાર છે’, ‘સુરાના શુદ્ધ પ્રેમીને બધાં રસપાન ઓછાં છે’, ‘ક્યાં છે મુસાફર સુખ જગતમાં ફોગટ ફાંફાં મારે’, ‘ગઈ આજ જગત તું ત્યાગી થઈ અમર પૂરી અનુરાગી’ સહિતનાં ગીતો લોકપ્રિય થયાં હતાં.
હરસુખ થાનકી