સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ) (જ. 16 એપ્રિલ 1903, ચીખલી, જિ. વલસાડ; અ. 6 જાન્યુઆરી 1991) : ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકાર. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ઝંપલાવી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો મૂક્યો. 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી. 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. 1926થી 1928 સુધી બે વર્ષ વિદ્યાપીઠમાં જ રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. કાકાસાહેબ કાલેલકર આદિના પરિચયમાં આવવાનું બન્યું. સુન્દરમે પણ ત્યારે વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો હતો. 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે ‘સત્યાગ્રહ પત્રિકા’નું સંપાદન કરતા હતા, તે માટે તેમને નવ માસની કારાવાસની સજા થયેલી. 1931માં તેઓ સૂરત શહેરના કૉંગ્રેસ-પ્રમુખ તરીકે વરાયા. વળી પાછો બે વર્ષનો જેલવાસ ભોગવવો પડ્યો. આ રીતે એમની કારકિર્દીનો આરંભ સ્વાતંત્ર્યસેનાની તરીકે થયો અને સાચી દેશદાઝથી તેમાં સક્રિય રહ્યા.

સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ)

1934થી એમની જીવનદિશા બદલાય છે અને સક્રિય રાજકારણને તિલાંજલિ આપી શિક્ષણક્ષેત્રે ઝંપલાવે છે. ત્યારથી આજીવન તેઓ તે ક્ષેત્રમાં જ રચ્યાપચ્યા રહે છે. 1934માં મુંબઈમાં વિલે પારલે ખાતે ગોકળીબાઈ શાળામાં આચાર્ય તરીકે નિયુક્ત થાય છે. ત્યાં ચારેક વર્ષ શિક્ષણકાર્ય કરી 1938માં અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં આચાર્યપદે જોડાય છે. શિક્ષક તરીકે ત્યાંથી નિવૃત્ત થયા બાદ એ જ સંસ્થાના નિયામકપદે વરણી પામે છે. આ સંસ્થાને શિક્ષણક્ષેત્રમાં એના શ્રેષ્ઠ શિખરે પહોંચાડવાનો સકલ યશ સ્નેહરશ્મિને જાય છે. તેઓ પોતાની અમદાવાદની શિક્ષણકારકિર્દીમાં શિક્ષક અને વિદ્યાર્થીઓમાં એક વત્સલ વ્યક્તિ તરીકે આદરભર્યું સ્થાન ભોગવે છે. એમણે મુંબઈ અને પછી ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ સત્તામંડળોમાં રહી સૂઝસમજપૂર્વક શૈક્ષણિક કામગીરી બજાવી હતી. તે દરમિયાન તેમની વહીવટીય દક્ષતાનો પણ વિનિયોગ થવા પામ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિપદે પણ તેઓ ત્રણ વાર નિયુક્ત થયા હતા. આમ, શિક્ષણ એમનો પ્રથમ પ્રેમ. એમની શૈક્ષણિક કારકિર્દીને લક્ષમાં લઈ 1961માં એમને ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત થયેલો. આ જ હેતુસર એમને ચંદ્રકાન્ત મેમૉરિયલ પારિતોષિક પણ એનાયત થયું હતું.

જેમ શિક્ષણક્ષેત્રમાં તેમ સાહિત્યક્ષેત્રમાં પણ તેઓ આરંભથી સક્રિય રહ્યા હતા. એમણે સાહિત્યસર્જનનો આરંભ કવિતાથી કર્યો. 1921થી શરૂ થયેલી એમની કાવ્યયાત્રાનો પ્રથમ પડાવ એટલે 1935માં પ્રકટ થયેલો એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ઘ્ય’. ત્યાર પછી 1948માં બીજો કાવ્યસંગ્રહ ‘પનઘટ’ પ્રકટ થયો. એ પછી ખૂબ લાંબા અંતરાલે 1974માં ‘અતીતની પાંખમાંથી’, 1984માં ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ અને એ જ વર્ષે અંગ્રેજી લિમરિક ઢબની અર્થાતીત ભાસતી હળવી કાવ્યરચનાઓનો સંગ્રહ ‘નિજલીલા’ પણ પ્રકટ થયો. વચ્ચે સાતમા દાયકામાં એકની એક વહાલસોયી પુત્રીના અવસાનથી વ્યાકુળ ચિત્તને શાતા અર્પવા તેઓ જાપાની કાવ્યપ્રકાર હાઈકુ તરફ વળે છે અને 1967માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં સૌપ્રથમ સીમાસ્તંભ સમાન હાઈકુ-સંગ્રહ ‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’ આપે છે. 1984માં એમનો બીજો હાઈકુ-સંગ્રહ ‘કેવળ વીજ’ પ્રકાશિત થાય છે. એ જ વર્ષે એમના સહુ પ્રકટ કાવ્યસંગ્રહોને સમાવતો ‘સકલ કવિતા’ સંગ્રહ પણ પ્રકટ થાય છે. 1986માં એમનાં કેટલાંક હાઈકુના અંગ્રેજી અનુવાદનો સંગ્રહ ‘સનરાઇઝ ઑન સ્નોપિક્સ’ શીર્ષકથી પ્રકટ થાય છે. એમણે 1980માં ‘તરાપો’ અને ‘ઉજાણી’ જેવા સફળ બાળકાવ્યોના બે સંગ્રહો પણ આપેલા છે. એમના સર્જનનો મુખ્ય અને મહત્વનો ફાલ કવિતાક્ષેત્રે ઊતર્યો છે. સ્નેહરશ્મિ મુખ્યત્વે ઊર્મિપ્રધાન અને ભાવનાશીલ કવિ છે. અલબત્ત, ગાંધીવિચારનાં મૂળિયાં એમનાં ચિંતનોર્મિ કાવ્યોમાં જરૂર જોઈ શકાય. આ ઉપરાંત સામાજિક કટુ વાસ્તવનું નિરૂપણ પણ એમની કવનપ્રવૃત્તિની આધારશિલા છે.

કાવ્ય ઉપરાંત એમણે ટૂંકી વાર્તા, નવલકથા, એકાંકી, ચરિત્ર, વિવેચન ઇત્યાદિ ક્ષેત્રોમાં પણ કામ કર્યું છે. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગાતા આસોપાલવ’ 1934માં પ્રકટ થયો હતો. ત્યાર બાદ ‘તૂટેલા તાર’ (1934), ‘સ્વર્ગ અને પૃથ્વી’ (1935), ‘મોટી બહેન’ (1955) તથા 1962માં ‘હીરાનાં લટકણિયાં’, ‘શ્રીફળ’ અને ‘કાલાટોપી’ વાર્તાસંગ્રહો પ્રકટ થાય છે. એમની વાર્તાઓમાં મુખ્યત્વે ધૂમકેતુશાઈ ભાવનાશીલતાનું અનુસરણ જોવા મળે છે. એમણે ‘અંતરપટ’ (1961) નામે નવલકથા પણ આપી છે. આમાં વિવિધ પાત્રોનાં મુખે નિજકથા કહેવડાવવાનું રચનારીતિગત વૈશિષ્ટ્ય અને સામાજિક–સાંસ્કૃતિક–વૈચારિક ક્રાન્તિનું વિષયગત વૈશિષ્ટ્ય ધ્યાનાર્હ બને છે. ‘મટોડું અને તુલસી’ (1983) એમનો એકાંકીઓનો સંગ્રહ છે. ‘પ્રતિસાદ’ (1984) એમનો એકમાત્ર વિવેચનલેખોનો સંગ્રહ છે, જેમાં મુખ્યત્વે એમની ભાવયિત્રી પ્રતિભાનાં દર્શન થાય છે. જ્યાં કહેવા જેવું લાગે ત્યાં તેઓ પોતાના વિવેચનલેખમાં મૃદુતાથી પણ સચ્ચાઈપૂર્વક કહ્યા વગર રહેતા નથી.

સ્નેહરશ્મિનું નોંધપાત્ર અને મૂલ્યવાન અર્પણ છે તેમની આત્મકથાના ચાર ભાગ : ‘મારી દુનિયા’ (1970), ‘સાફલ્યટાણું’ (1983), ‘ઊઘડે નવી ક્ષિતિજ’ (1987) અને ‘વળી નવાં આ શૃંગ’ (1990). આ આત્મકથામાં તત્કાલીન સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને શૈક્ષણિક વાતાવરણનો દસ્તાવેજી ચિતાર મળી રહે છે. એમણે શૈક્ષણિક ક્ષેત્રે શાળાકક્ષાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયના ‘સાહિત્યપલ્લવ’ (અન્ય સાથે, 1941) અને ‘સાહિત્ય પાઠાવલિ’ (અન્ય સાથે, 1966) નામે પાઠ્યપુસ્તકનાં સંપાદનો પણ કરેલાં છે, જેમાં એમની જીવનકલા અને કલાજીવનની પારખુ નજર પામી શકાય છે. 1937માં એમણે ઉમાશંકર જોશી સાથે ‘ગાંધીકાવ્યસંગ્રહ’નું સંપાદન કર્યું હતું તથા 1957માં અન્ય સાથે ‘ભારતના ઘડવૈયા’ નામે ચરિત્રલેખોનું પણ સંપાદન કર્યું હતું.

સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે આમ ટકોરાબંધ અને ટકાઉ કામગીરી એ સ્નેહરશ્મિની ઉજ્જ્વળ કારકિર્દી છે. આ બધું લક્ષમાં લેતાં તેમને વિવિધ માન-સન્માનો પણ પ્રાપ્ત થયાં છે. 1972માં ગુજરાતી સાહિત્યના મદ્રાસ (ચેન્નાઈ) ખાતે ભરાયેલા અધિવેશનના તેઓ સર્વસંમત પ્રમુખ વરાયા હતા. એમની સાહિત્યિક સફળતાની કદરરૂપે એમને 1967નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1985માં એમને સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી નર્મદ ચંદ્રક પણ એનાયત થયો હતો.

ધીરુ પરીખ