સ્નેલ પીટર
January, 2009
સ્નેલ, પીટર : ન્યૂઝીલૅન્ડના મહાન દોડવીર. તેઓએ 800 મીટર દોડ 1 મિનિટ અને 44.3 સેકન્ડમાં, 1,000 મીટર દોડ 2 મિનિટ અને 16.6 સેકન્ડમાં, 880 વાર દોડ 1 મિનિટ અને 45.1 સેકન્ડમાં તથા 1 માઈલની દોડ 3 મિનિટ અને 54.1 સેક્ધડમાં પૂર્ણ કરી ચાર ‘વિશ્વરેકૉર્ડ’ પ્રસ્થાપિત કર્યા હતા, જે અકલ્પ્ય સિદ્ધિ ગણાય; એટલું જ નહિ, પણ મધ્યમ અંતરની દોડમાં તેઓએ 1960 રોમ ઑલિમ્પિક્સમાં 800 મીટરની દોડમાં નવો રેકૉર્ડ પ્રસ્થાપિત કર્યો હતો તેમજ 1964માં તોક્યો મુકામે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં પણ તેઓએ 800 મીટર અને 1,500 મીટરની સ્પર્ધાઓમાં ‘સુવર્ણચંદ્રક’ મેળવીને વિરલ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એક જ ઑલિમ્પિક્સમાં દોડની સ્પર્ધાઓમાં બે સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરવા તથા 800 મીટર દોડમાં સતત બે ઑલિમ્પિક્સમાં પ્રથમ સ્થાન જાળવી રાખવું – આ બંને નોંધપાત્ર સિદ્ધિઓ ગણાય.
પીટર સ્નેલ
પીટર સ્નેલની સફળતાનું મુખ્ય કારણ તેઓના રાહબર આર્થર લિડિયર્ડ હતા તે છે. આર્થર લિડિયર્ડ માનતા હતા કે દોડની હરીફાઈમાં જીતવા માટે સતત એકધારી ગતિ સાથે દોડવું અતિ આવશ્યક છે અને તેથી જ તેઓ પીટર સ્નેલને તે રીતે દોડવા માટે કહેતા હતા અને તેથી જ પીટર સ્નેલે મધ્યમ અંતરની દોડમાં ચાર ‘વિશ્વ રેકૉર્ડ’ પ્રસ્થાપિત કર્યા હતા. તેઓ સાચા અર્થમાં મધ્યમ દોડના ‘બેતાજ બાદશાહ’ બન્યા હતા. પીટર સ્નેલ તેમના રાહબરની સૂચના પ્રમાણે તાલીમ લેતા હતા. તેઓ ન્યૂઝીલૅન્ડના ગ્રામવિસ્તારો અને પહાડો ઉપર રોકાયા વગર 20થી 30 માઈલની દોડ કરતા હતા અને તેથી જ તેઓમાં મધ્યમ અંતરની દોડ માટે ન કલ્પી શકાય તેટલી દોડવા માટેની સહનશક્તિ (stamina) હતી. 1964ના તોક્યો ઑલિમ્પિક્સ પછી તેમની પત્નીના આગ્રહથી તેઓએ ‘ખેલકૂદની દુનિયા’માંથી નિવૃત્તિ જાહેર કરી હતી. નિવૃત્તિ પછી તેઓએ ઘણા લાંબા સમય સુધી રમતગમતના પત્રકાર તથા રેડિયો કૉમેન્ટેટર તરીકે સેવાઓ આપી હતી. આજે પણ ‘વિશ્વ ખેલકૂદની દુનિયા’માં તેમજ ઑલિમ્પિક્સના અમર ખેલાડીઓમાં પીટર સ્નેલનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે.
પ્રભુદયાલ શર્મા