સ્નેલ, જ્યૉર્જ (જ. ડિસેમ્બર 1903, બ્રેડફૉર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 6 જૂન 1996) : સન 1980ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના નોબેલ પુરસ્કારના ત્રીજા ભાગના વિજેતા. તેમની સાથે બરુજ બેનાસરાફ અને જીન ડોસેટને પણ આ સન્માન મળ્યું હતું.

જ્યૉર્જ સ્નેલ

રોગો સામે વિશિષ્ટ અને ચોક્કસ રીતે અપાતા રક્ષણની પ્રક્રિયાને પ્રતિરક્ષા (immunity) કહે છે. તેને લગતી પ્રતિક્રિયાઓનું નિયંત્રણ કોષની સપાટી પરની કેટલીક સંરચનાઓ (structures) કરે છે. તેમના પર જનીનોનું નિયંત્રણ હોય છે. આ પ્રતિરક્ષા-પ્રતિક્રિયાઓનું નિયંત્રણ કરતી સંરચનાઓની શોધ માટે તેમને નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત કરાયા હતા. તેમના પિતાએ પણ તે સમયે વપરાતી મોટરબોટના એન્જિન માટેની કૉઇલને વીંટવાનું સાધન શોધી કાઢ્યું હતું. તેમને વિજ્ઞાન અને ગણિત ગમતાં અને રમતગમત તથા સંગીતમાં રસ હતો. સન 1922માં ડાર્માઉથ કૉલેજમાં જોડાયા અને તેમાં જનીનશાસ્ત્ર પરના એક અભ્યાસે તેમને તે ક્ષેત્ર તરફ આકર્ષ્યા. અભ્યાસ અને પોસ્ટ-ડૉક્ટરલ ફેલોશિપમાં તેમને ઉંદર જનીનશાસ્ત્રને પોતાના સંશોધનનું ક્ષેત્ર બનાવવા તરફ દોર્યા. સન 1935માં તેઓ જૅક્સન લૅબોરેટરીમાં જોડાયા. તેમણે આશરે 25 વર્ષ પેશીસંગતતા જનીનો (histocompatibility genes) પર સંશોધન કર્યું હતું.

શિલીન નં. શુક્લ