સ્નાયુ(પીડા)કર્ષણ (muscle cramps) : સ્નાયુના સંકોચન કે અતિશય ટૂંકા થવાથી તેમાં પીડા કે અસ્વીકાર્ય સંવેદના થવી તે. તેનું મુખ્ય કારણ ઠંડી, અતિશય શ્રમ કે લોહીમાં કૅલ્શિયમનું ઘટેલું પ્રમાણ હોય છે. આ ઉપરાંત તે શરીરમાં પ્રવાહી ઘટે, ક્ષાર ઘટે કે ઑક્સિજનની ઊણપ થાય ત્યારે પણ થાય છે. ક્યારેક માંદગી કે ઝેરની અસર હોય ત્યારે, ખાસ કરીને પેટમાં, આવાં પીડાકર્ષણો થાય છે ત્યારે ચૂંક (colic) આવે છે તે રીતેય તે વર્ણવાય છે. પીડાકર્ષણનો વિકાર સગર્ભાવસ્થા, મૂત્રપિંડરોગ, ગલગ્રંથિ (thyroid gland) રોગ, પોટૅશિયમનું લોહીમાં વધેલું પ્રમાણ કે કૅલ્શિયમનું ઘટેલું પ્રમાણ (અંગુલિવંકતા, tetany), સર્પશિરા વિકાર (vericose veins), વ્યાપક ચેતાતંતુકાઠિન્ય (multiple sclerosis) વગેરે વિકારોમાં થાય છે. પિંડીમાં થતી કળતર પણ ઘણી વખતે તેને કારણે હોય છે. ક્યારેક કોલેસ્ટિરૉલ ઘટાડતી સ્ટેટિન જૂથોની દવામાં સ્નાયુકર્ષણો થાય છે જે કોન્કો-એન્ઝાઇમ ક્યૂ-10 નામના ઔષધ વડે ઘટાડી શકાય છે. સારવારમાં પીડાકર્ષિત સ્નાયુનું હળવું મર્દન (massage), તે સ્નાયુને લંબાવીને શિથિલ કરવો, તેના પર ગરમ-ઠંડીનો શેક કરવો, મોઢેથી ઊંડા શ્વાસ લેવા વગેરે કરવાથી તાત્કાલિક રાહત મળે છે. જોકે વધુ પડતી ગરમી-ઠંડી પીડાકર્ષણો વધારે પણ છે. તેને દબાવવાથી તકલીફ વધે છે. શ્રમ પછી લૅક્ટિક ઍસિડનો ભરાવો થાય અને ઑક્સિજનની ઊણપ થાય તો ઊંડા ઝડપી શ્વાસોચ્છ્વાસથી ફાયદો રહે છે; તેવી જ રીતે પાણી કે ક્ષારની ઊણપ હોય તો પાણી અને મીઠું લેવાથી ફાયદો રહે છે. પેસાબ વધુ થાય તેવી દવાઓ લેતી વ્યક્તિને પૉટેશિયમ આપવાથી રાહત રહે છે. કૅલ્શિયમ કે વિટામિન–ડીની ઊણપથી થતા પીડાકર્ષણોમાં દૂધ તથા વિટામિન ડી અને કૅલ્શિયમ લેવાથી ફાયદો રહે છે. પગની નસો પહોળી અને વાંકીચૂકી થઈ ચામડી નીચે સાપની જેમ ઊપસી આવી હોય (સર્પશિરા, vericose vein) તેની સારવાર રૂપે તેમાં દવા નાંખીને કરાતી તંતુકાઠિન્યકારી ચિકિત્સા (sclerothrapy) અથવા શસ્ત્રક્રિયા ઉપયોગી રહે છે. પિંડીઓના સ્નાયુપીડાકર્ષણની સારવારમાં વિટામિન ઈ અથવા ક્વિનીન લાભકારક રહે છે. જોકે ક્વિનીનની અન્ય આડઅસરોને કારણે તે આ વિકારમાં ઉપયોગી રહેતી નથી.

વિવિધ પ્રકારનાં સ્નાયુપીડાકર્ષણો વર્ણવાયેલાં છે  (1) અરૈખિક સ્નાયુપીડાકર્ષણ (smooth muscle cramps) જેમાં આંતરડાં, ગર્ભાશય, મૂત્રપિંડનળી (પથરી હોય તો) વગેરે પોલા અવયવોમાં ચૂંક (colic) થાય છે. (2) ઋતુસ્રાવ પીડાકર્ષણ (menstrual crmaps), જેમાં પેટ તથા કમર અને જાંઘમાં દુખાવો થાય છે. તેમાં પેરેસિટેમોલ તથા આઇબ્રુપ્રોફોન જેવી દવાઓ, શરીરને ખેંચીને સીધું અને લાંબું કરતી કસરતો, ગરમ પાણીનો શેક વગેરે ઉપયોગી છે. (3) રાત્રીકાલીન પગનાં પીડાકર્ષણો(nocturnal leg cramps)માં પિંડી અને પગના તળિયાના સ્નાયુઓ રાત્રે અથવા ક્યારેક આરામ કરતી વખતે અતિશય સંકોચાઈને પીડા કરે છે. દરેક વખતે થોડી સેન્કડોથી થોડી મિનિટ સુધી તે રહે છે. મોટી ઉંમરે તે વધુ થાય છે. જો પાણીની ઊણપ (નિર્જલન, dehydration) હોય તો તે વધુ તીવ્રતાથી થાય છે. પગને લંબાવી દેવાથી કે ઊભા થઈને થોડું ચાલી લેવાથી તે શમે છે. સગર્ભાવસ્થાના છેલ્લા ભાગમાં તે સામાન્ય રીતે જોવા મળે છે. (4) કંકાલીય સ્નાયુનાં પીડાકર્ષણો (skeletal muscle cramps) : પિંડી, જાંઘ કે પાદના સ્નાયુઓનાં પીડાકર્ષણો સામાન્ય રીતે ઘણો પરિશ્રમ કર્યો હોય તે પછી દિવસે પણ જોવા મળે છે. ક્યારેક કૅલ્શિયમ, ઑક્સિજન, પાણી કે ક્ષારની ઊણપ તેમાં કારણરૂપ હોય છે.

વિલંબિતારંભી સ્નાયુવેદના (delayed onset muscle soreness, DOMS) : શ્રમ કે કસરત કર્યા પછી 24થી 72 કલાકે, 2થી 3 દિવસ માટે, સ્નાયુઓમાં દુખાવો કે તકલીફ થાય તો તેને વિલંબિતારંભી સ્નાયુવેદના કહે છે. તેને સ્નાયુજ્વર (muscle fever) પણ કહે છે. ગુજરાતીમાં તેને ‘ગોટલા ચડવા’ કહે છે. તેનું કારણ સ્નાયુઓમાં દુગ્ધામ્લ(lactic acid)નો ભરાવો થયેલો હોય છે. તેને કારણે સ્નાયુકોષોને ઈજા થયેલી હોય છે. ઢાળ (કે પર્વત) ઊતર્યા પછી તે વધુ તીવ્રપણે થાય છે. એક માન્યતા પ્રમાણે દુગ્ધામ્લને કારણે થતી સ્નાયુકોષની ઈજાને બદલે શ્રમને કારણે થતા બળવર્ધન(reinforcement)થી સ્નાયુકોષોની અતિવૃદ્ધિ (hypertrophy) થાય છે, જે સ્થાનિક ચેતાઓને દબાવે છે. તે કારણે દુખાવો થાય છે. સ્નાયુવૃદ્ધિ તથા દેહસુઘટન (body building) માટે સતત પરિશ્રમ કે પરિશ્રમ-આરામનાં ચક્રો મહત્વનાં છે તે અંગે વિવાદ છે. વિલંબિતારંભી સ્નાયુવેદનાની હાજરીમાં સતત પરિશ્રમ કરવાથી વ્યક્તિ તેની વેદનાથી ટેવાઈ જાય છે; પરંતુ તે દેહસુઘટન સારું કરે છે કે નહિ તે નિશ્ચિત નથી. વિલંબિતારંભી સ્નાયુવેદનામાં સ્નાયુઓને ખેંચવા માટે હાથપગ લંબાવવાથી દુખાવો ઘટતો નથી, બલકે ક્યારેક તે વધે છે. ક્યારેક ઠંડી-ગરમીના વારાફરતી શેકથી રાહત મળે છે.

શિલીન નં. શુક્લ