સ્નાનગૃહ (swimming-pool) : સ્નાન અને સ્નાનક્રીડા માટેનું ખાસ તૈયાર કરેલ સ્થળ. સ્નાનગૃહો પુરાણકાળથી જાણીતાં છે. રાજા-મહારાજાઓનાં આવાસ-સંકુલોમાં સ્નાનગૃહોનો સમાવેશ થતો હતો. આજે પણ મોટાં ધનિક કુટુંબોના આવાસોમાં તેમજ મોટી હોટેલોમાં ખાસ સ્નાનગૃહો રાખવામાં આવે છે. સ્નાનક્રિયા એ માત્ર ચાલુ દૈનિક ક્રિયાને બદલે અમુક સમયે આનંદ-પ્રમોદ અને મોજમજા માટેની ક્રિયા બની રહે છે. મોટાં સ્નાનગૃહો પ્રતિષ્ઠાનું પણ એક અંગ બની રહ્યાં છે.
વ્યક્તિગત સ્નાનગૃહો ઉપરાંત જાહેર સ્નાનગૃહો પણ હોય છે. જાહેર સ્નાનગૃહો મોટા ભાગે મ્યુનિસિપાલિટી કે જાહેર સંસ્થાઓ તરફથી ચલાવાય છે. આ પ્રકારનાં સ્નાનગૃહોનો ઉદ્દેશ પ્રજાજનો તરવાનું શીખે તેમજ તરણ એ એક સારી તંદુરસ્તી બક્ષતી શારીરિક કસરત છે, તેને પ્રોત્સાહન આપવાનો છે. મોટી કૉલેજો પોતાના વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલની સુવિધા સાથે સ્વિમિંગ-પૂલની પણ સુવિધા રાખતી હોય છે.
સ્નાનાગારના નિર્ગમો
જિલ્લા, રાજ્ય, રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે તરણ હરીફાઈ યોજાતી હોય છે. તે માટે ખાસ મોટાં અને ખુલ્લાં સ્વિમિંગ-પૂલો તૈયાર કરાતા હોય છે.
કોઈ પણ પ્રકારનું સ્નાનગૃહ હોય – વ્યક્તિગત ધોરણે કે જાહેર સ્તરે, પાણીની ચોખ્ખાઈ જાળવી રાખવી તે મહત્વની બાબત હોય છે. ખાસ કરીને જાહેર સ્નાનાગારો માટે આ અંગે ચોક્કસ નિયમો અને પ્રણાલીઓ નક્કી કરવામાં આવેલી છે. સ્વિમિંગ-પૂલમાં નાહવા જતાં પહેલાં ત્યાં રાખેલ નાના બાથરૂમમાં સ્નાન કરવું ફરજિયાત હોય છે. સમયાંતરે સ્નાનગૃહનું પાણી બદલાવવામાં આવે છે. વળી પાણીમાં બૅક્ટેરિયાનું પ્રમાણ ચકાસી તેમાં યોગ્ય ‘ક્લોરિનેશન’ કરવામાં આવે છે. આવી કાળજી ન લેવાય તો સ્નાનકર્તાઓને ચામડીનો રોગ થવાની સંભાવના હોય છે.
જાહેર સ્વિમિંગ-પૂલોમાં જ્યાં શિખાઉ નાનાં બાળકો તરવા આવે તેમની સલામતી માટે અનુભવી તરવૈયાની સેવાઓ ઉપલબ્ધ કરાય છે. મોટાં જાહેર સ્નાનગૃહોમાં પાણીમાં ઊંચેથી કૂદકો મારવા માટે ખાસ સ્પ્રિંગ-બોર્ડોની વ્યવસ્થા કરાય છે.
સ્નાનાગારની સફાઈ કરતી પદ્ધતિનો આડછેદ
સ્વિમિંગ-પૂલો આકર્ષક બને, પાણીનો પણ ખાસ રંગ દેખાય તે માટે રંગબેરંગી ‘ગ્લેઝ્ડ ટાઇલ્સ’નો ઉપયોગ થાય છે.
સ્વિમિંગ-પૂલો માત્ર શારીરિક કસરત માટે ન રહેતાં સ્નાન સાથે આનંદ-પ્રમોદ-સ્નાનવિહારમાં સ્વૈરવિહારનાં સાધનો તરીકે પણ વપરાય છે.
ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ
નગીનલાલ હી. મોદી