સ્થૂલિભદ્ર : એક પ્રાચીન મહાન જૈન આચાર્ય. તેમનાં ત્યાગ અને તપશ્ચર્યાના કારણે જૈન ધર્મમાં તેમનું અત્યંત ઊંચું સ્થાન છે.

ભગવાન મહાવીરના અગિયાર ગણધરો – મુખ્ય પ્રત્યક્ષ શિષ્યો – માંથી માત્ર બે, પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ અને પંચમ ગણધર સુધર્મા, ભગવાન મહાવીરના નિર્વાણ પછી જીવિત હતા. ભગવાન મહાવીરના ઉપદેશનું અંગ આગમ તરીકે સંકલન કરનાર સુધર્મા હતા. તેમના શિષ્ય જંબૂ હતા. તેઓ અંતિમ સર્વજ્ઞ હતા. જંબૂ પછી કાળક્રમે છ આચાર્યો થયા – પ્રભવ, શય્યંભવ, યશોભદ્ર, સંભૂતવિજય, ભદ્રબાહુ અને સ્થૂલિભદ્ર. આ છયે આચાર્યો શ્રુતકેવલી તરીકે ઓળખાય છે. ભદ્રબાહુ સુધીના આચાર્યો જૈનોના શ્વેતામ્બર દિગંબર બન્ને સંપ્રદાયોમાં માન્ય છે. આચાર્ય સુધર્માથી ભદ્રબાહુ સુધીનું કાળમાન શ્વેતામ્બર માન્યતાનુસાર 170 વર્ષ છે. ભદ્રબાહુનો સ્વર્ગવાસનો સમય શ્વેતામ્બર પરંપરા પ્રમાણે વીર નિર્વાણ સંવત 170 છે, જ્યારે દિગંબર પરંપરા પ્રમાણે વીર નિર્વાણ સંવત 162 છે.

શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થવાનું કારણ ભદ્રબાહુના સમયમાં પડેલા બાર વર્ષના દુષ્કાળને ગણવામાં આવે છે. આ દુષ્કાળ દરમિયાન અનેક શ્રુતધર શ્રમણો સ્વર્ગવાસી બન્યા, અનેક સાધુઓ દક્ષિણમાં ચાલ્યા ગયા. આમ શ્રુતપરંપરા ક્ષીણ થવાનું શરૂ થયું. દુષ્કાળ પછી વિચ્છિન્ન શ્રુતજ્ઞાનને સંકલિત કરવા વીર નિર્વાણ સં. 160 (વિક્રમ પૂર્વ 310) લગભગ શ્રમણ સંઘ પાટલિપુત્ર(મગધ)માં એકત્રિત થયો. આ મહાસંમેલનના વ્યવસ્થાપક આચાર્ય સ્થૂલિભદ્ર હતા. અહીં અગિયાર અંગો રૂપે શ્રુતજ્ઞાનનું સંકલન કરવામાં આવ્યું. આગમોની આ પ્રથમ વાચના હતી. સ્થૂલિભદ્રને ચાર પૂર્વો સિવાય અન્ય બધા સિદ્ધાન્તગ્રંથોનું જ્ઞાન હતું. તેમણે નેપાલસ્થિત આચાર્ય ભદ્રબાહુ પાસેથી પ્રથમ દસ પૂર્વો અર્થસહિત અને અંતિમ ચાર પૂર્વો અર્થ વિના જ ગ્રહણ કર્યા હતા. આ રીતે આગમગ્રંથોનો ક્રમિક હ્રાસ થવા લાગ્યો હતો.

ભદ્રબાહુ પછી શ્વેતામ્બર પરંપરામાં સ્થૂલિભદ્રનું મહત્વનું સ્થાન છે. જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સ્થૂલિભદ્રના શિષ્ય સુહસ્તીએ સમ્રાટ અશોકના પૌત્ર તથા ઉત્તરાધિકારી રાજા સંપ્રતિને પ્રભાવિત કર્યો હતો. સંપ્રતિએ આખા ભારત દેશમાં અનેક જૈન દેવાલયોનું નિર્માણ કરાવ્યું હતું.

જૈન પુરાણપરંપરા પ્રમાણે આચાર્ય સ્થૂલિભદ્ર સંસારી સંબંધે મગધપતિ નંદના અમાત્ય શકટાલના પુત્ર હતા. યુવાવસ્થામાં પાટલિપુત્રની ગણિકા રૂપકોશાના રૂપમાં મોહિત થયેલા સ્થૂલિભદ્ર પિતાના આત્મઘાત પછી તીવ્ર વૈરાગ્યપૂર્વક મુનિદીક્ષા ગ્રહણ કરી અતિ ઉત્કટ એવું બ્રહ્મચર્યપાલનનું વ્રત કેવી રીતે પાળ્યું તેનું અદભુત કથાનક જૈન સાહિત્યમાં અનેક કૃતિઓમાં આલેખાયું છે.

રમણીક શાહ