સ્થિરાંત્રશોથ (colitis) અને વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis)
January, 2009
સ્થિરાંત્રશોથ (colitis) અને વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis) : અનુક્રમે મોટા આંતરડાનો સોજો તથા તેને વારંવાર ચાંદાં પડે તેવો દીર્ઘકાલી વિકાર થવો તે. મોટા આંતરડામાં શોથજન્ય (inflammatory) વિકાર થાય તેને સ્થિરાંત્રશોથ (colitis) કહે છે. તે સમયે તેની પેશીમાં કોઈ સંક્ષોભન(irritation)ને કારણે લોહીનું ભ્રમણ વધે છે અને લોહીના વિવિધ શ્વેતકોષોનો પેશીમાં ભરાવો થાય છે; તેથી ત્યાં સોજો આવે છે અને તેની સપાટી લાલાશ ધારણ કરે છે. ક્યારેક તેમાં કોશનાશ થાય છે અને ત્યાં ચાંદું (વ્રણ, ulcer) પણ પડે છે. વિવિધ પ્રકારના જીવાણુઓ (bacteria), વિષાણુઓ (viruses) કે ફૂગ(fungus)ના ચેપને કારણે, અમીબા જેવા પરોપજીવના ચેપને કારણે કે ચેપની ગેરહાજરીમાં સંક્ષોભનને કારણે મોટા આંતરડામાં શોથ(inflammation)નો વિકાર થઈ આવે છે. દા. ત., મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં થતો યુરિમિક (uraemic) સ્થિરાંત્રવિકાર. ક્યારેક કેટલીક ઍન્ટિબાયૉટિક્સની આડઅસર રૂપે છદ્મપટલસમ આંત્રસ્થિરાંત્રશોથ (pseudomembranous enterocolitis) નામનો રોગ થાય છે.
સંશ્લેષ્મ સ્થિરાંત્રશોથ (mucus colitis) નામના વિકારમાં ચૂંકનો દુખાવો થવો, વારાફરતી કબજિયાત કે પાતળા ઝાડા થવા (અતિસાર, diarrhoea), મળમાં શ્લેષ્મ અથવા સફેદી (mucus) જવી અને ક્યારેક છદ્મપટલસમ દ્રવ્ય (pseudomembranous shreds અથવા patches) જવાં વગેરે જોવા મળે છે. ઝાડામાં સફેદ ચીકણો પદાર્થ પડે તેને શ્લેષ્મ અથવા સફેદી કહે છે. તેને સંક્ષોભજન્ય સ્થિરાંત્ર સંલક્ષણ (irritable bowel syndrome) પણ કહે છે. તેમાં દર્દીને 3 મહિના સુધી સતત કે વારંવાર થતો તથા મળત્યાગ પછી શમતો પેટનો દુખાવો થાય છે. મળત્યાગની હાજત (દિવસના 3 કે વધુ વખત) તથા મળના સ્વરૂપમાં ફરક પડે છે. દર્દીને મળત્યાગની હાજતમાં ઉતાવળ રહે છે, પણ સંતોષ થતો નથી. મળ સાથે સફેદી (શ્લેષ્મ) પડે છે. આ વિકાર થવાનાં કારણોમાં માનસિક વિકાર, રેસાવાળા ખોરાકની શેષનું મોટા આંતરડામાં આથવણ (fermentation), મોટા આંતરડાનો ચેપજન્ય વિકાર મટે તે પછીની સ્થિતિ વગેરે વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. દર્દીને ઝાડામાં લોહી જતું નથી તે દર્શાવે છે કે તેને મોટા આંતરડામાં ચાંદાં પડ્યાં નથી. સારવાર તરીકે રેસાવાળો ખોરાક કે તેવાં દ્રવ્યો વધુ લેવાથી (દા. ત., ઇસબગોળ) અથવા દૂધ કે દૂધની બનાવટો ઓછી કરવાથી ક્યારેક ફાયદો થાય છે. ચૂંકવિરોધી ઔષધો (એટ્રોપિન જૂથ), અતિસારવિરોધી ઔષધો (લોપેરેમાઇડ, કોડિન, ડાયફિનોક્સિલેટ વગેરે), પ્રતિખિન્નતાકારી (antidepressant) ઔષધ વગેરે આપવાથી ફાયદો રહે છે. જો દર્દીને કબજિયાત હોય તો ટેગાસેરોડ નામની દવા અપાય છે. ઔષધો નિષ્ફળ રહે ત્યારે આહારમાં ફેરફાર, માનસિક તણાવ ઘટાડવા મન:શિથિલન (mental relaxation), મનશ્ચિકિત્સા (psychotherapy) તથા સંમોહનચિકિત્સા (hypnotherapy) પણ ઉપયોગી રહે છે.
મોટા આંતરડામાંથી એક મોટા આંતરડામાં ખૂલતી પોટલી જેવી બહાર ઊપસી આવતી સંરચના બને તો તેને અંધનાલિ (diverticulum) કહે છે. જો દર્દીના સ્થિરાંત્ર(મોટા આંતરડા)માં અંધનાલિ હોય અને તેમાં ચેપ લાગે તો તેને અંધનાલિશોથ (diverticulitis) કહે છે. તેને કારણે મોટા આંતરડાની અંદરની દીવાલમાં સંક્ષોભજન્ય લાલાશવાળો સોજો થાય તો તેને અંધનાલિગત સ્થિરાંત્રશોથ (diverticulum colitis) કહે છે. તે મોટી ઉંમરની માંસાહારી વ્યક્તિમાં વધુ જોવા મળે છે. તેથી કબજિયાત થાય છે તથા તેને કારણે આંતરડાનું વધુ પડતું હલનચલન થતું હોય એવી વ્યક્તિમાં તે વધુ જોવા મળે છે. અંધનાલિમાં ચેપ લાગે ત્યારે દુખાવો, લોહીવાળા ઝાડા તથા ચેપને કારણે તાવ વગેરે ચિહ્નો અને લક્ષણો થઈ આવે છે. ક્યારેક અંધનાલિની દીવાલમાં કે તેની બહાર ગૂમડું પણ થાય છે. આવા ગૂમડાને પરિસ્થિરાંત્ર સપૂયગડ (pericolic abscess) કહે છે, જે ફાટે અને મૂત્રમાર્ગ સાથે જોડાણ બનાવે તો તેને સ્થિરાંત્ર-મૂત્રાશય સંયોગનળી (coloversical fistula) કહે છે. ત્યારે મૂત્રમાર્ગે વાયુ નીકળે છે, તેને વાતમેહ (pneumaturia) કહે છે. આવા દર્દીને મૂત્રમાર્ગમાં પણ વારંવાર ચેપ લાગે છે. સીએટીસ્કૅન અને સ્થિરાંત્રનિરીક્ષા(colonoscopy)ની અંત:દર્શક (endoscope) વડે કરાતી તપાસથી નિદાન થાય છે. મોટા આંતરડામાં નળી (અંત:દર્શક) નાંખીને કરાતાં અવલોકનોવાળી નિદાનપદ્ધતિને સ્થિરાંત્રનિરીક્ષા કહે છે. સારવારમાં જો ફક્ત ચેપ લાગેલો હોય તો ઍન્ટિબાયૉટિક, ઝાડામાં લોહી પડતું હોય તો નસ વાટે લોહી ચડાવીને પછી અંત:દર્શક વડે લોહી ઝમતા વિસ્તારની સારવાર, પરિસ્થિરાંત્ર ગૂમડું કે સંયોગનળી થાય તો ઍન્ટિબાયૉટિક અને શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.
વ્રણીય સ્થિરાંત્રશોથ : તે મોટા આંતરડામાં ચાંદાં પડવાં તથા તેમાંથી લોહી પડે તેવો શોથજન્ય (inflammatory) વિકાર છે, જેમાં વારંવાર ઊથલા અને શમન (remission) થાય છે. તેમાં મળાશયની શ્લેષ્મકલા હંમેશાં અસરગ્રસ્ત હોય છે. ક્યારેક સૂક્ષ્મદર્શક વડે જ દર્શાવી શકાય તેમ પણ હોય. તે થવાનું કોઈ નિશ્ચિત કારણ જાણમાં નથી. એક જ કુટુંબમાં વધુ કિસ્સા જોવા મળે તેવું દર 10 કે 15 દર્દીએ એકમાં થાય છે. જોડકાં ભાઈબહેનમાં જો તે એકને થાય તો બીજાને થવાની સંભાવના રહે છે. આ વિકારમાં સંલગ્ન રંગસૂત્ર 12, 6 અને 2 પર વિકૃતિઓ જોવા મળે છે. તેમનું શ્લેષ્મ (mucus) વિષમ હોય છે અને શ્લેષ્મકલાની પ્રવાહી માટેની પારગમ્યતા (permeability) વધુ હોય છે. કેટલાક દર્દીઓમાં 40 kDa પ્રકારનું સ્થિરાંત્ર-નત્રલ (colonic protein) જોવા મળે છે. સામાન્ય રીતે T-લસિકાકોષોની સક્રિયતા પણ જોવા મળે છે. તેવી જ રીતે ઇન્ટરલ્યુકિન 1, 6 અને 8 પણ વધેલા હોય છે. આ દર્શાવે છે કે આ રોગમાં જનીની અને પ્રતિરક્ષાલક્ષી (immunological) ઘટકો સક્રિય હોય છે.
ઝાડામાં લોહી જાય તે આ રોગના નિદાન માટે આવશ્યક લક્ષણ છે. ક્યારેક કબજિયાત, મળત્યાગની વારંવાર હાજત, પેટમાં દુખાવો વગેરે પણ થાય છે. રોગની તીવ્રતા વધે ત્યારે મળત્યાગની હાજતની સંખ્યા પણ વધે છે. ક્યારેક મોટું આંતરડું પહોળું થઈ જાય છે. આ ઉપરાંત દર્દીને ખોરાક માટે અરુચિ, લોહીમાં હીમોગ્લોબિન ઘટવાથી પાંડુતા, તાવ, હૃદયના વધેલા ધબકારા તથા પેટને અડવાથી થતો દુખાવો વગેરે લક્ષણો અને ચિહ્નો પણ થઈ આવે છે. ક્યારેક દર્દીને મોંમાં ન રુઝાતાં ચાંદાં, નસમાં લોહી જામી જવું, સાંધાનો દુખાવો, સાંધામાં સોજો, યકૃતના રોગ વગેરે અન્ય વિવિધ વિકારો પણ થાય છે.
મળત્યાગની હાજતની દૈનિક સંખ્યા, ગુદા વાટે રુધિરસ્રાવ, તાવ, નાડીનો દર, હીમોગ્લોબિન તથા રક્તકોષઠારણદર(erythrocyte sedimentation rate, ESR)ને આધારે રોગની તીવ્રતા નક્કી કરાય છે. (જુઓ સારણી)
સારણી : વ્રણીય સ્થિરાંત્રશોથની તીવ્રતાનું નિર્ધારણ
પરિમાણ | મંદ તીવ્રતા | મધ્યમ તીવ્રતા | અતિતીવ્ર |
દૈનિક હાજત | < 4 | 4 –6 | > 6 |
ગુદામાર્ગે લોહી વહે | થોડું | મધ્યમ | પુષ્કળ |
તાવ | નહિ | થોડો | > 37.8° C, |
> 2 દિવસ | |||
નાડી દર | સામાન્ય | થોડો વધારે | 90/મિનિટ કે વધુ |
હીમોગ્લોબિન | સામાન્ય | > 10.5 ગ્રા. % | < 10.5 ગ્રા. % |
ESR | સામાન્ય | થોડો વધુ | > 30 મિમિ./કલાક |
નિદાનમાં અવગ્રહાકાર સ્થિરાંત્રનિરીક્ષા (sigmoidoscopy) મહત્ત્વની તપાસ છે. તેમાં ગુદામાર્ગે અંત:દર્શક(endoscope)ને પ્રવેશ આપીને મળાશય અને અવગ્રહાકાર સ્થિરાંત્રની શ્લેષ્મકલાના દેખાવનું નિરીક્ષણ કરાય છે. મંદ વિકારમાં લાલાશ અને સોજો જોવા મળે છે. મધ્યમ વિકારમાં શ્લેષ્મકલા કણિકામય (granular) હોય છે અને સ્પર્શ થવાથી લોહી ઝમે છે. તીવ્ર વિકારમાં ચાંદાં તથા સ્વયંભૂ રુધિરસ્રાવ જોવા મળે છે. શંકાસ્પદ વિસ્તારમાંથી પેશીનો ટુકડો લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે, તેને મળાશયી પેશીપરીક્ષણ (rectal biopsy) કહે છે. અન્ય નૈદાનિક તપાસ રૂપે સ્થિરાંત્રનિરીક્ષા (colonoscopy), બેરિયમ-બસ્તી, મળની તપાસ, લોહીના કોષોની સંખ્યા, ESR, C-રિએક્ટિવ પ્રોટીનની તપાસ, યકૃત-કાર્યક્ષમતા કસોટીઓ વગેરે પણ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. નિદાન નિશ્ચિત કરવામાં મોટા આંતરડાના અન્ય ચેપજન્ય વિકારો, કોહનનો રોગ, અન્ય પ્રકારના સ્થિરાંત્રશોથ (colitis) વગેરેથી અલગ પાડવામાં આવે છે.
મુખ્ય સારવારમાં કોર્ટિકોસ્ટીરોઇડ (મુખમાર્ગે તથા બસ્તી માર્ગે), મિસેલેઝિન બસ્તી, સેલિસિલેટ (સેલ્ફાસેલેઝિન, ઓલ્સેલેઝિન) તથા પેન્ટાઝાનો સમાવેશ થાય છે. મંદ વિકારમાં મુખમાર્ગી પ્રેડ્નિસોલોન, કોર્ટિકોસ્ટીરોઇડનો બસ્તી અથવા સલ્ફાસેલેઝિન અને/અથવા પેન્ટેઝાની ગુદામાર્ગી સપોઝિટરી ઉપયોગી રહે છે. તીવ્ર વિકારમાં દર્દીને દાખલ કરીને પ્રથમ નસ વાટે અને પછી મુખમાર્ગે કોર્ટિકોસ્ટીરૉઇડ અપાય છે. દર્દીને નસમાં લોહી જામી ન જાય તે જોવાય છે અને સાથે નસ વાટે મેટ્રોનિડેઝોલ અપાય છે. તેવી જ રીતે પહોળા થઈ ગયેલા સ્થિરાંત્રની સારવાર ઘણી મહત્ત્વની છે. જો દવાની પૂરતી અસર ન થાય તો મુખમાર્ગે એઝાથામોપ્રિન વપરાય છે. અતિતીવ્ર કિસ્સામાં સ્થિરાંત્ર-ઉચ્છેદન(colectomy)ની જરૂર પડે છે. વ્રણકારી સ્થિરાંત્રશોથના કિસ્સામાં પાછળથી મોટા આંતરડાનું કૅન્સર થવાની સંભાવના રહે છે.
શિલીન નં. શુક્લ