સ્થાનિક સમય : સામાન્ય માણસ માટે સમયના સંદર્ભમાં ઉપયોગમાં લેવાતો શબ્દ. પૃથ્વી ચોવીસ કલાકમાં એક અક્ષભ્રમણ પૂરું કરે છે, એટલે કે દર ચોવીસ કલાકે પૃથ્વી પરનાં કાલ્પનિક 360° રેખાંશવૃત્તો પૈકીનું પ્રત્યેક રેખાંશવૃત્ત સૂર્યની બરાબર સામેથી એક વખત પસાર થાય છે. કોઈ પણ રેખાંશવૃત્ત જ્યારે સૂર્યની બરાબર સામે આવે ત્યારે ત્યાં સૂર્ય બરાબર માથે આવેલો હોય છે, અર્થાત્ તેણે તે રેખાંશ પરનાં સ્થળ પરત્વેની (અક્ષાંશના સંદર્ભમાં) પોતાના પૂર્વથી પશ્ચિમના ભાસમાન માર્ગમાં સૌથી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરેલી હોય છે; ટૂંકમાં આ સમયને મધ્યાહન કહેવાય. એટલે કે આ જ સમયે બપોરના બાર વાગ્યા છે એમ સમજી શકાય. તે પ્રમાણે ઘડિયાળમાં સમય ગોઠવી શકાય ખરો. આને હિસાબે જે સમય બતાવે તે જે તે રેખાંશ પરનાં બધાં સ્થળોનો સ્થાનિક સમય (local time) કહેવાય.

જ્યારે રેખાંશવૃત્ત સૂર્યની બરાબર સામે આવે ત્યારે તેની પરનાં સ્થળોએ એક તો સૂર્ય માથા પર આવ્યો હોય અથવા તેણે તેના પૂર્વ-પશ્ચિમ ભાસમાન ભ્રમણમાર્ગ પર ઉચ્ચાંક મેળવ્યો હોય છે. આમ રેખાંશવૃત્ત પરનાં બધાં જ સ્થળોએ સ્થાનિક સમય સરખો હોય છે. પૃથ્વીના ભ્રમણની સાથે સાથે એક પછી એક જુદાં જુદાં રેખાંશવૃત્તો સૂર્ય સામેથી જુદે જુદે સમયે પસાર થતાં હોય છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોઈ સૌથી પ્રથમ પૂર્વ તરફનાં રેખાંશવૃત્તો સૂર્ય સામે આવે છે, તે પછીથી પશ્ચિમ તરફનાં રેખાંશવૃત્તો થોડે થોડે સમયે સૂર્ય સામે આવતાં જાય છે. આ પરથી સ્પષ્ટ બને છે કે પૂર્વ-પશ્ચિમ આવેલાં જુદાં જુદાં સ્થળોનો સ્થાનિક સમય જુદો જુદો હોય છે.

સ્થાનિક સમયમાં પડતા તફાવતો માત્ર સાદા ગણિતથી સમજી શકાય છે. 24 કલાકમાં પૃથ્વીનાં 360° રેખાંશવૃત્તો સૂર્ય સામે એક પછી એક પસાર થાય છે, એટલે કે દર કલાકે 15° રેખાંશવૃત્તો સૂર્ય સામેથી પસાર થાય છે, અર્થાત્ 15° રેખાંશવૃત્તો વચ્ચેનો અંતર-તફાવત ધરાવતાં બે સ્થળો વચ્ચેના સમયમાં 1 કલાકનો તફાવત થાય. 1° રેખાંશનો અંતર-તફાવત બે સ્થળો વચ્ચેના સમયમાં 4 મિનિટ જેટલો તફાવત થાય અને 1°  અંતર-તફાવત ધરાવતાં બે સ્થળો વચ્ચે 4 સેકંડનો તફાવત થાય.

નીતિન કોઠારી