સ્થાનિક સ્વરાજ : જે તે વિસ્તારમાં, ત્યાંના લોકો પોતે શાસન ચલાવે તેવી પદ્ધતિ. સ્થાન ઉપરથી સ્થાનિક શબ્દ બનેલો છે. સ્વરાજ એટલે લોકોનું પોતાનું શાસન. ગામ કે શહેરમાં વસતા લોકો પોતાના ગામ કે શહેરનો વહીવટ પોતે કે પોતાના પ્રતિનિધિઓ મારફત કરે એને લોકોનું પોતાનું રાજ કે સ્થાનિક સ્વરાજ કહેવાય છે. આવી રીતે ગામ કે શહેરનો સ્થાનિક વહીવટ ચલાવતા ઘટકો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે ઓળખાય છે.

સ્થાનિક સ્વરાજની આ સંસ્થાઓ ગામ કે નગરના લોકોની જાહેર સુખાકારીનાં અને લોકોની સ્થાનિક જરૂરિયાતોની સેવાઓનાં કાર્યોનો વહીવટ કરે છે. આવી સંસ્થાઓ સામાન્ય રીતે પોતાના વિસ્તારમાં લોકોને પીવા અને વાપરવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું, સારા રસ્તા બનાવવા અને તેમની જાળવણી કરવી, રસ્તાઓની સફાઈ કરાવવી, જાહેર રસ્તાઓ પર દીવાબત્તીની સગવડ કરવી, આરોગ્ય સેવાઓ પૂરી પાડવી, પ્રાથમિક શિક્ષણની સગવડ કરવી વગેરે કાર્યો કરે છે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આપણા દેશમાં પ્રાચીન કાળથી હતી. કાળક્રમે તે નાશ પામી. દેશમાં હાલ છે તેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની શરૂઆત અંગ્રેજ અમલ દરમિયાન થઈ હતી. દેશમાં સ્વરાજની લડતોના કાળમાં તેનો વિકાસ થયો. આ સંસ્થાઓનું વર્તમાન સ્વરૂપ સ્વરાજ આવ્યા પછીનાં 60 વર્ષ દરમિયાન ઘડાયેલું છે.

સ્થાનિક સ્વરાજના પ્રકાર : (1) શહેરી વિસ્તારની સંસ્થાઓ; જેમાં નગર પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ(મેગાસિટી)નો સમાવેશ થાય છે. (2) ગ્રામવિસ્તારની સંસ્થાઓને આવરી લેતી સ્થાનિક સંસ્થાઓમાં ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મુખ્ય છે. પ્રત્યેક એકમના સ્થાનિક પ્રશ્નો વિવિધ સ્વરૂપ ધરાવે છે તેમજ તેનો ઉકેલ સ્થાનિક લોકોની ઇચ્છા અને જરૂરિયાત મુજબ આવે તે ઇચ્છનીય અને હિતાવહ હોવાથી સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો જન્મ તેમજ વિકાસ થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની અગત્ય : મહાત્મા ગાંધીજીની સ્વરાજની કલ્પનામાં ગામડું જ હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યું છે. તેઓ માનતા કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીયતા જાળવવી હોય, બહુજનસમાજની શક્તિઓ અને તેનું કલ્યાણ થાય તેમ કરવું હોય, તો દેશમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. તેમણે કહ્યું હતું, ‘સત્તાનું કેન્દ્ર અત્યારે દિલ્હી, કોલકાતા કે મુંબઈ જેવાં મોટાં શહેરોમાં છે, મારું ચાલે તો હું સત્તાનાં એ કેન્દ્રોને ભારતનાં સાત લાખ ગામડાંઓમાં વહેંચી દઉં.’ આ સંદર્ભમાં નીચેના મુદ્દાઓ સ્થાનિક સ્વરાજની અગત્ય સ્પષ્ટ કરે છે :

(1) સત્તાનું વિકેન્દ્રીકરણ સિદ્ધ થાય છે. (2) સ્થાનિક પ્રજા જવાબદારીઓથી સભાન બને છે. (3) લોકશાહીની તાલીમશાળા પુરવાર થાય છે. (4) વહીવટી સુધારણાની પ્રયોગશાળા પુરવાર થાય છે. (5) વહીવટી ખર્ચમાં કરકસર થાય છે. (6) પ્રજા સ્થાનિક કાર્યોમાં રસ અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સતત જાગૃતિ આવે છે અને તે અંગે અનેક તકો નિર્માણ થાય છે. (7) નોકરશાહી/અમલદારશાહીનું વર્ચસ્ ઓછું થાય છે. (8) કેન્દ્રએકમ સરકારોનું કાર્યભારણ ઘટે છે. (9) લોકભાગીદારી વધે છે. લોકોના હાથમાં સત્તા આવે છે.

તેથી જ ટોકવીલે કહ્યું છે કે ‘સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તો સ્વતંત્ર રાષ્ટ્રોનું બળ છે. આવી સંસ્થાઓ મારફત પ્રજા અને પ્રજાસત્તાક સ્વતંત્રતાના શ્વાસોચ્છવાસ લે છે.’

આવી સંસ્થાઓ લોકશાહીના કલેવરમાં ચેતના કે પ્રાણ પૂરવાનું કાર્ય કરે છે અને લોકશાહીનાં મૂળિયાંને પાયાથી સીંચીને સતત ચેતનવંતાં અને ધબકતાં રાખે છે. પ્રા. લાસ્કીના આ શબ્દો સાચા પુરવાર થાય છે – ‘સરકારની બીજી કોઈ શાખા કરતાં સ્થાનિક સરકાર કદાચ સૌથી વધુ લોકશિક્ષણનું કામ કરે છે.’ આ સંસ્થાઓની અગત્ય સ્પષ્ટ કરતાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું છે કે ‘સ્થાનિક સ્વરાજ એ જ સાચા લોકશાહીતંત્રનો પાયો છે. જ્યાં સુધી લોકશાહીમાં સ્થાનિક સ્વશાસનને પૂરતી અગત્ય ન મળે ત્યાં સુધી દેશમાં લોકશાહીતંત્ર સફળ થઈ શકે નહિ.’

સ્થાનિક સ્વરાજનો ઉદભવ અને વિકાસ : પ્રાચીન સમયથી ગામડું ભારતના વહીવટી તંત્રનો સૌથી નાનો અને મહત્વનો એકમ છે. વેદો અને જાતકકથાઓમાં ઈ. પૂ. ચોથી અને પાંચમી સદીમાં તેની પ્રમાણભૂત માહિતી મળે છે. મહાભારતના શાંતિપર્વમાં ગ્રામ અને ઘોષનો ઉલ્લેખ જોવા મળે છે. આર્ય પ્રજાએ ભારતના સપ્તસિંધુ પ્રદેશમાં વસવાટ કરી જનપદો સ્થાપ્યાં હતાં. ઋગ્વેદમાં ગામના વડા તરીકે ચૂંટાતા ગ્રામણીનો ઉલ્લેખ થયેલ છે.

પંચાયતી રાજ્યના અભ્યાસી એસ. કે. ડે. લખે છે કે પ્રાચીન ભારતમાં પ્રત્યેક ગામડું એક નાનુંસરખું પ્રજાસત્તાક હતું. ગામનું શાસન પંચાયત દ્વારા ચાલતું. પંચાયત એટલે ગામના પ્રજાજનોએ પસંદ કરેલા પાંચ માણસો એકઠા થઈ ગામનો વહીવટ કરે તેવી વ્યવસ્થા. ગુપ્ત યુગમાં પંચાયતોએ વ્યવસ્થિત સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તે સમયે તે પંચાયતો અથવા પંચમંડળ તરીકે ઓળખાતી.

બ્રિટિશ સમય દરમિયાન તેનો કંઈક વિકાસ થયો. 1726માં ચાર્ટર ઍક્ટ દ્વારા મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં સુધરાઈની શરૂઆત થઈ હતી. 1793માં લોકપ્રતિનિધિઓની તેમાં નિયુક્તિ થઈ. લૉર્ડ મેયોની સરકારે 1870ના કાયદા દ્વારા પ્રાંતિક સરકારોને શિક્ષણ, દાક્તરી સારવાર, રસ્તાઓના બાંધકામ જેવા સ્થાનિક વહીવટના વિભાગોનો વહીવટ સોંપ્યો.

1871માં ચેન્નાઈ (મદ્રાસ), પંજાબ, બંગાળ, ઉત્તર પ્રદેશની પ્રાંતીય સરકારોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્થાપના અંગેના કાયદા ઘડ્યા.

1882માં લૉર્ડ રિપને એક ખરડા દ્વારા ભાવી સ્થાનિક સંસ્થાઓના સિદ્ધાંતો નક્કી કરી આપ્યા. આ ખરડાથી જ સાચા અર્થમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાનો શુભારંભ થયો. જેથી લૉર્ડ રિપનને સ્થાનિક સ્વરાજનો પિતા કહેવામાં આવે છે. મુંબઈમાં લોકલ બોર્ડનો નવો કાયદો અમલમાં આવ્યો. 1889માં મુંબઈ સરકારે કાયદો બનાવી ગામડામાં સ્વચ્છતા સમિતિ બોર્ડ રચવાની જોગવાઈ કરી.

1907માં નિમાયેલા રૉયલ કમિશને સ્થાનિક સંસ્થાઓના કાર્યક્ષેત્રના વિકેન્દ્રીકરણ અંગે વિસ્તૃત ભલામણો કરી. આના અનુસંધાને ભારત સરકારે 1915માં ઠરાવ કરીને સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કર્યા. 1919માં ભારતની મધ્યસ્થ સરકારે સ્થાનિક સ્વશાસનને પ્રાંતીય સરકારનો વિષય બનાવ્યો. પરિણામે કેટલાક પ્રાંતોએ પંચાયતોની સ્થાપના અંગેના ધારાઓ ઘડ્યા, જેમ કે 1920માં ‘ધી બૉમ્બે વિલેજ પંચાયતી ઍક્ટ’. 1935ના પ્રાંતીય સ્વાયત્તતાના કાયદાથી તેને વેગ આપવામાં આવ્યો.

ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો સમાવેશ થયો. ભારત સરકારે, ‘સામુદાયિક વિકાસ’ના નામાભિધાન સાથે વહીવટી માળખું ઊભું કર્યું. તેના અમલીકરણ અને ફલશ્રુતિના સંદર્ભમાં સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રાષ્ટ્રીય વિકાસ સમિતિએ 1956માં બળવંતરાય મહેતાના અધ્યક્ષપદ નીચે એક અભ્યાસજૂથની રચના કરી. તે સમિતિએ 1957માં પોતાનો અહેવાલ આપ્યો; જેમાં કેટલાક મૂળભૂત અને પાયાના સિદ્ધાંતો પર ભાર મુકાયો, જે લોકશાહી અને સત્તાના વિકેન્દ્રીકરણનો પાયો બન્યો. આમ ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ શબ્દ તેના પર્યાય રૂપે પ્રચલિત બન્યો, જે આજે પંચાયતી રાજ્ય શબ્દરૂપે ચલણી બન્યો છે. આ સમિતિએ ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ દ્વારા વહીવટી તંત્રમાં આમૂલ પરિવર્તન સૂચવતો એક ક્રાંતિકારી કાર્યક્રમ રજૂ કરેલો.

સ્થાનિક સ્વરાજના મૂલ્યાંકન માટે 1977માં અશોક મહેતા સમિતિ રચાયેલી. 1984માં પણ સી. એચ. હનુમંતરાવની અધ્યક્ષતામાં તે અંગે સમિતિ નિમાયેલી તેની ભલામણોના અનુસંધાને 1992માં 73મો અને 74મો બંધારણીય સુધારો કરીને સમગ્ર દેશમાં એકસરખા પંચાયતી તેમજ શહેરી સ્વશાસનની સંસ્થાઓ માટે જોગવાઈઓ કરવામાં આવી. સમગ્ર દેશમાં આ અંગેની એકસૂત્રતા જળવાય તે માટે ત્રિસ્તરીય માળખાનો સ્વીકાર કરવામાં આવ્યો. તેમાં (1) ગ્રામપંચાયત, (2) તાલુકા પંચાયત અને (3) જિલ્લા પંચાયત – પ્રત્યેક સ્તરના મહત્વના ઘટકો છે. દેશના બંધારણનો 73મો સુધારો સ્થાનિક સ્વરાજને સ્પર્શે છે. તેમાં આ સંસ્થાઓને વૈધાનિક દરજ્જો અને સ્થાન પ્રાપ્ત થાય તેમજ જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયતો – એમ દરેક સ્તરના વહીવટી એકમોને પૂરતા અધિકારો, સત્તાઓ, સાધનો ઉપલબ્ધ થાય તે જોવાનો છે. અપેક્ષિત દિશામાં આ સંસ્થાઓ સક્રિય બને તેવો મૂળ ઉદ્દેશ તેમાં રહેલો છે.

બલદેવ આગજા