સ્થાનિકીકરણ (localization) : કોઈ પણ સ્થળનું જુદાં જુદાં પરિબળોના સંદર્ભમાં મૂલવવામાં આવતું તેના સ્થાનની દૃષ્ટિએ ભૌગોલિક મહત્વ. મૂળભૂત રીતે આ મહત્વ બે પ્રકારે દર્શાવાય : (i) અક્ષાંશ–રેખાંશથી સ્થાનની ચોક્કસ જગા દર્શાવાય, (ii) નજીકનાં મુખ્ય સ્થળોના સંદર્ભમાં વિશેષ સ્થાન. પહેલા પ્રકારમાં સ્થાન પરત્વે આબોહવા, વનસ્પતિ અને માનવપ્રવૃત્તિઓનો સમાવેશ થાય; જ્યારે બીજા પ્રકારમાં જે તે પ્રદેશની આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય પરિસ્થિતિની માનવવસાહતો પર થતી અસરોનો સમાવેશ થાય.
જે તે સ્થળના સ્થાનિકીકરણમાં સમુદ્રકિનારાનું નજીકપણું પણ મહત્વનો ભાગ ભજવે છે. જો અન્ય પરિબળો અનુકૂળ હોય તો સમુદ્રકિનારે આવેલાં સ્થળોમાં આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય વિકાસ થતો જાય છે. દા. ત., ગ્રેટ બ્રિટન. સમગ્ર ગ્રેટ બ્રિટનમાં સમુદ્રકિનારો નજીક હોવાથી ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ પછી મહાસાગરો પર પ્રભુત્વ સાધી શકાયું, જેથી તેનો ઔદ્યોગિક વિકાસ થઈ શક્યો. ગ્રેટ બ્રિટને આ માટે પોતાનાં બજારો ઊભાં કર્યાં, સંસ્થાનો પણ સ્થાપ્યાં. વળી આવું સ્થાન સાંસ્કૃતિક વિનિમય માટે પણ ઉપયોગી નીવડે છે. પ્રાકૃતિક સ્થાન ઉપરાંત માનવસમાજના આર્થિક વિકાસ માટે વૈજ્ઞાનિક શોધો પણ ઉપયોગી બની રહે છે, જે દ્વારા માનવ પ્રાકૃતિક મર્યાદાનો નિકાલ લાવી શકે છે; જેમ કે રશિયાને મળેલો ઉત્તર તરફનો લાંબો, હિમાચ્છાદિત સમુદ્રકિનારો તેને ઘણા સમય સુધી આર્થિક વિકાસમાં અવરોધરૂપ બની રહેલો; પરંતુ આધુનિક વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગથી તેના મોટા ભાગના અવરોધો દૂર થઈ શક્યા. એ જ રીતે, અંતરિયાળ ભાગમાં આવેલા મોસ્કોને નહેરો દ્વારા સાંકળી લઈને પાંચ સમુદ્રોનું બંદર બનાવી શકાયું. આ જ પ્રમાણે બ્રિટન–ફ્રાન્સ વચ્ચેની ઇંગ્લિશ ખાડીના તળિયા હેઠળ લાંબું બોગદું બનાવીને લંડન–પૅરિસ વચ્ચે પરિવહનનો માર્ગ નિર્માણ કરાયો છે. આમ વૈજ્ઞાનિક સાધનોની મદદથી પ્રાકૃતિક અવરોધો દૂર થયા છે.
કોઈ પણ સ્થળ જો દુનિયાના મુખ્ય પરિવહન માર્ગ પર આવેલું હોય, તો તેની મહત્વની અસર ત્યાંના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ પર તેમજ રાજકીય પરિસ્થિતિ પર પણ પડે છે. ભારત દક્ષિણ એશિયામાં કેન્દ્રસ્થાને છે, તેની ત્રણે બાજુ જળમાર્ગ આવેલા હોવાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ મળે છે. વળી, અરબી સમુદ્ર નજીક સુએઝ જળમાર્ગ આવેલો હોવાથી યુરોપ અને અમેરિકા સાથે વેપાર વધ્યો છે. આ ઉપરાંત, વિશ્વના મોટા ભાગના હવાઈમાર્ગો ભારતની આકાશી સરહદ પરથી પસાર થતા હોવાથી હવાઈ યુગમાં ભારતનું સ્થાન ઘણું મહત્વનું બની રહ્યું છે.
સમુદ્રકિનારાનું સામીપ્ય અને પરિવહનના માર્ગની જેમ પહાડીઘાટ પણ સ્થળના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવે છે. અવરજવર માટે સ્થળમાર્ગનું તે મુખ્ય કેન્દ્ર બને છે. ખૈબરઘાટ આ માટેનું ઉદાહરણ ગણાય. અફઘાનિસ્તાન ખૈબરઘાટ મારફતે ભારત અને એશિયાના કેટલાક દેશો સાથે જોડાયેલું છે, તે પોતાના ભૂમિમાર્ગનો વેપાર ખૈબરઘાટ મારફતે જ કરે છે. આ માર્ગ તેમજ સ્થાનને કારણે તેને રાજકીય એકમ તરીકેનું મહત્વનું સ્થાન મળ્યું છે તથા તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વધ્યું છે.
સમુદ્રકિનારા નજીકના સ્થળના સ્થાનિકીકરણની જેમ જે સ્થળનું કુદરતી ખનિજસંપત્તિની નજીક સ્થાનિકીકરણ થયું હોય તેવા સ્થળનો આર્થિક વિકાસ અને રાજકીય મહત્વ વધ્યાં હોય છે. સાઉદી અરબસ્તાન રણવિસ્તારમાં આવેલું હોવા છતાં, તે ખનિજતેલથી સમૃદ્ધ હોવાને કારણે તેનો આર્થિક વિકાસ વધુ ઝડપથી થયો છે; આ કારણે આજે વિશ્વમાં ‘પેટ્રોલિયમ પૉલિટિક્સ’નું એક વિશિષ્ટ મહત્વ ઊભું થયું છે. યુરોપના દેશોનું મહત્વ તેના લોખંડ-પોલાદનાં ખનિજક્ષેત્રોને કારણે છે; એ રીતે ભારતમાં જમશેદપુરનું સ્થાનિકીકરણ પણ એટલું જ મહત્વ ધરાવે છે.
સ્થળના સ્થાનિકીકરણ અને વિકાસમાં તેની જમીનના પ્રકારો પણ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે પહાડી પ્રદેશમાં અને રણપ્રદેશમાં આવેલાં સ્થળોનો વિકાસ નહિવત્ રહે છે; જ્યારે પ્રેરી પ્રકારની જમીનવાળાં સ્થળો ખેત-ઉદ્યોગના સંદર્ભમાં વધુ વિકાસ સાધી શકે છે. આવી જમીનો ઉત્તર અમેરિકાનાં રાજ્યોમાં તથા ઉત્તર આર્જેન્ટિના જેવા દેશોમાં જોવા મળે છે. કાળી જમીનો કપાસની ખેતી માટે અનુકૂળ હોવાથી ત્યાં સુતરાઉ કાપડના ઉદ્યોગના વિકાસની તક વધુ રહે છે.
નદીકિનારા નજીકના પ્રદેશનું સ્થાનિકીકરણ પણ તે સ્થળના આર્થિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપે છે. જર્મનીના વિકાસમાં ફાળો આપનાર ઔદ્યોગિક મથકો રહાઈન નદીના કિનારે આવેલાં છે. રણવિસ્તારમાંથી પસાર થતી નદીઓના પ્રદેશોમાં પણ આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ થયો છે, જેમ કે સિંધુ સંસ્કૃતિ સિંધુ નદીને કાંઠે અને મિસરની સંસ્કૃતિ નાઈલ નદીને કાંઠે વિકસેલી.
જે તે સ્થળના સ્થાનિકીકરણમાં તેની સીમાસરહદો પણ અગત્યનો ભાગ ભજવે છે; તેની અસરો મહદ્અંશે રાજકીય હોય છે. જે દેશને અન્ય દેશોની ઓછી સીમા પ્રાપ્ત થતી હોય, તેનો વિકાસ ઝડપી હોય છે, જ્યારે વધુ દેશોની સીમાવાળા પ્રદેશોનો વિકાસ રુંધાતો હોય છે; કારણ કે એવા પ્રદેશને સીમા-સમસ્યાના ઉકેલ માટે લશ્કરી ખર્ચ ઉઠાવવો પડતો હોય છે. ભારતને ઘણા દેશોની સીમા મળેલી છે, જ્યારે અમેરિકાને માત્ર કૅનેડા અને મૅક્સિકોની જ સીમા મળેલી હોવાથી તેના પ્રશ્નો મર્યાદિત છે. આ જ રીતે જે દેશની સીમાએ કોઈ સમૃદ્ધ દેશ આવેલો હોય તો તેનો વિકાસ રુંધાય છે, આથી ઊલટું, જે દેશની સીમા પર વિકાસશીલ કે અલ્પવિકસિત દેશ આવેલો હોય તો તેના વિકાસની શક્યતાઓ વધી જાય છે. આ જ પ્રમાણે એકસરખી વિચારસરણી ધરાવતા પડોશી દેશોની પ્રત્યેકની વિકાસની શક્યતાઓ વધુ રહે છે. વિરુદ્ધ વિચારસરણી ધરાવતા દેશોના વિકાસની તકો ઘટી જાય છે. કોઈ વિશાળ રાજ્યની વચ્ચે એક નાનકડું રાજ્ય આવેલું હોય, તે બફર રાજ્ય હોય, તો તેનું રાજકીય મહત્વ વધી જાય છે. અફઘાનિસ્તાન અને નેપાળ આવાં બફર રાજ્યો છે. આવાં રાજ્યો બે વિશાળ રાજ્યોને અલગ રાખી શકે છે. આવાં રાજ્યો પોતાની સ્વતંત્રતા ટકાવવા સક્ષમ બની જાય તો તે પછી બફર રાજ્ય રહેતાં નથી.
રક્ષણાત્મક દૃષ્ટિએ પણ સ્થળનું એક આગવું મહત્વ અંકાય છે. અશાંતિના સમયમાં પોતાના દેશમાંનાં ઔદ્યોગિક કેન્દ્રોને નુકસાન ન પહોંચે એ દૃષ્ટિએ એવાં મથકોને દેશના અંતરિયાળ ભાગમાં રાખવામાં આવે છે; તેની આજુબાજુ ગૂંથણી રૂપે પરિવહન અને સંદેશાવ્યવહારના માર્ગોનું નિર્માણ કરાય છે. સ્વીડન જેવા નાના દેશે રક્ષણાત્મક દૃષ્ટિએ પોતાના ઉદ્યોગોનું સ્થાનિકીકરણ ભૂમિભાગોની હેઠળ કર્યું છે.
વાણિજ્ય અને નૌકાદળના વ્યૂહાત્મક દૃષ્ટિબિંદુથી સામુદ્રધુની પર આવેલાં સ્થળોનું મહત્વ વિશેષ રહે છે. જિબ્રાલ્ટર, ડોબર અને મલાક્કાની સામુદ્રધુનીઓનો મુક્તપણે ઉપયોગ કરવા મહાસત્તાઓ ખૂબ આતુર છે.
આમ સમગ્ર રીતે જોતાં, જે તે સ્થળનાં અક્ષાંશ-રેખાંશ, સમુદ્રથી અંતર, ભૂપૃષ્ઠનો પ્રકાર તેમજ સમુદ્રસપાટીથી ઊંચાઈ, ખનિજસંપત્તિ, નદીતટ કે સમુદ્રતટ જેવાં ભૌગોલિક પરિબળો તેમજ આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય વગેરે વ્યૂહાત્મક પરિબળો સ્થાનિકીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે.
નીતિન કોઠારી