સ્થળવર્ણન-નકશા (topographical maps)

January, 2009

સ્થળવર્ણન-નકશા (topographical maps) : સપાટી-લક્ષણોનું આલેખન અથવા આકારિકી વર્ણન. ભૂપૃષ્ઠ પરનાં કુદરતી રીતે તૈયાર થયેલાં ભૂમિસ્વરૂપો અને માનવસર્જિત લક્ષણોની સમજ આપતું આલેખન. ઊંચાણનીચાણની આકારિકીવાળાં ટેકરીઓ, ડુંગરધારો, ઉચ્ચ સપાટ પ્રદેશો, પર્વતો, મેદાનો, ખીણપ્રદેશો અને થાળાં; જળવહેંચણીવાળાં કળણભૂમિ, પંકભૂમિ, ધારાપ્રવાહો, ઝરણાં, નદીઓ, તળાવો, સરોવરો, ખાડીસરોવરો, ખાડીઓ, ત્રિકોણપ્રદેશો, નદીનાળપ્રદેશો, અખાતો, ઉપસાગરો, સમુદ્રો અને મહાસાગરો; માનવસર્જિત લક્ષણોમાં વસાહતો, ગામડાં, નગરો, શહેરો, વાહનવ્યવહારના માર્ગો, વીજમાર્ગો, પુલો, બોગદાં, બંધ, ખેતરો, બાગબગીચાઓ, ખાણો તેમજ અન્ય સંકલિત વિગતોનો ‘સ્થળવર્ણન’ શબ્દ હેઠળ સમાવેશ કરવામાં આવે છે. આ લક્ષણોનાં આકાર અને અર્થઘટન આપતી માહિતીવાળાં રેખાચિત્રો કે નકશાઓને પણ આ શબ્દ હેઠળ આવરી લઈ શકાય.

સ્થળદૃશ્યસર્વેક્ષણ અને સ્થળવર્ણનનકશા (topographical survey and topographical maps) : કોઈ પણ વિસ્તારનાં સપાટી-લક્ષણો અને તેમની આકારિકીનું માપન એટલે સર્વેક્ષણ, તેમનાં આલેખન દ્વારા થતી રજૂઆત એટલે સ્થળવર્ણન-નકશા. સ્થળવર્ણન-નકશા એ અન્ય નકશાઓની જેમ, સપાટી પરનાં ત્રિપરિમાણી લક્ષણોનું ચોક્કસ પ્રમાણમાપની મદદથી કાગળની દ્વિપરિમાણી સપાટી પર દોરેલું આલેખન છે. આ માટે ભૂમિ પર નિયત કરેલાં સ્થાનો પરથી સર્વેક્ષણની મદદથી ઊંચાણનીચાણના વિવિધ આકારોનું આલેખન કરવામાં આવે છે. આલેખન રૂઢ સંજ્ઞાઓથી દર્શાવાય છે. ઊંચાણનીચાણ કથ્થાઈ રંગથી, જળપરિવાહ વાદળી રંગથી અને સાંસ્કૃતિક લક્ષણો કાળા રંગથી બતાવાય છે, જોકે આ પ્રણાલીમાં આવશ્યકતા મુજબ ફેરફાર કરી શકાય છે, બધા જ નકશાઓમાં તે જાળવી શકાતી નથી.

કોઈ પણ પ્રદેશના જુદા જુદા વિસ્તારનાં પર્વતો, ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો, નદીઓ, સરોવરો, સમુદ્રો કે મહાસાગરો જેવી કુદરતી માહિતી તથા શહેરો કે ગામડાં, વાહનવ્યવહારના માર્ગો, ધાર્મિક સ્થળો, પોસ્ટ-ઑફિસ કે પોલીસ-સ્ટેશન વગેરે જેવી માનવનિર્મિત માહિતી દર્શાવવા માટે 1 સેમી. : 1 કિમી. કે એથી પણ મોટા પ્રમાણમાપથી તૈયાર કરવામાં આવેલા નકશાને સ્થળવર્ણન-નકશો કહે છે. સામાન્ય રીતે ઉપર દર્શાવેલાં લક્ષણોને સમોચ્ચવૃત્ત અને યોગ્ય રૂઢ સંજ્ઞાઓની મદદથી તેમાં આવરી લેવાય છે. આ પ્રમાણે દુનિયાના દરેક દેશના જુદા જુદા બધા જ ભાગોના સ્થળવર્ણન-નકશા તૈયાર થાય છે. દરેક દેશનું સર્વેક્ષણ ખાતું આ પ્રકારના નકશા તૈયાર કરે છે. દહેરાદૂન ખાતેનું ભારતનું સર્વેક્ષણ ખાતું (Survey of India) ભારત અને નજીકના વિસ્તારોના નકશા તૈયાર કરે છે. ભારતના સ્થળવર્ણન-નકશા તૈયાર કરવા માટે તેના સમગ્ર વિસ્તારને 4° અક્ષાંશ × 4° રેખાંશ એ પ્રમાણેના એકસરખા ભાગોમાં વહેંચેલો છે. અભ્યાસની સરળતા માટે ભારત અને તેની આજુબાજુના વિસ્તારને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 1થી 136 સુધીના સૂચકાંકો (index numbers) આપવામાં આવેલા છે. આવા પ્રત્યેક અંકને Aથી P સુધીના સોળ સરખા ભાગોમાં અને એવા પ્રત્યેક ઉપવિભાગને ફરીથી 1થી 16 સુધીના સોળ સરખા પેટાવિભાગોમાં વહેંચી નાખવામાં આવેલો છે. આ પદ્ધતિ મુજબ પ્રત્યેક ઉપવિભાગ 1° અક્ષાંશ × 1° રેખાંશનો અને પ્રત્યેક પેટાવિભાગ 15´ અક્ષાંશ × 15´ રેખાંશનો વિસ્તાર આવરી લે છે; દા. ત., એક પેટાવિભાગ દર્શાવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ગુજરાતનો બાકીનો મોટા ભાગનો વિસ્તાર 46 સૂચકાંકમાં સમાયેલો છે. સૂચકાંક, વિભાગો અને પેટાવિભાગોની વહેંચણી નીચેની આકૃતિઓ પરથી સ્પષ્ટ બને છે :

આ પદ્ધતિ મુજબ ભારતના તમામ વિસ્તારોના સ્થળવર્ણન-નકશા 1 સેમી : 1 કિમી અથવા 1 : 1,00,000; 2 સેમી : 1 કિમી. અથવા 1 : 50,000 જેવા પ્રમાણમાપમાં ભારતીય સર્વેક્ષણ ખાતા તરફથી પ્રગટ કરવામાં આવેલા છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબના 40થી 92 સુધીના ગાળાના જુદા જુદા સૂચકાંકો (Index Numbers) ભારતનો તમામ વિસ્તાર આવરી લે છે. (સ્થળવર્ણન-નકશાકાર્યમાં દેશભેદે પ્રમાણમાપ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. ભારતમાં ઉપર દર્શાવ્યા મુજબનાં પ્રમાણમાપ; યુ.એસ.માં 1 : 5,00,000 મુજબનાં પ્રમાણમાપ; જ્યારે રશિયામાં 1 : 10,00,000 મુજબનાં પ્રમાણમાપ સામાન્યત: ઉપયોગમાં લેવાય છે.)

નકશાઓ માટેનાં પ્રમાણમાપની પસંદગી : પ્રમાણમાપની પસંદગી સ્થળવર્ણન-નકશાકાર્યનું ઘણું અગત્યનું અંગ ગણાય છે. નાના પ્રમાણમાપથી બનતા નકશા (small scale maps) વધુ વિસ્તાર અને ઓછી માહિતીને, જ્યારે મોટા પ્રમાણમાપથી બનતા નકશા (large scale maps) ઓછા વિસ્તાર અને વધુ માહિતીને આવરી લે છે. સમોચ્ચવૃત્ત રેખાઓના ઓછાવત્તા તફાવતનો મુદ્દો પણ અહીં મહત્વનો બની રહે છે.

લશ્કરી નકશાઓનાં પ્રમાણમાપ : લશ્કરી વ્યૂહાત્મક હેતુઓ માટે અથવા નવા ધોરી માર્ગોના પથની પસંદગી માટે લેવાતાં ક્ષિતિજસમાંતર પ્રમાણમાપ 1 સેમી : 0.5 કિમી.થી માંડીને 1 સેમી : 2 કિમી. જેટલાં રાખવાથી તેમજ સમોચ્ચવૃત્ત તફાવત 3થી 15 મીટર જેટલો રાખવાથી અનુકૂળતા રહે છે. આ પ્રમાણેનાં પ્રમાણમાપ મુજબના નકશાના અભ્યાસ પરથી લશ્કરી ટુકડીઓને દુશ્મનોની નજરથી ક્યાં છુપાવવી તે માટેનાં યોગ્ય સ્થાનો અને માર્ગો બાંધવા માટે નદીઓ કે ટેકરીઓ પરનાં સ્થાનો પસંદ કરવાનું આયોજન કરી શકાય છે.

ઇજનેરી નકશાઓનાં પ્રમાણમાપ : રાષ્ટ્રીય ધોરી માર્ગોના આયોજન માટે તેમજ વિવિધ ઇજનેરી-બાંધકામોની ભાત અને પ્રકાર (design and type) નક્કી કરવા માટે મોટા પ્રમાણમાપવાળા અને ઓછા તફાવતે દોરાયેલા સમોચ્ચવૃત્તવાળા નકશા જરૂરી બને છે; જેમ કે 1 સેમી : 5 મીટર પ્રમાણમાપ અને 30 સેમી.નો સમોચ્ચવૃત્ત તફાવત વધુ અનુકૂળ પડે છે. આ પ્રકારના નકશામાં દરેક વૃક્ષ, મકાન, વાડ, કેડી, ખેડેલાં ખેતર વગેરે જેવાં પ્રત્યેક લક્ષણ આવરી લઈ શકાય છે.

નકશાવાચન (map reading) : કોઈ પણ વિસ્તારના સ્થળવર્ણન-નકશાનું કે તેના કોઈ પણ ભાગનું માહિતીપ્રદ વર્ણન તેમજ અર્થઘટન નીચેના મુદ્દાઓને અનુલક્ષીને કરવામાં આવે છે :

1. નકશાનો નંબર : (સૂચકાંક, વિભાગ, પેટાવિભાગ)

2. પ્રમાણમાપ : (i) શબ્દપદ્ધતિ, (ii) પ્રમાણગુણક (iii) આલેખ-પદ્ધતિ.

3. સ્થાન : અક્ષાંશ-રેખાંશ, ચુંબકીય વિચલન (દિક્ક્ષતિ).

4. ભૂમિસ્વરૂપો : પર્વતો, ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો વગેરેનું તેમની ઉપસ્થિતિ સહિત વિસ્તૃત વર્ણન.

5. જળપરિવાહ : જળસ્વરૂપોનું તેમનાં દિશા, સ્થાન સહિત વર્ણન.

6. ખેતી, વનસ્પતિ, જંગલો, ખાણો વગેરેનું વર્ણન.

7. વ્યવહારમાર્ગો : કેડીઓ, કાચા-પાકા માર્ગો, રેલમાર્ગો, હવાઈ મથક વગેરેનાં સ્થાન, દિશા સહિત વર્ણન.

8. સાંસ્કૃતિક માહિતી : ગામડાં, શહેરો, વસાહતો, તેમની વસ્તી, ગોઠવણી, ધાર્મિક સ્થાનો અને અન્ય સુવિધાઓનું વર્ણન.

9. ઉપસંહાર : જરૂરી અર્થઘટન.

સ્થળવર્ણનનકશાની દિકસ્થિતિ (map-orientation) : સ્થળવર્ણન-નકશાની મદદથી જ્યારે કોઈ પણ વિસ્તારનો અભ્યાસ કરવો હોય ત્યારે સર્વપ્રથમ નકશાની દિકસ્થિતિ ગોઠવવામાં આવે છે. નકશામાં ઉત્તર દિશા તેમાં આપેલા અક્ષાંશ-રેખાંશની મદદથી જાણી શકાય છે; પરંતુ જે તે સ્થાનની ઉત્તર દિશા નક્કી કરવી આવશ્યક બને છે. સામાન્ય રીતે ઉત્તર દિશા હોકાયંત્રની મદદથી શોધવામાં આવે છે; પરંતુ તે ચુંબકીય ઉત્તર દિશા દર્શાવે છે. ચુંબકીય ઉત્તર દિશા હંમેશાં ભૌગોલિક ઉત્તર દિશા સાથે સંપૂર્ણપણે એકરૂપ થતી હોતી નથી. તે ભૌગોલિક ઉત્તર દિશાથી પૂર્વ કે પશ્ચિમ તરફ મિનિટ કે સેકંડના તફાવતમાં આવેલી હોય છે. ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચેના ખૂણાને ચુંબકીય વિચલન કે ચુંબકીય દિક્ક્ષતિ કહે છે. દરેક નકશામાં ચુંબકીય વિચલન દર્શાવેલું હોય છે. જો ચુંબકીય વિચલન પૂર્વ/પશ્ચિમ તરફી દર્શાવેલું હોય તો ભૌગોલિક ઉત્તર તેટલા પ્રમાણમાં પશ્ચિમ/પૂર્વ તરફનું ગણીને નકશાનું દિક્સ્થાપન કરવાનું રહે છે. ત્યાર પછી જ નકશા પર આપેલી સ્થાનિક વિગતોનો અભ્યાસ શરૂ કરવામાં આવે છે.

સ્થળવર્ણનનકશાનું મહત્વ : દરેક વ્યક્તિ માટે દુનિયાના વિસ્તારોનો પ્રવાસ કરી ભૌગોલિક માહિતીથી વાકેફ થવું શક્ય હોતું નથી; પરંતુ દુનિયાના જુદા જુદા પ્રદેશોની પ્રાકૃતિક રચના, ભૂસ્તરરચના, ઊંચાણની જાણ, આબોહવા, આર્થિક પેદાશો(ખેતીની, જંગલની, ખનિજ તેમજ ઔદ્યોગિક)ની વહેંચણી, માનવવસ્તી અને વનસ્પતિની વહેંચણી જેવી ભૌગોલિક માહિતી જાણવાનું આ નકશાઓ દ્વારા સરળ બની જાય છે. આ ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ સ્થળવર્ણન-નકશા દ્વારા તે સ્થાનના ભૂમિઆકારો, જળપરિવાહ-જળવહેંચણી, વ્યવહારમાર્ગો વગેરે જેવી ઉપયોગી માહિતીનું તારણ મેળવી શકે છે. સ્થળવર્ણન-નકશા લગભગ બધા જ પ્રકારની માહિતી પૂરી પાડતા હોવાથી લશ્કરી ઉપયોગ માટે પણ ઘણા જ મહત્વના બની રહે છે.

વ્રિજવિહારી દી. દવે

ગિરીશભાઈ પંડ્યા