સ્થળદૃશ્ય ‘ઇન્સેલબર્ગ’ (Inselberg landscape)

January, 2009

સ્થળદૃશ્ય ‘ઇન્સેલબર્ગ’ (Inselberg landscape) : એક પ્રકારનું ઘસારાજન્ય ભૂમિલક્ષણ. શુષ્ક, અર્ધશુષ્ક વિસ્તારો કે જ્યાં વર્ષાપ્રમાણ ઓછું હોય, બાષ્પીભવન વધુ અને ઝડપી હોય તથા વનસ્પતિપ્રમાણ નહિવત્ હોય ત્યાં ઘસારાનાં પરિબળો વધુ વેગથી કાર્યશીલ રહેતાં હોય છે. આવા પ્રદેશોમાં ઘસારાજન્ય ભૂમિલક્ષણો તૈયાર થવા માટે અનુકૂળતા ઊભી થાય છે. શુષ્ક આબોહવા, સૂસવાતા પવનો અને ભૌતિક વિભંજન જેવાં પરિબળો એકસામટાં અને એકધારાં કાર્યરત રહી સ્થાન-સંજોગભેદે પંખાકાર કાંપ, બજાડા, ખરાબાની ભૂમિ, બૂટે, મેસા, વાયુઉત્ખાત, રણનો સપાટ ભૂમિપ્રકાર, હમાડા, ઇન્સેલબર્ગ, પેડિમેન્ટ વગેરે જેવાં પ્રકારભેદવાળાં વિવિધ ભૂપૃષ્ઠલક્ષણો તૈયાર કરે છે.

‘ઇન્સેલબર્ગ’ નામે ઓળખાતું સ્થળદૃશ્ય ઉપર્યુક્ત પ્રકારો પૈકીનું એક છે. અફાટ મેદાની વિસ્તારની વચ્ચે ક્યાંક એકલું-અટૂલું ટેકરીજૂથ ઘસારાનો પ્રતિકાર કરીને અવશિષ્ટ રહી ગયું હોય તેને ઇન્સેલબર્ગ તરીકે ઓળખાવાય છે. તે એકાકી ટેકરી પણ હોઈ શકે. આજુબાજુના તેના સીધા ઢોળાવને કારણે સપાટ રણભૂમિમાં તે અલગ પડી આવે છે. આવાં સ્થળદૃશ્ય વિશેષે કરીને આફ્રિકામાં જોવા મળે છે. આ પ્રકારનાં ભૂમિસ્વરૂપો વનસ્પતિવિહીન અને ખરબચડી સપાટીના લક્ષણવાળાં હોય છે. તેમની ચારે તરફ ઘસારાજન્ય મેદાની વિસ્તાર પથરાયેલો હોય છે. વાસ્તવિક અર્થમાં તે એવા સપાટ વિસ્તારો હોય છે જે ધોવાણની સમભૂમિ(peneplain)નાં મેદાનોથી જુદાં પડી આવે છે. કાંપજન્ય નિક્ષેપ દ્વારા જે ભૂમિસ્વરૂપ(ટેકરી કે પર્વત)નો મોટો ભાગ દટાઈ ગયો હોય અને શિખર ભાગ ખુલ્લો રહેલો હોય તેને પણ ઇન્સેલબર્ગ કહેવાય.

ભારતમાં જોવા મળતી જૂની વયની ભૂસંચલનકૃત પર્વતમાળાઓનું તેમની સમભૂમિ સુધી ધોવાણ થવાથી અને અનુગામી ઊર્ધ્વગમન પામવાથી ઘસારાના ઉચ્ચ સપાટ પ્રદેશોમાં પરિણમેલી છે. આવા ઉચ્ચપ્રદેશોમાં તેમના બાહ્ય આકારો અને ભૂસ્તરીય રચના વચ્ચે જરા પણ સામ્ય દેખાતું નથી. રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં જોવા મળતાં ઘસારાના ઉચ્ચપ્રદેશો કે ધોવાણનાં મેદાનો તેનાં ઉદાહરણો છે. અન્ય ઉદાહરણો તરીકે પાકિસ્તાનના પોટવારના ઉચ્ચ સપાટ પ્રદેશના ભાગો લઈ શકાય. રાંચીના ઉચ્ચ સપાટ પ્રદેશમાં પરિધોવાણને કારણે અલગ પડી ગયેલી છૂટીછવાઈ ઘસારો પામેલી થોડી ઘણી ટેકરીઓ (જે ઇન્સેલબર્ગ કહેવાય) સાથેના ધોવાણની સમભૂમિમાં પરિણમેલા વિસ્તારો આવેલા છે. પારસનાથની ટેકરી અને દક્ષિણ છોટાનાગપુરનાં અનેક છૂટાંછવાયાં ઊંચાણવાળાં સ્થળોએ ધોવાણની સમભૂમિવાળા ઉચ્ચ સપાટ પ્રદેશોના વિસ્તાર ઉપર તરી આવતા ભાગો આ પ્રકારના ઇન્સેલબર્ગનાં યોગ્ય ઉદાહરણો છે. આસામના ઉચ્ચ સપાટ પ્રદેશને ઘસારાના ઉચ્ચ સપાટ પ્રદેશ તરીકે જ ગણવો જોઈએ, જે આંતરે આંતરે આવેલી રાજમહાલની ટેકરીઓ દ્વારા જોડાયેલો, છૂટો પડી ગયેલો, દ્વીપકલ્પનો જ બહાર આવેલો ટુકડો છે. ટર્શ્યરીના પ્રારંભ કાળથી તે કંઈક અંશે ખંડનિર્માણ ઊર્ધ્વગમન પામેલો છે.

ગિરીશભાઈ પંડ્યા