સ્ત્રીશિક્ષણ : સ્ત્રીઓમાં શાલેય અથવા ઔપચારિક શિક્ષણનો વ્યાપ. ભારતીય સમાજના વિકાસને અવરોધતી વિવિધ સમસ્યાઓ પૈકીની એક સમસ્યા સ્ત્રીશિક્ષણ અંગેની છે. છેલ્લી વસ્તીગણતરીના આંકડાઓ અનુસાર વર્ષ 2001માં ભારતમાં સ્ત્રીસાક્ષરતાનો દર 54.16 % હતો. આઝાદીનાં 60 વર્ષ પછી પણ ભારતમાં 23 કરોડ સ્ત્રીઓ નિરક્ષર છે. હજુ પણ પછાત જ્ઞાતિઓની સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. સ્ત્રીશિક્ષણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ નોંધપાત્ર પ્રયાસો કર્યા હોવા છતાં સ્ત્રીશિક્ષણ અપેક્ષા અનુસાર નથી.

ઇતિહાસ ઉપર દૃષ્ટિપાત કરીએ તો વૈદિક યુગમાં ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોના શિક્ષણ વચ્ચે કોઈ ભેદ ન હતો. સ્ત્રીઓ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકતી હતી. છોકરાઓ અને છોકરીઓને ભેદભાવ વિના ઉપનયન-સંસ્કાર આપવામાં આવતા હતા. શિક્ષિત સ્ત્રી બ્રહ્મવાદિની ગણાતી હતી. રામનાં માતા કૌશલ્યા, બલિની પત્ની તારા, પાંડવપત્ની દ્રૌપદી વિદુષી ગણાતાં હતાં. છોકરા અને છોકરી બંનેને વેદોના શિક્ષણનો અધિકાર હતો. વૈદિક યુગમાં कन्येयं कुलजीवितम् – ‘પુત્રી કુટુંબનું જીવન છે’ એવું દૃઢપણે માનવામાં આવતું હતું. અથર્વવેદમાં જણાવાયું છે કે ब्रह्मचर्येण कन्या युवानं विन्दते पतिम् —  એટલે કે બ્રહ્મની ચર્યા વડે કન્યા સારો પતિ પ્રાપ્ત કરે છે.

શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે થયેલા વાદ-વિવાદમાં નિર્ણાયકની ભૂમિકા મંડનમિશ્રનાં પત્ની સરસ્વતીએ નિભાવી હતી. યાજ્ઞવલ્ક્ય સાથે વાદ-વિવાદ કરનાર ગાર્ગી એક વિદુષી નારી હતી. વૈદિક યુગમાં બ્રહ્મચર્યકાળ પહેલાં કન્યાઓનાં લગ્ન કરાવવામાં આવતાં ન હતાં. સ્ત્રીઓ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકતી હતી. સ્ત્રીઓને શિક્ષણ માટે પૂર્ણ તકો ઉપલબ્ધ હતી. બૃહદારણ્ય ઉપનિષદમાં જણાવાયું છે કે अथ च इच्छेद दुहिमा मे पंडिता जायेत् सर्वमा चुरियात् —  પિતા પોતાની પુત્રી ઉચ્ચ શિક્ષણ મેળવે એવું ઇચ્છતા.

સ્ત્રીશિક્ષણની પડતીનો આરંભ ઈ. પૂ. 500 વર્ષ પહેલાં થયો. પુરાણોની પ્રબળ અસર હેઠળ જ્ઞાતિબંધનો જડ બન્યાં. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ગૌણ લેખાવા માંડ્યું. સ્ત્રીશિક્ષણનું મહત્વ ઘટવાનો આરંભ થયો.

આ પછી મુસ્લિમ શાસન હેઠળ સ્ત્રીશિક્ષણ નોંધપાત્ર રીતે ઘટ્યું. પરદાપ્રથા, વૈધવ્ય અને બાળલગ્ન જેવા કુરિવાજો પ્રવેશ્યા. બાળકીને દૂધપીતી કરવી, સ્ત્રીએ પતિ પાછળ સતી થવું જેવાં દૂષણો સમાજમાં પ્રવેશ્યાં. મુસ્લિમ શાસનકાળ સમગ્ર શિક્ષણ માટે અંધકાર યુગ હતો. આ સમયગાળા દરમિયાન સ્ત્રીશિક્ષણ અતિ નિમ્ન કક્ષાએ પહોંચ્યું.

ભારતમાં આધુનિક શિક્ષણનો પ્રારંભ અંગ્રેજ શાસનકાળ દરમિયાન પાદરીઓ દ્વારા થયો. સ્ત્રીશિક્ષણનો આરંભ પણ પાદરીઓ દ્વારા જ થયો. અમેરિકન મિશનરી સોસાયટીએ ઈ. સ. 1824માં સૌપ્રથમ મુંબઈમાં કન્યાશાળા શરૂ કરી. આ પછી ઈ. સ. 1826માં પાદરીઓ દ્વારા અન્ય પાંચ કન્યાશાળાઓ શરૂ કરવામાં આવી. જોકે તેનો લાભ માત્ર ઉચ્ચ વર્ણની હિન્દુ કન્યાઓએ જ લીધો. આમ તો ઈસ્ટ ઇંડિયા કંપનીનું શિક્ષણ માટેનું વલણ ઉત્સાહજનક ન હતું; પરંતુ કંપની સરકારે શિક્ષણ માટે જે કાંઈ પ્રયાસો કર્યા તેમાં સ્ત્રીશિક્ષણ માટે પણ થોડા પ્રયાસો કર્યા હતા. વર્ષ 1850માં કંપની સરકારે કન્યાઓનાં શિક્ષણ માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

ભારતમાં વર્ષ 1857માં મુંબઈ, મદ્રાસ (ચેન્નાઈ) અને કલકત્તા(કૉલકાતા)માં એક એક યુનિવર્સિટીની સ્થાપના થઈ; પરંતુ ઉચ્ચ શિક્ષણમાં સૌપ્રથમ કન્યા 1877માં કોલકાતા યુનિવર્સિટીમાં દાખલ થઈ. મદ્રાસ યુનિવર્સિટીમાં સૌપ્રથમ કન્યાનો પ્રવેશ 1881માં, જ્યારે મુંબઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ કન્યાનો પ્રવેશ વર્ષ 1883માં થયો.

વુડનો ખરીતો (1854) બહાર આવ્યો તે સમયે બંગાળમાં 288 કન્યાશાળાઓ અને 6,869 વિદ્યાર્થિનીઓ, મુંબઈમાં 65 કન્યાશાળાઓ અને 3,500 વિદ્યાર્થિનીઓ જ્યારે મદ્રાસમાં 256 કન્યાશાળાઓ અને 8,000 વિદ્યાર્થિનીઓ હતી.

ઈ. સ. 1882માં રચાયેલા રાષ્ટ્રીય શિક્ષણપંચ (હંટર પંચ) દ્વારા નિમ્નકક્ષાના સ્ત્રીશિક્ષણ અને સમાજમાં સ્ત્રીઓના નિમ્ન દરજ્જા અંગે ગંભીર નોંધ લેવામાં આવી હતી. આ પંચે સ્ત્રીશિક્ષણ-સુધારણા અંગે કેટલીક ભલામણો કરી હતી.

ભારતમાં સ્ત્રીશિક્ષણ-સુધારણા અંગે ભારતીય અને વિદેશી સમાજસેવકોએ નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા. યુરોપિયન સમાજસેવકોમાં મિસ મૅરી કાર્પેન્ટર, ડૅવિડ હેર અને ભારતીય સમાજસેવકોમાં રાજા રામમોહન રૉય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફૂલે, મહર્ષિ કર્વે તથા સંતો દયાનંદ સરસ્વતી અને સ્વામી વિવેકાનંદના પ્રયાસો નોંધપાત્ર છે.

ભારતમાં સ્ત્રીશિક્ષણના વિકાસનો ખ્યાલ સારણી 1ના આંકડાઓ દ્વારા સ્પષ્ટ રીતે પ્રાપ્ત થાય છે.

સારણી 1 : ભારતમાં સ્ત્રીસાક્ષરતા

 વર્ષ પુરુષ-સાક્ષરતાના

ટકા

સ્ત્રી-સાક્ષરતાના

ટકા

અસમાનતા-આંક
1901 9.83 0.60 16.4
1951 27.16 8.86 3.1
2001 75.85 54.16 1.4

સારણીના આંકડા સૂચવે છે કે આઝાદી પછી પુરુષો અને સ્ત્રીઓના શિક્ષણમાં નોંધપાત્ર સુધારો થયો છે. પુરુષ-સાક્ષરતાની તુલનાએ સ્ત્રી-સાક્ષરતામાં ઝડપી વધારો થયો છે. ઈ. સ. 1901માં સ્ત્રી-સાક્ષરતાનો દર માત્ર 0.60 % હતો. ઈ. સ. 1951માં 8.86 % હતો તે વધીને 2001માં 54.16 % થયો છે. અસમાનતાના અંકમાં ઘટાડો થયો છે; પરંતુ પુરુષ-સાક્ષરતા અને સ્ત્રી-સાક્ષરતા વચ્ચેની ખાઈ હજુ સંપૂર્ણપણે દૂર કરી શકાઈ નથી.

કુલ પ્રવેશ મેળવનારની સંખ્યાના સંદર્ભમાં શિક્ષણની વિવિધ કક્ષાએ પ્રવેશ મેળવનાર ક્ધયાઓના ટકા સ્ત્રીશિક્ષણના ચિત્રને વધારે સ્પષ્ટ કરી શકે. આ ચિત્ર સારણી 2 મુજબ જોવા મળે છે.

સારણી 2 : કુલ પ્રવેશ મેળવનારની સંખ્યાના સંદર્ભે કન્યાપ્રવેશના ટકા

વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક યુનિવર્સિટી
  ધો. 1થી 5 ધો. 6થી 8 ધો. 9થી 11 શિક્ષણ
1950–51 28.1 16.1 13.3 10.00
1980–81 38.6 32.9 29.6 26.7
1990–91 41.5 36.7 32.9 33.3
1998–99 43.5 40.5 37.8 38.8

સારણીના આંકડાઓને આધારે કહી શકાય કે શિક્ષણની બધી જ કક્ષાએ કન્યાઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગુજરાતના સ્ત્રીશિક્ષણની સ્થિતિ શું છે તેનો અભ્યાસ પણ જરૂરી છે. છેલ્લી વસ્તીગણતરીના આંકડા અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાક્ષરતાની બાબતમાં મોટી અસમાનતા જોવા મળે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ નીચે સારણી 3માં દર્શાવ્યું છે.

સારણી 3 : ગુજરાતમાં જિલ્લાવાર સ્ત્રીસાક્ષરતા (ટકામાં)

ક્રમ જિલ્લો સ્ત્રી-સાક્ષરતા ક્રમ જિલ્લો સ્ત્રી-સાક્ષરતા
1. બનાસકાંઠા 34.52 13. અમદાવાદ 71.12
2. સાબરકાંઠા 52.88 14. રાજકોટ 67.64
3. વડોદરા 61.26 15. દાહોદ 31.70
4. મહેસાણા 63.96 16. જામનગર 56.90
5. જૂનાગઢ 56.92 17. નર્મદા 47.16
6. સૂરત 66.71 18. ભરૂચ 65.42
7. પાટણ 46.36 19. ગાંધીનગર 64.85
8. નવસારી 68.04 20. ભાવનગર 54.46
9. વલસાડ 59.92 21. ખેડા 57.77
10. અમરેલી 57.77 22. આણંદ 62.54
11. પોરબંદર 58.83 23. પંચમહાલ 45.43
12. સુરેન્દ્રનગર 48.72 24. ડાંગ 48.99

ગુજરાતના આઠ જિલ્લાઓમાં સ્ત્રી-સાક્ષરતાના ટકા રાષ્ટ્રીય સ્ત્રી-સાક્ષરતાના ટકા કરતાં ઓછા છે. આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ બનાસકાંઠા, દાહોદ, નર્મદા, પંચમહાલ અને ડાંગમાં સ્ત્રી-સાક્ષરતાના ટકા ઘણા ઓછા 30 %થી 35 % જેટલા જોવા મળ્યા છે. માત્ર આઠ જિલ્લાઓમાં સ્ત્રી-સાક્ષરતાનો દર 60 % કે તેથી વધારે છે. ગુજરાત રાજ્યમાં સ્ત્રી-સાક્ષરતામાં અગ્ર હોય એવા જિલ્લાઓમાં અમદાવાદ, નવસારી અને રાજકોટ જિલ્લા છે. સૌથી ઓછો સ્ત્રી-સાક્ષરતા દર હોય એવા જિલ્લાઓમાં દાહોદ, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લા છે.

સ્ત્રીશિક્ષણ ઓછું હોવાનાં કારણોમાં કન્યાઓને ઘરકામમાં કરવી પડતી મદદ, ઢોરની સંભાળ, ઢોર માટે ઘાસચારો લેવા જવું, બળતણ લેવા જવું, પાણી ભરવા જવું, રસોઈકામમાં મદદ, નાનાં ભાઈભાંડુઓની સંભાળ, માતા-પિતાનાં કન્યાકેળવણી માટે નકારાત્મક વલણો, સામાજિક જાગૃતિનો અભાવ, બાળલગ્નો, માતા-પિતાનું અશિક્ષિતપણું અને ગરીબી મહત્વનાં કારણો છે.

કન્યા માટે અલગ કન્યાશાળા હોવી જોઈએ કે તેને સહશિક્ષણ અપાવું જોઈએ તે પ્રશ્ન વિવાદાસ્પદ રહ્યો છે. આ ઉપરાંત કન્યાઓનું શિક્ષણ કુમારોના શિક્ષણ જેવું જ કે જુદું હોવું જોઈએ એ અંગે પણ મતમતાંતરો છે.

આ વિવાદ નિવારવા ઈ. સ. 1961માં શ્રીમતી હંસા મહેતાના અધ્યક્ષસ્થાને એક સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિએ આ સમસ્યાનો અભ્યાસ કરી ધોરણ 1થી 5 સુધી સમાન શિક્ષણ, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓ માટે જુદા પ્રકારનું ઉદ્યોગશિક્ષણ, માધ્યમિક કક્ષાએ વ્યવસાયલક્ષી વિષયોના શિક્ષણમાં ભિન્નતા રાખવા સૂચવ્યું હતું. કન્યાઓને ગૃહવિજ્ઞાન, ગૃહ-અર્થશાસ્ત્ર, સંગીત અને કળાઓનું શિક્ષણ આપવા ભલામણ કરવામાં આવી હતી. તે સાથે આ સમિતિએ સહશિક્ષણ અપાય તેના ઉપર ભાર મૂક્યો હતો.

આઝાદી પછી ભારતીય શિક્ષણમાં આવશ્યક પરિવર્તનો લાવવા નિમાયેલાં વિવિધ શિક્ષણપંચોએ પણ સ્ત્રીશિક્ષણ માટે વિવિધ ભલામણો કરી હતી. યુનિવર્સિટી શિક્ષણપંચે (1948–49) 13થી 18 વર્ષની વયજૂથની કન્યાઓ માટે કન્યાશાળાઓ અને કૉલેજોમાં સહશિક્ષણ અપાય એવી ભલામણ કરી હતી. માધ્યમિક શિક્ષણપંચ (1952–53) દ્વારા સહશિક્ષણ માટે કડક નીતિ અપનાવવા સૂચવાયું હતું; તેમ છતાં જ્યાં માતા-પિતાને વાંધો હોય ત્યાં અલગ કન્યાશાળાઓ ખોલવાનું અને જ્યાં માતા-પિતાને વાંધો ન હોય ત્યાં સહશિક્ષણ આપવા ભલામણ કરવામાં આવી હતી. આ પંચે સ્ત્રીશિક્ષકોની વધારે નિમણૂક થાય તેના ઉપર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય શિક્ષણપંચ(1964–1966)ના એક સર્વેક્ષણમાં 69.2 % વાલીઓએ સહશિક્ષણની ભલામણ કરી હતી. આ પંચે ધોરણ 1થી 10 સુધી સૌને માટે સમાન અભ્યાસક્રમ રાખવા સૂચવ્યું હતું. આ પંચના મતાનુસાર માનવ-સંસાધનના પૂર્ણ વિકાસ માટે, ગૃહજીવનની સુધારણા માટે, બાળકો માટે અતિ મહત્વની શૈશવાવસ્થામાં ચારિત્ર્યઘડતર માટે સ્ત્રીશિક્ષણ ઘણું જ મહત્વનું છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ(1986 અને 1992)માં સ્ત્રીઓના હક્કો, સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું લાવવા અંગે, સ્ત્રીઓના વધારે વિકાસ માટે, સ્ત્રીઓમાં નિરક્ષરતા-નાબૂદી માટે અને તેમના અભ્યાસમાં આવતા અંતરાયો નિવારવા માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સૂચવાયેલા વિવિધ કાર્યક્રમોમાં એક કાર્યક્રમ મહિલા સામખ્યનો છે, જેમાં સ્ત્રી-સશક્તીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓ સંગઠિત થાય અને તેમને થતા અન્યાયો સામે તેઓ જ લડત આપે એવું એમાં અભિપ્રેત છે.

ભારતમાં સ્ત્રીશિક્ષણની પરિસ્થિતિની સમીક્ષા કરવા અને સ્ત્રી-શિક્ષણ-સુધારણા માટે 1958–59માં શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખના અધ્યક્ષપદે નૅશનલ કમિટી ઑન વિમેન્સ એજ્યુકેશનની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ પુરુષો અને સ્ત્રીઓના શિક્ષણ વચ્ચેની ખાઈ દૂર કરવા વિશિષ્ટ પગલાં લેવાની ભલામણો કરી હતી. આ સમિતિએ નબળા સ્ત્રીશિક્ષણ અંગે અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ કમિટીએ નૅશનલ કાઉન્સિલ ફૉર ધ એજ્યુકેશન ઑવ્ ગર્લ્સ ઍન્ડ વિમેનની રચના કરવા સૂચવ્યું હતું. ભારત સરકારના શિક્ષણમંત્રાલય – હવે માનવ-સંસાધન વિકાસ મંત્રાલય–માં સ્ત્રીશિક્ષણ માટે એક અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

ભારતમાં સ્ત્રી-સુધારણા અંગે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. શિક્ષણસંસ્થાઓ અને કન્યાછાત્રાલયોની સંખ્યામાં વધારો થયો છે. આજે ભારતમાં પાંચ જેટલાં મહિલા-વિશ્વવિદ્યાલયો, 1,359 જેટલી મહિલા-કૉલેજો છે. વળી ફરજિયાત શિક્ષણને લગતા અને લગ્નવય ઊંચી લઈ જવા અંગેના કાયદાઓ, બાળમજૂરી-ધારો વગેરે થયા છે. કન્યાઓને શિક્ષણ માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. કન્યાશિક્ષણમાં તથા ઉચ્ચશિક્ષણ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશતી કન્યાઓની સંખ્યામાં વધારો પણ થયો છે. તેમ છતાં સ્ત્રીશિક્ષણના ક્ષેત્રે લાંબી મજલ કાપવી હજુ બાકી છે.

મૂળશંકર લ. જોષી