સ્ત્રીબોધ–1856 (માસિક)

January, 2009

સ્ત્રીબોધ–1856 (માસિક) : મહિલાઓ માટેનું સૌપ્રથમ માસિક. તે 1856માં 1લી જાન્યુઆરીએ શરૂ થયું. સ્ત્રીઓની જાગૃતિ માટે ગુજરાતમાં સ્ત્રીપત્રકારત્વનો પ્રારંભ પારસી સદગૃસ્થ કેખુશરો કાબરાજીએ કર્યો હતો. તેઓ ‘રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રીબોધ’ના સ્થાપક તંત્રીમાલિક હતા. આથી 1881થી 1941 સુધી પૂતળીબાઈ ‘સ્ત્રીબોધ’ સાથે સંકળાયેલાં રહ્યાં.

‘સ્ત્રીબોધ’માં પૂતળીબાઈએ બહેનોની કેળવણી, શારીરિક અને માનસિક વિકાસ માટે અનેક વર્ષો સુધી સતત લેખો લખ્યા. ‘સ્ત્રીબોધ’માં ‘શહેરનવાઝ’ તખલ્લુસથી તેઓ પત્રો પણ લખતાં. તેમનાં માતા જરબાઈ વાડિયા તરફથી તેમને લેખનવારસો મળેલો. જરબાઈ વાડિયા ‘સ્ત્રીબોધ’નાં શરૂઆતનાં વર્ષોના લેખિકા હતાં. તેમણે ‘રાસ્ત ગોફતાર’માં કેળવણી અને સુધારા-વિષયક માનસિકતા ઘડવા માટે થઈને અનેક લેખો લખ્યા.

‘સ્ત્રીબોધ’ અંગે મહત્વની વાત એ છે કે જે વર્ષે બ્રિટિશ હકૂમત સામે હિંદમાં મોટો વિપ્લવ થયો, તે જ વર્ષે આ સ્ત્રી-સામયિક શરૂ થયું ! તે શરૂ થવાનાં કારણો પણ રસપ્રદ છે. વિપ્લવનો હેતુ તત્કાલીન રાજકીય અને સામાજિક વ્યવસ્થાને ઉથલાવી જૂની રાજકીય વ્યવસ્થા સ્થાપિત કરવાનો હતો. આ કારણોને ધ્યાનમાં લઈને મુંબઈ, અમદાવાદ જેવાં વ્યાપારી નગરોએ વિપ્લવવાદીઓને નહિ, પણ અંગ્રેજ શાસકોને ટેકો આપ્યો હતો. તેઓ એવું માનતા કે મુઘલ કે મરાઠાશાસનની સરખામણીમાં બ્રિટિશ શાસન વધારે પ્રગતિશીલ છે. તેઓ એવું માનતા કે સ્ત્રીશિક્ષણના પ્રવાહને વધારે સારી રીતે દિશા આપવી હશે તો પશ્ચિમનાં મૂલ્યોને અપનાવી તેનું ભારતીયકરણ કરવું પડશે. મુંબઈ, સૂરત અને અમદાવાદમાં 1857 અગાઉ કન્યાશાળાઓ સ્થપાઈ ચૂકી હતી. આમ ‘સ્ત્રીબોધ’ નવા પ્રગતિશીલ પ્રવાહનું પ્રતીક બન્યું હતું.

‘સ્ત્રીબોધ’ના તંત્રીમંડળમાં બહેરામજી ગાંધી, સોરાબજી શાપુરજી, કરસનદાસ મૂળજી, મંગળદાસ નાથુભાઈ અને નાનાભાઈ હરિદાસ હતા. આ તંત્રીમંડળે 1857થી 1863 એમ સાત વર્ષ સુધી તંત્રીકાર્ય સંભાળ્યું. 1863થી 1904 સતત 41 વર્ષ સુધી જાણીતા સમાજસુધારક, ચિંતક અને નવલકથાકાર કેખુશરો કાબરાજીએ ‘સ્ત્રીબોધ’ સંભાળ્યું. તેમણે ‘સ્ત્રીબોધ’ની નીતિ ઘડવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. તેના મુખપૃષ્ઠ પર છપાતો આ મુદ્રાલેખ સ્ત્રીઓ પ્રત્યેની તેમની સન્માનની ભાવનાને પ્રગટ કરતો હતો :

‘કહે નેપોલિયન દેશને કરવા આભદાન,

સરસ રીત એ જ કે દો માતાને માન.’

ગુજરાતમાં કન્યાશાળાઓ અને ‘સ્ત્રીબોધ’નો વિકાસ સમાંતર થયો. તેની શૈલી પારસી શૈલી હતી. બાળાઓથી માંડીને વૃદ્ધજનો સુધીનો તેનો વાચકવર્ગ હોવાને કારણે તેમાં સુધારાનો અતિરેક ન હતો. વિષયની વિવિધતા પણ હતી. વાર્તા, કિસ્સા, જીવનચરિત્રો, તાજા સમાચારો, ઉખાણાં અને કહેવતો તથા સ્ત્રીશિક્ષણ, નીતિ અને ફિલસૂફી કાવ્યો અને નવલકથાઓનો તેમાં સમાવેશ થતો હતો. મુંબઈમાં તે જમાનામાં ફોટોગ્રાફીની શરૂઆત થઈ ચૂકી હતી. તેથી તેમાં વિષયને કે ઘટનાને અનુરૂપ તસવીરો કે ચિત્રોને સ્થાન મળતું, જે તેની લોકપ્રિયતાનું એક કારણ બન્યું.

બાળલગ્ન, કન્યાવિક્રય અને દહેજપ્રથા જેવાં દૂષણો સામે વિરોધ કરતા લેખો તેમાં પ્રગટ થતા. ‘સત્યપ્રકાશ’ના તંત્રી કરસનદાસ મૂળજી તેમના સામયિકના લેખોમાં વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓ સામે ચાબખા લગાવતા, પણ ‘સ્ત્રીબોધ’માં તો તેઓ સ્ત્રીશિક્ષણના વિષયોને કેન્દ્રમાં રાખીને જ લેખો લખતા. દલપતરામ, નર્મદ, ન્હાનાલાલ, લલિત, ખબરદાર જેવા કવિઓ, લેખકો પણ ‘સ્ત્રીબોધ’માં લખતા.

બાળઉછેર, સ્ત્રીઓ માટેની અંગકસરતો, ‘હેલ્થ અને હાઇજિન’ અને ‘નવરાશનો સમય કેવી રીતે પસાર કરવો ?’ જેવા લેખો તે સમયની શિક્ષિત સ્ત્રીઓ વાંચતી; એટલું જ નહિ, અભણ સ્ત્રીઓને પણ તે સંભળાવતી.

‘સ્ત્રીબોધ’નાં સૌપ્રથમ લેખિકા જરબાઈ વાડિયા ગણાય છે. ત્યાર પછી તેમનાં દીકરી પૂતળીબાઈ કાબરાજી, પૂતળીબાઈ પેસ્તનજી, રતનબાઈ રુસ્તમજી મલબારવાલા, ધનબાઈ બહેરામભાઈ નાણાવટી, શિરીન રુસ્તમજી કૉન્ટ્રાક્ટર અને મહેરબાઈ જેવી પારસી સ્ત્રીઓ લેખો પ્રસિદ્ધ કરતી. મહેરબાઈના ‘સ્ત્રીઓએ જોબન કેમ જાળવવું’ વિશેના લેખો લોકપ્રિય થયા હતા. રતનબાઈ પોતે તબીબ હતાં. તેઓ રજ:સ્વલા અને સુવાવડી સ્ત્રીઓને માર્ગદર્શન આપતા લેખો લખતાં.

‘સ્ત્રીબોધ’ના તંત્રી કેખુશરો કાબરાજીનું 1904માં અવસાન થયું. ત્યાર બાદ દસ વર્ષ સુધી તેનું તંત્રીપદ તેમનાં પુત્રી શિરીન કાબરાજીએ સંભાળ્યું. તેઓ ગુજરાતનાં કદાચ પહેલાં સ્ત્રી-તંત્રી હતાં. માતા-પિતાની તાલીમ તેમણે ઉજાળી. 1888થી તેઓ વાર્તાઓ લખતાં, 1904થી 1914 દરમિયાન તેમણે સંગીત, પાકશાસ્ત્ર, સ્ત્રીઓની તંદુરસ્તી અને સુવાવડ તેમજ બાળઉછેર જેવા વિષયો ઉપર ભાર મૂકીને ‘સ્ત્રીબોધ’ને નવો આકાર આપ્યો. 1907માં ‘સ્ત્રીબોધ’નું 50મું વર્ષ ઊજવાયું ત્યારે લંડનની શેક્સપિયર રીડિંગ અને ડ્રામેટિક સોસાયટીએ તેને ખાસ માનપત્ર આપ્યું હતું.

વિદ્યાબહેન નીલકંઠના મત અનુસાર ‘‘ગુજરાતમાં સ્ત્રીકેળવણી આપવાનું પ્રથમ પગથિયું ‘સ્ત્રીબોધ’ હતું.’’

‘સ્ત્રીબોધ’નું 80મું વર્ષ ઊજવાયું ત્યારે તેના તંત્રીલેખમાં તંત્રી શ્રી પૂતળીબાઈ કાબરાજી અને શ્રી કેશવપ્રસાદ દેસાઈએ લખ્યું હતું : ‘‘….. એંશી વર્ષ ઉપર ગુજરાતી સમાજ  ગુજરાતી સ્ત્રીઓ, ગુજરાતી ભાષાની સેવા કરવા ઇચ્છનાર એક નાનકડી મંડળીએ ‘સ્ત્રીબોધ’ માસિકની કલ્પના કરી, અને તે પ્રસિદ્ધ કર્યું….. આ એંશી વર્ષમાં ગુજરાતી સ્ત્રીઓમાં થયેલી પ્રગતિનાં ઘણાં સુંદર પરિણામો આપણી નજરે ચડે છે……’’

‘સ્ત્રીબોધ’ના છેવટના દિવસોના સહતંત્રી તરીકે મનુભાઈ જોધાણી કાર્યરત હતા. ‘સ્ત્રીબોધ’ બંધ કરવાનાં કારણોની વિગતોનો ઉલ્લેખ મળતો નથી, પણ 1952 સુધી ચાલીને 96 વર્ષનું ‘સ્ત્રીબોધ’ બંધ થયું.

પુનિતા હર્ણે