સ્તરવિન્યાસી વ્યાકરણ (stratificational grammar)
January, 2009
સ્તરવિન્યાસી વ્યાકરણ (stratificational grammar) : ભાષાનાં કાર્યોને વર્ણવતી વ્યાકરણની એક શાખા. સામાન્ય અર્થમાં વ્યાકરણ એટલે ભાષાનાં કાર્યોનો અભ્યાસ. પરંપરાગત વ્યાકરણો કરતાં ભાષાવૈજ્ઞાનિક વર્ણનો–ભાષાનો અત્યંત ચોક્કસ અને તટસ્થ અભ્યાસ કરે છે. સંરચનાવાદી ભાષાવિજ્ઞાન અને રૂપાંતરણીય ભાષાવિજ્ઞાન આનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્તરવિન્યાસી વ્યાકરણ પણ ભાષાનાં કાર્યોને વર્ણવવાનો આવો જ એક પ્રયાસ છે.
અમેરિકાના ભાષાવિજ્ઞાની સિડની એમ. લૅમ્બ (Sydney M. Lamb) આ વ્યાકરણના પ્રણેતા છે. 50ના દાયકાના મધ્યભાગનાં ભાષાકીય વર્ણનોમાં તેનાં બીજ રહેલાં છે; પરંતુ તેનું આધુનિક સ્વરૂપ 1965 પછી અસ્તિત્વમાં આવ્યું. લૅમ્બના પુસ્તક ‘Outline of Stratificational Grammar’(George Town University Press – 1966)માં તેની સ્વતંત્રપણે રજૂઆત થઈ છે.
લૅમ્બના મતે ભાષા એક એવી વ્યવસ્થા છે જે તેના ભાષકો દ્વારા વાત કરવા અને સમજવા માટે ઉપયોગમાં લેવાય છે. ભાષાને શબ્દોમાં સમજવાને બદલે એક માનસિક વ્યવસ્થા તરીકે સમજવી વધારે જરૂરી છે. વાણી અને લખાણ એ ભાષા નથી; પરંતુ તેઓ તો ભાષા નામની વ્યવસ્થાના આવિર્ભાવ છે. દરેક ભાષક પાસે તેના ચિત્તમાં તેની ભાષા નામની વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ રહેલું હોય છે. દરેક ભાષકના ચિત્તમાં રહેલ ભાષાનું પ્રતિનિધિત્વ બીજા ભાષકના ચિત્તમાં રહેલ પ્રતિનિધિત્વ કરતાં કેટલીક માત્રામાં અલગ હોય છે. આ પ્રતિનિધિત્વ તેની સાંસ્કૃતિક પશ્ચાદભૂ, તેની કેળવણી, તેનું ભણતર વગેરે પર આધારિત હોય છે. કોઈ પણ ભાષકના ચિત્તમાં રહેલ પ્રતિનિધિત્વ કરતાં ભાષા વધુ સંકુલ અને વૈવિધ્યપૂર્ણ હોય છે.
સ્તરવિન્યાસી વ્યાકરણ એવી માન્યતા પર આધારિત છે કે દરેક ભાષામાં કેટલાક રચનાગત સ્તરો રહેલા છે. આ દરેક સ્તર એકબીજા સાથે ઉચ્ચતર ક્રમે સંકળાયેલા છે. કોઈ એક સ્તરના ઘટકો કે તેનાં સંયોજનો તેનાથી ઉચ્ચ સ્તરે ઘટકો કે ઘટકોનાં સંયોજનોમાં અભિવ્યક્ત થાય છે. સ્તરોની સંખ્યા ભાષાએ ભાષાએ જુદી જુદી હોય છે. સામાન્ય રીતે દરેક ભાષામાં આ ચાર સ્તરો હોય છે : (1) અર્થગત સ્તર, (2) કોશગત સ્તર, (3) રૂપગત સ્તર અને (4) ધ્વનિગત સ્તર. અર્થગત સ્તરના ઘટકો ભાષાની અર્થવ્યવસ્થાને ઘડે છે. કોશગત સ્તર અને રૂપગત સ્તર ભાષાનું વ્યાકરણ ઘડે છે અને ધ્વનિગત સ્તર ભાષાનું ધ્વનિતંત્ર ઘડે છે. પાછળનાં કેટલાંક સ્તરવિન્યાસી કાર્યોમાં ‘વ્યાકરણ’ શબ્દ ત્રણ ઉચ્ચતર સ્તરોની વ્યવસ્થાને સમાવે છે – અર્થગત, કોશગત અને રૂપગત, અને ધ્વનિતંત્રનો વિરોધ કરે છે. ભાષાના આંતરિક સ્તરની સંરચનાને અર્થગત સ્તરેથી અને બાહ્ય સંરચનાને રૂપગત સ્તરથી વર્ણવાઈ છે. વર્તમાન પરિસ્થિતિમાં વ્યાકરણ શબ્દ થોડાક સીમિત અર્થમાં વપરાય છે અને તે અર્થતંત્ર તેમજ ધ્વનિતંત્રનો વિરોધ કરે છે.
ભાષાકીય વર્ણનોના મુખ્ય ઘટકોને માત્ર ઓળખવા પૂરતી જ આ વ્યાકરણની વિશેષતા નથી; પરંતુ ભાષાકીય વર્ણનને સ્તરવિન્યાસી અભિગમથી તપાસવાની વિશેષતા એ છે કે જેમ કોશગત અને રૂપગત સ્તરની વ્યવસ્થાઓ વ્યાકરણના ઘટકો છે તે જ રીતે અર્થતંત્ર અને ધ્વનિતંત્ર પણ વ્યાકરણનાં જ ઘટકો છે અને તેની સાથે સંકળાયેલાં છે. સ્તરવિન્યાસી વ્યાકરણનું બીજું ભેદક લક્ષણ એ છે કે તેણે ભાષાની સંરચનાનું વર્ણન નિયમોની વ્યવસ્થા તરીકે કરવાને બદલે સંબંધોની કાર્યજાળ (network) તરીકે કર્યું છે. ભાષાકીય ઘટકો આ સંબંધોની કાર્યજાળમાં માત્ર બિંદુઓ કે સ્થિતિઓ જ છે.
સિડની લૅમ્બના સિદ્ધાંતો પ્રમાણે ભાષા વપરાશ અને ઉત્પાદનનું સ્વરૂપ સ્તરવિન્યાસી છે. ભાષા સંદેશાને નોંધીને વાણી કે લખાણ દ્વારા અભિવ્યક્ત થવાની (encoding) અને સાંભળીને સમજવાની (decoding) ચિત્તમાં રહેલી અનેકોમાંની એક વ્યવસ્થા છે. વિશેષત: મગજમાં ભાષા માટે અલગ સ્તરો રહેલા છે. દરેક સ્તર તેના પછીના ઉચ્ચતર સ્તર માટે વાસ્તવિકતા કે અભિવ્યક્તિ પૂરાં પાડે છે અને તેના સ્તર પરનાં તત્વો એકબીજાંને મળતાં આવતાં હોય છે સમાન હોય છે. વિચારની સ્ફુરણાથી ધ્વનિના ઉત્પાદન સુધીમાં અનેક સ્તરો સંકળાયેલા હોય છે. આ સ્તરો પર અર્થગત સ્તરના ઘટક તરીકે અર્થઘટક – Sememe; કોશગત સ્તરના ઘટક તરીકે કોશઘટક – Lexeme; રૂપગત સ્તરના ઘટક તરીકે રૂપઘટક – Morpheme; ધ્વનિગત સ્તરના ઘટક તરીકે ધ્વનિઘટક –Phoneme રહેલા છે.
સ્તરવિન્યાસી વ્યાકરણ ભાષાની તપાસ આ દરેક સ્તરે કરે છે અને આ સ્તરોના સંબંધોની કાર્યજાળની તપાસ એ તેના અભ્યાસનું ક્ષેત્ર છે.
નીલોત્પલા ગાંધી