સ્તરીકરણ : વનસ્પતિસમાજ(plant community)માં થતા લંબવર્તી (vertical) ફેરફારો સાથે સંકળાયેલી ઘટના. તેના પ્રત્યેક સમક્ષિતિજીય (horizontal) વિભાગમાં વિશિષ્ટ લંબવર્તી સ્તરો જોવા મળે છે. વનસ્પતિસમાજની ઉત્પત્તિ અને વિકાસ દરમિયાન સજીવો વચ્ચે વિશિષ્ટ પ્રકારના આંતરસંબંધો અસ્તિત્વ ધરાવે છે. આ સંબંધો મુખ્યત્વે નિવાસસ્થાન અને ખોરાકને લગતા હોય છે. નિવાસ અને ખોરાક સંબંધે તે પ્રદેશની વનસ્પતિઓમાં જાતીય (specific) અને આંતરજાતીય (inter specific) સ્પર્ધા (competition) જોવા મળે છે. આ સ્પર્ધામાં સફળ થનાર વનસ્પતિજાતિઓ અનુક્રમણ(succession)ને અંતે ચરમ અવસ્થા (climax) પ્રાપ્ત કરે છે. વિકાસના તબક્કાઓ વખતે કોઈ એક નિશ્ચિત પ્રદેશમાં, જેમ કે જંગલમાં વનસ્પતિની વિવિધ જાતિઓના કેટલાક સ્તરો જોવા મળે છે. પ્રત્યેક સ્તરમાં આવેલી વનસ્પતિઓ તેમનાં સ્વરૂપ, કદ અને વર્તણૂકમાં એકબીજાથી ભિન્નતા દર્શાવે છે. આવા પ્રત્યેક સ્તરમાં આવેલી વનસ્પતિઓ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલિત થયેલી હોય છે અને એક સ્તરની વનસ્પતિઓ પર્યાવરણમાં ફેરફાર કરે છે; જે વનસ્પતિસમાજના અન્ય સ્તરની જાતિઓ માટે અનુકૂળ હોય છે. આમ, સ્તરીકરણ જુદી જુદી જાતિઓનાં આંતર-અવલંબનો(inter-dependances)નું પરિણામ છે; દા. ત., કઠલતાઓ (lianas) અને પરરોહીઓ (epiphytes) વૃક્ષો ઉપર થાય છે.

જંગલના સમાજમાં સ્તરીકરણ : (અ) અંતર્ભૂમિક સ્તર (જમીનમાં થતી ફૂગ, બૅક્ટેરિયા, પ્રજીવો અને વનસ્પતિઓનાં મૂળ સમેત વિપુલ પ્રમાણમાં મૃદૂર્વરક (humus) ધરાવતો સ્તર), (આ) વનતલ (મૃતકાર્બનિક દ્રવ્ય, કચરો અને કોહવાટની પ્રક્રિયામાં સક્રિય ફૂગ, બૅક્ટેરિયા અને પ્રાણીઓનો બનેલો સ્તર), (ઇ) શાકીય સ્તર, (ઈ) ક્ષુપસ્તર, (ઉ) વૃક્ષસ્તર.

કેટલીક વાર સ્તરીકરણ અત્યંત જટિલ હોય છે; જ્યાં સમાજ જાતિઓના અનેક લંબવર્તી સ્તરો ધરાવે છે. પ્રત્યેક સ્તર લાક્ષણિક જીવસ્વરૂપો(life forms)નો બનેલો હોય છે. તૃણભૂમિનો સમાજ અંતર્ભૂમિક (subterranean) તલમાં વનસ્પતિસમૂહના તલસ્ગો, જેમ કે મૂળ અને ગાંઠામૂળીઓ તથા તેમની ફરતે કચરો (litter) અને વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષો આવેલા હોય છે. શાકીય સ્તર (herbaceous stratum) ઘાસ અને છોડોના ઉપરના ભાગો તથા લાક્ષણિક પ્રાણીસમૂહ(fauna)નો બનેલો હોય છે. જંગલના સમાજનું સ્તરીકરણ જટિલ હોય છે અને પાંચ લંબવર્તી ઉપવિભાગો ધરાવે છે : (1) અંતર્ભૂમિક, (2) વનતલ (forest floor), (3) શાકીય સ્તર, (4) ક્ષુપસ્તર અને (5) વૃક્ષસ્તર. કેટલાંક ઉષ્ણકટિબંધીય વર્ષા-જંગલોમાં આઠ જેટલા લંબવર્તી સ્તરો જોવા મળે છે.

આમ, ભૂમિથી લંબવર્તી અંતર વધતાં ક્રમિક પર્યાવરણીય સ્તરો રચાતા જાય છે. આ દરેક સ્તરની આગવી વિશિષ્ટતા હોય છે. આ પ્રક્રિયાને સ્તરીકરણ કહે છે. આવા પ્રત્યેક સ્તરમાં વનસ્પતિઓનો વિકાસ તેમની દેહધાર્મિક જરૂરિયાતોને અનુરૂપ થાય છે. સૌથી ઉપરના વૃક્ષસ્તરને વધુ પ્રકાશ, પ્રમાણમાં ઊંચું તાપમાન, ઝડપી પવન વગેરે અનુકૂળ હોય છે. તે પછીના ક્ષુપસ્તરને વૃક્ષસ્તર કરતાં ઓછો પ્રકાશ, વધારે ભેજ અને ઓછો પવન જરૂરી હોય છે. આ જરૂરિયાતો તેની ઉપર આવેલા વૃક્ષસ્તર અને નીચે આવેલ શાકીય સ્તર કે વનતલ દ્વારા પ્રાપ્ત કરવામાં તે સફળ રહે છે. ભૂમિને સ્પર્શતા સ્તરમાં આવેલાં ફૂગ અને બૅક્ટેરિયા પોતાના પોષણ માટે જરૂરી કાર્બનિક પદાર્થો ભૂમિમાંથી મેળવી તેમનું વિઘટન કરી જરૂરી ઊર્જા મેળવે છે. આમ, એક જ પ્રદેશમાં વિવિધ પર્યાવરણીય જરૂરિયાતો ધરાવતી વનસ્પતિઓ સ્તરીકરણને કારણે એકસાથે એક જ જગાએ અસ્તિત્વ ધરાવી શકે છે. જો આ જુદા જુદા સ્તરના સજીવોને એકબીજાથી દૂર ઉછેરવામાં આવે તો તેમની વૃદ્ધિ ઉપર વિપરીત અસર પડે છે; કારણ કે પ્રત્યેક સ્તરના સજીવો અને પર્યાવરણ વચ્ચે આંતરપ્રક્રિયા થતાં એક જ જગાએ જુદા જુદા પ્રકારના સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ થાય છે; તેથી જંગલોમાં વૃક્ષના ઉપરિસ્તરમાં કઠલતાઓ, ઑર્કિડની વિવિધ જાતિઓ, બોડો વાંદો (Viscum) અને વાંદો (Loranthus) જેવી વનસ્પતિઓ જોવા મળે છે. વનતલ અને શાકીય સ્તરમાં હંસરાજ, મૉસ અને માર્કેન્શિયાની જાતિઓ જોવા મળે છે; જેમને ઓછો પ્રકાશ, વધારે ભેજ અને નીચું તાપમાન માફક આવે છે.

યોગેશ ડબગર