સ્તરભંગઘર્ષિત સપાટીઓ (slickensides) : સ્તરભંગને કારણે અસરયુક્ત ખડકો પર ઉદભવતી સુંવાળી સપાટીઓ. ભૂસંચલનને કારણે સ્તરભંગ થાય ત્યારે ખડકોમાં ભંગાણ થાય છે અને ખડકવિભાગો સરકે છે. સ્તરભંગસપાટી પરના સ્તરો દબાણ હેઠળ એકબીજાના લગોલગ સંપર્કમાં રહીને ઘસાય છે. તેના કારણે સામસામી દીવાલો લીસી, સુંવાળી, રેખાંકિત કે સળવાળી બને છે. ઉદભવતાં રેખાંકનો ખસવાની દિશાને સમાંતર હોય છે. આવી સપાટીઓ પર ખનિજો ઘસાઈને ક્યારેક પડરચના પણ બનાવે છે. આ પ્રકારનાં વિશિષ્ટ લક્ષણો ધરાવતી સપાટીઓને સ્તરભંગઘર્ષિત સપાટીઓ કહે છે. આ માટે સ્તરભંગસપાટી પરના ખડકો પ્રમાણમાં નરમ-મૃદુ હોવા જરૂરી છે. ખડકો જો સખત હોય તો તે મોટે ભાગે કચરાઈને તૂટી પડે છે, જેમાંથી સ્તરભંગ બ્રેક્સિયા રચાતો હોય છે. સ્તરભંગઘર્ષિત સપાટીઓ પર જોવા મળતા સળ, રેખાંકનો કે ધારો ક્યારેક અચાનક અટકી જઈને ફરીથી સરકવાની દિશામાં આગળ વધેલી દેખાય છે.
સ્તરભંગઘર્ષિત સપાટીઓ
આવી સપાટીઓ પર સરકવાની દિશા તરફ આંગળીઓ ફેરવતાં લીસો સ્પર્શ અનુભવાય છે, જ્યારે તેનાથી વિરુદ્ધ દિશાની સપાટી ખરબચડી અને અનિયમિત લાગે છે. ભૂસ્તરીય ક્ષેત્રકાર્ય દરમિયાન આવી સપાટીઓવાળા ખડકો મળી આવે તો ત્યાં તે સ્તરભંગના અસ્તિત્વનો ખ્યાલ આપે છે, તેથી આ સપાટીઓ સ્તરભંગ નક્કી કરવા માટેનો એક નક્કર પુરાવો બની રહે છે. સિમલા નજીકના સિમલા સ્લેટમાં થયેલા સ્તરભંગોને પરિણામે ખૂબ જ ચમકવાળી, લીસી તલસપાટીઓ તૈયાર થયેલી છે.
ગિરીશભાઈ પંડ્યા