સ્તરનિર્દેશન (strike)

January, 2009

સ્તરનિર્દેશન (strike) : સ્તરોનું દિશાનિર્દેશન. સ્તરની તલસપાટી પર દોરાતી ક્ષિતિજ-સમાંતર રેખાની દિશા. નમન દર્શાવતી સ્તરસપાટી(કે સાંધાસપાટી કે સ્તરભંગ સપાટી)માં ક્ષિતિજ-સમાંતર રેખાકીય દિશાને સ્તરનિર્દેશન કહેવાય. રચનાત્મક દૃષ્ટિએ, નમેલા સ્તરનો ક્ષિતિજ-સમાંતરતા સાથેનો આડછેદ તે સ્તર માટેનું સ્તરનિર્દેશન થયું ગણાય. આમ સ્તરનિર્દેશન એ દિશાકીય લક્ષણ બને છે, જે દિશાકોણ દ્વારા દર્શાવી શકાય છે.

સ્તરનિર્દેશન અને નમનનો સંબંધ

સ્તરનિર્દેશન હંમેશાં નમનદિશાને કાટખૂણે જ હોય છે. સ્તરોનું વિવૃતિ-વિસ્તરણ સ્તરનિર્દેશક દિશામાં જ હોય છે. તે દિશામાં જતાં એકનો એક સ્તર મળ્યા કરે છે; પરંતુ તેને કાટખૂણે નમનદિશામાં જવાથી નવી વયના સ્તરો મળી રહે છે. સ્તરનિર્દેશન એ એવી દિશા છે કે જેમાં નમનકોણ હોઈ શકતો નથી; સ્તરનમન (dip) એ દિશા અને કોણ બંને લક્ષણ રજૂ કરે છે, જ્યારે સ્તરનિર્દેશન માત્ર દિશા જ દર્શાવે છે અને તેનું દિશાનિર્ધારણ હોકાયંત્ર (કે નમનદર્શક કે બ્રુન્ટન હોકાયંત્ર) દ્વારા કરી શકાય છે; જેમ કે ઉત્તર કે દક્ષિણની નમન-દિશાવાળી સ્તરશ્રેણીનું સ્તરનિર્દેશન પૂર્વ-પશ્ચિમનું હોય છે (જુઓ આકૃતિ). નમનદિશા બદલાય તો સ્તરનિર્દેશન પણ બદલાય છે. નમનદિશા એકધારી હોય ત્યાં સુધી સ્તરનિર્દેશન પણ એકધારું રહે છે.

ગિરીશભાઈ પંડ્યા