સ્તંભતીર્થ : હાલના આણંદ જિલ્લામાં આવેલું ખંભાત નગર. સ્કંદપુરાણના માહેશ્વર ખંડના કૌમારિકા ખંડમાં ‘સ્તંભતીર્થ’, ‘સ્તંભપુર’ અને ‘સ્તંભેશ્વરતીર્થ’ – આ ત્રણ નામ તેને માટે આપ્યાં છે. આ તીર્થ મહીસાગર-સંગમ-ક્ષેત્રમાં આવેલું જણાવ્યું છે. આ નગર ‘ખંભાતખંભાયત, સ્તંભતીર્થ, ત્રંબાવતી–તામ્રલિપ્તિ, મહીનગર, ભોગવતી, પાપવતી, કર્ણાવતી’ – આ બધાં નામોથી પ્રખ્યાત હતું. અભિલેખોમાં ઉત્તર સોલંકી કાલમાં સ્તંભતીર્થનો એક નગર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઈ. સ. 1250–51માં વીરધવલે ખંભાત જીતીને ત્યાં વસ્તુપાળને પોતાના પ્રતિનિધિ તરીકે નીમ્યો હતો. ભરૂચનો શંખ ખંભાત ઉપર ચડી આવ્યો ત્યારે વસ્તુપાળ પોતે લડાઈમાં ભાગ લેતાં શંખ નાસી ગયો હતો. વસ્તુપાળ–તેજપાળના ઈ. સ. 1232ના ગિરનારના અભિલેખોમાં વસ્તુપાળના પુત્ર જયંતસિંહને સ્તંભતીર્થનો મુદ્રાવ્યાપાર કરતો જણાવ્યો છે. ઈ. સ. 1296ના ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના એક અભિલેખ અનુસાર અર્જુનદેવ વાઘેલાના દીકરા રામદેવના સમયમાં ખલ્લ નામના એક મોઢ વણિકે ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન દેરાસર બંધાવ્યું હતું. હેમચંદ્રાચાર્યને સ્તંભતીર્થમાં દીક્ષા આપવામાં આવી હતી. વસ્તુપાળને સ્તંભતીર્થમાંના સઇદ નામના નાવિક સાથે લડાઈ થઈ હતી. તેજપાળે સ્તંભતીર્થમાં નેમિજિનની મૂર્તિ તથા પૂર્વજોની મૂર્તિઓ અને હસ્તિશાળા કરાવ્યાનું ‘વિવિધ તીર્થકલ્પ’માં નોંધાયું છે. વસ્તુપાળે ત્યાં સરસ્વતીભાંડાગાર કરાવ્યો હતો. કુમારપાળ ગુપ્તવાસમાં સ્તંભતીર્થમાં ઉદયન શ્રેષ્ઠી પાસે ગયો હતો. ઉદયને તેને આશ્રય આપ્યો હતો.

રત્નમણિરાવ જોટે ‘ખંભાતનો ઇતિહાસ’માં ‘ખંભાત’ નામ સ્કંભતીર્થમાંથી નીકળ્યું છે એ મત રજૂ કરતાં લખે છે, ‘‘સ્કંભ એ વૈદિક દેવ છે અને એનો અર્થ શિવનું જ્યોતિર્મય લિંગ એવો થાય છે. ઘણા પ્રાચીન સમયથી ગુજરાતનો આ કિનારો શૈવ મતોનું સ્થાન હતો અને આ કિનારે લિંગપૂજાનો આરંભ થયો હતો.’’

જયકુમાર ર. શુક્લ