સ્ટ્રૉબેરી : દ્વિદળી વર્ગમાં આવેલ રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Fragaria chiloensis Duchesne syn. F. vesca Linn. (ગાર્ડન સ્ટ્રૉબેરી) છે. ફ્રેગેરિયા પ્રજાતિની નીચી બહુવર્ષાયુ વિસર્પી (creeping) શાકીય જાતિઓ સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વન્ય સ્થિતિમાં મળી આવે છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે : F. chiloensis, F. daltoniana, F. nilgerrensis (2n = 14) અને F. vesca.
ઉદભવ : આ પ્રજાતિની વિવિધ જાતિઓની કોષવિદ્યા (cytology) અને જનીનવિદ્યા (genetics) સૂચવે છે કે F. vesca દ્વિગુણિત (diploid, 2n = 14, 28, 56) હોય છે અને મોટા ફળવાળી સ્ટ્રૉબેરીની જાતો સાથે તેને કોઈ સંબંધ નથી, કારણ કે તેઓ મોટે ભાગે અષ્ટગુણિત (octoploid) હોય છે. ઘણીખરી વિકસાવેલી જાતો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના પૅસિફિક મહાસાગરના કિનારાની મૂલનિવાસી F. chiloensis અને ઉત્તર અમેરિકાના પૂર્વીય કિનારાની વન્ય જાતિ F. virginiana-માંથી ઉદભવી હોવાની માન્યતા છે. આ બંને જાતિઓ તેમની વન્ય અવસ્થામાં ઘણી વિભિન્નતાઓ (variations) ધરાવે છે. જાતિઓ અને ઉપજાતિઓના સંકરણ દ્વારા રંગ, સુગંધ, કદ, દૃઢતા, આબોહવાકીય અનુકૂલન અને મૃદાની સ્થિતિઓ જેવાં આનુવંશકીય લક્ષણો પ્રાપ્ત થાય છે.
સ્વરૂપ : F. chiloensis એક મજબૂત, વિરોહયુક્ત (stoloni ferous) જાતિ છે; જે લાંબા કમાનાકારના ભૂસ્તારીઓ (runners) ધરાવે છે. પર્ણો જાડાં, બુઠ્ઠા દાંતવાળાં, ઉપરની સપાટી નીલહરિત અને વધતેઓછે અંશે ચકચકિત, નીચેની સપાટી આછા લીલા રંગની હોય છે. પુષ્પો સફેદ હોય છે અને નાના ગુચ્છમાં ઉદભવે છે. ફળોના આકારમાં વિભિન્નતાઓ હોય છે. તેઓ કદમાં પ્રમાણમાં મોટાં (આશરે 3.0 સેમી.) અને સિંદૂરી લાલ હોય છે અને ચર્મફળ (achene) સ્વરૂપે તેની ફલિકાઓ ખીચોખીચ ગોઠવાઈ સમૂહફળ (aggregate fruit) બનાવે છે.
સ્ટ્રૉબેરીની પુષ્પીય શાખા અને ફળ
ગાર્ડન સ્ટ્રૉબેરી F. chiloensis સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવતી જાતિ છે અને સંકરણની ઊપજ છે. તેની અસંખ્ય જાતો છે અને કદ, આકાર, સુવાસ, ફળની ગુણવત્તા, મૃદા અને આબોહવાની અનુકૂલનશીલતા તથા રોગજન (pathogen) અને કીટકો સામેની અવરોધકતા બાબતે તફાવતો ધરાવે છે.
શીતકટિબંધના વિસ્તારોમાં સ્ટ્રૉબેરીનું વાવેતર મુખ્યત્વે ઉનાળામાં થાય છે. ઉનાળામાં ઠંડું વાતાવરણ રહેતું હોવાથી જમીનનું જરૂરી તાપમાન જાળવી રાખવા તથા ફળને ભીની જમીનના સીધા સંપર્કમાં આવતાં અટકાવવા માટે જમીન પર પરાળ(straw)નું આવરણ પાથરવામાં આવે છે. તેથી આ ફળનું નામ સ્ટ્રૉબેરી આપવામાં આવ્યું છે.
મૂળ યુરોપના આ ફળને અંગ્રેજો ભારતમાં લાવ્યા હતા. મહારાષ્ટ્રમાં આવેલ મહાબળેશ્વરની આબોહવા આ પાક માટે અનુકૂળ હોવાથી તેમજ વરસાદ મંદ મંદ અને ઝરમર ઝરમર વરસતો હોવાથી સ્ટ્રૉબેરીનું સૌપ્રથમ વાવેતર મહાબળેશ્વરમાં કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ગણદેવી, ચીખલી, નવસારી અને કામરેજ તાલુકાઓમાં; મધ્ય ગુજરાતમાં નડિયાદ તાલુકામાં તેમજ સૌરાષ્ટ્રમાં તલાલા તાલુકામાં કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ સ્ટ્રૉબેરીનું પ્રાયોગિક ધોરણે સફળતાપૂર્વક વાવેતર કર્યું હતું.
સ્ટ્રૉબેરી ભારતમાં વધારે ઊંચાઈ ધરાવતાં સ્થળોનો પાક છે. તેનું વાવેતર કાશ્મીરના કેટલાક ભાગોમાં, ઉત્તર પ્રદેશ, મુંબઈ, ચેન્નાઈ અને મૈસૂરમાં થાય છે. તેનો ઉછેર કેટલાક ઉપ-પર્વતીય (sub-montane) માર્ગો પર મર્યાદિત પ્રમાણમાં થાય છે; પરંતુ તેનાં ફળો નિમ્ન ગુણવત્તાવાળાં હોય છે. સ્ટ્રૉબેરીનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં કાશ્મીરમાં શ્રીનગર, ગુલમર્ગ અને તાનમર્ગ; પંજાબમાં જાલંધર અને ગુરદાસપુર જિલ્લાઓ; ઉત્તર પ્રદેશના મેરઠ, મુઝફ્ફરનગર, સહરાનપુર, દહેરાદૂન, નૈનીતાલ અને ફૈઝાબાદ જિલ્લાઓ; મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર અને ચેન્નાઈમાં નીલગિરિનો સમાવેશ થાય છે. કાશ્મીર અને મહાબળેશ્વર કુલ ઉત્પાદનના 75 % જેટલું ઉત્પાદન આપે છે.
જાતો : ગુજરાતમાં વાવેતર માટે પુસા અર્લી ડ્વાર્ફ, સુજાતા અને લાબેલબ જાતો અનુકૂળ ગણાય છે. આ ઉપરાંત કમાન્ડર, મન્ડલર, પિરોઝા, સીલ્વા, બેન્ટોન, સી-સ્કેપ અને ચાંડલર જેવી જાતો પણ ઉગાડી શકાય.
આબોહવા : સ્ટ્રૉબેરી શીતકટિબંધનો ફળપાક હોવા છતાં ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં ઉગાડવામાં આવે તેવી જાતો ઉપલબ્ધ હોવાથી ગુજરાતમાં પણ તેની ખેતી કરી શકાય છે. આ પાક 15° સે.થી 30° સે. તાપમાનવાળા વિસ્તારોમાં ઉગાડી શકાય છે. તે લઘુદિવસી વનસ્પતિ છે. ફળનું ઉત્પાદન, કદ, રંગ અને સુવાસ સારાં મળે તે માટે દિવસ દરમિયાન 8થી 10 કલાક સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે. હિમથી ખાસ કરીને ખીલ્યા વગરનાં પુષ્પોને નુકસાન પહોંચે છે.
મૃદા (soil) : સ્ટ્રૉબેરીની ખેતી માટે ફળદ્રૂપ, ભરભરી, સારી ભેજસંગ્રહશક્તિ અને સારી નિતારશક્તિ ધરાવતી તેમજ 5.5થી 6.5 પી.એચ.વાળી મૃદા અનુકૂળ આવે છે. ગોરાડુ મૃદા વધુ માફક આવે છે. ક્ષારયુક્ત અને ભાસ્મિક મૃદા અનુકૂળ આવતી નથી. પાણી ભરાઈ રહેવાથી છોડને નુકસાન થાય છે અને તે નાશ પામે છે. વાવેતર માટે આવી પરિસ્થિતિમાં ઊંચાણવાળી ભૂમિ પસંદ કરવામાં આવે છે.
મૃદાની તૈયારી : મૃદાને 25 સેમી.થી 30 સેમી. જેટલી ઊંડી ખેડી, કરબ વડે કરબીને તેમજ ઢેફાં ભાંગીને ભરભરી બનાવવામાં આવે છે. અગાઉના પાકનાં જડિયાં, પથ્થર વગેરે વીણી લઈ સમાર મારીને મૃદા તૈયાર કરવામાં આવે છે. મૃદા તૈયાર કરતી વખતે હેક્ટરદીઠ 20થી 25 ટન સારું કોહવાયેલું ખાતર આપવામાં આવે છે. મૃદા તૈયાર કર્યા પછી યોગ્ય માપના સપાટ ક્યારા બનાવવામાં આવે છે. પાણીનો નિતાર ઓછો હોય તેવી મૃદામાં 90 સેમી. પહોળા અને 20 સેમી.થી 25 સેમી. ઊંચા યોગ્ય લંબાઈના ગાદી-ક્યારા બનાવવામાં આવે છે.
રોપણી : સ્ટ્રૉબેરીનું વાવેતર બીજથી અને છોડમાંથી ફૂટતા ભૂસ્તારી રોપીને કરી શકાય છે. (બે ક્રમિક ગાંઠો પર ઉદભવતા મૂળ સહિતના નવા છોડોની વચ્ચે આવેલ પાતળા આંતરગાંઠવાળા ભાગને ભૂસ્તારી કહે છે.) વહેલું ઉત્પાદન મળે અને સારી ગુણવત્તાવાળાં ફળો મળે તે માટે ભૂસ્તારી રોપી વાવેતર કરવું હિતાવહ છે. પેશીસંવર્ધન (tissue-culture) દ્વારા તૈયાર કરવામાં આવેલા છોડનું પણ વાવેતર કરી શકાય છે.
ગુજરાતમાં સ્ટ્રૉબેરીની રોપણી સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયાથી ઑક્ટોબરના પ્રથમ પખવાડિયા દરમિયાન કરવામાં આવે છે. રોપણી 30 સેમી. × 30 સેમી.; 60 સેમી. × 30 સેમી. કે 60 સેમી. × 60 સેમી.ના અંતરે કરવામાં આવે છે. મૂળ ફૂટેલો ભાગ જમીનમાં દબાય તે રીતે રોપણી કરવામાં આવે છે. છોડનો મૂળ સિવાયનો ભાગ જમીનમાં દબાઈ જવાથી છોડ મરી જવાની શક્યતા રહે છે. રોપણી અગાઉ છોડની નીચેના ભાગ પરથી સૂકાં પાન દૂર કરવામાં આવે છે. રોપણી કર્યા પછી તરત જ પરાળ અથવા કાળું પ્લાસ્ટિક બે હરોળોની વચ્ચે ખાલી જમીન પર પાથરવામાં આવે છે; જેથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે; નીંદણ ઓછું થાય છે અને ફળ જમીનના સંપર્કમાં ન આવવાથી બગડતાં અટકે છે.
ખાતર : આ પાકને કેટલા પ્રમાણમાં જુદાં જુદાં ખાતરો આપવાં – તેની સંશોધન-આધારિત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ હેક્ટરદીઠ 125 કિગ્રા. નાઇટ્રોજન, 250 કિગ્રા. ફૉસ્ફરસ અને 250 કિગ્રા. પોટાશ મળે તે રીતે ખાતરો આપવામાં આવે છે. ખાતરનો અડધો જથ્થો રોપણી પછી 15થી 20 દિવસે છોડ ફરતે વલયમાં આપવામાં આવે છે. બાકીનો અડધો જથ્થો રોપણી પછી 55થી 60 દિવસે આપવામાં આવે છે.
પિયત : સ્ટ્રૉબેરીનાં મૂળ છીછરાં રહેતાં હોવાથી ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. છોડને ખૂબ ભેજની જરૂર રહેતી હોવાથી જમીનનો ઉપરનો 30 સેમી. જેટલો ભાગ ભેજવાળો રહે તે મુજબ ટૂંકા ગાળે પિયત આપવામાં આવે છે. ફળ બેસવાના સમયે 3થી 4 દિવસના ગાળે નિયમિત પિયત આપવામાં આવે છે.
પાકસંરક્ષણ : ભારતમાં ગંભીર ગણી શકાય તેવા રોગો કે જીવાતો સ્ટ્રૉબેરીને લાગુ પડતાં નથી. કેટલીક વાર વનસ્પતિ પર ગેરુ કે વાઇરસનું આક્રમણ થાય છે.
જીવાતો : આ પાકમાં મોલો, પાનકથીરી અને લશ્કરી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે.
મોલો અને લશ્કરી ઇયળના નિયંત્રણ માટે 10 લિટર પાણીમાં 10 મિલી. નુવાક્રોન ભેળવીને છંટકાવ કરવામાં આવે છે. પાનકથીરીના નિયંત્રણ માટે 0.5 % ફોલીડોલનો છંટકાવ કરવામાં આવે છે.
રોગ : ફળના સડાનો રોગ જોવા મળે તો તેના નિયંત્રણ માટે 10 લિટર પાણીમાં બાવીસ્ટીન ઓગાળીને છંટકાવ કરવામાં આવે છે.
પાકાં ફળો પક્ષીઓ, ખિસકોલીઓને આકર્ષે છે અને તેઓ પાકને ઘણું નુકસાન કરે છે. તેથી ફળ પાકવાની ક્રિયા દરમિયાન દેખરેખ રાખવી અનિવાર્ય છે.
ફળની વીણી (picking) : રોપણી બાદ લગભગ દોઢ માસે પુષ્પનિર્માણની શરૂઆત થાય છે અને રોપણી બાદ 60થી 70 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. પુષ્પનિર્માણ અને ફળનિર્માણની પ્રક્રિયાઓ રોપણીથી પાંચેક માસ સુધી ચાલે છે.
ફળની વીણીનો સમય જુદા જુદા વિસ્તારોમાં જુદો જુદો હોય છે. દક્ષિણ ભારતમાં ફેબ્રુઆરીથી જુલાઈ સુધી ફળો વીણી માટે તૈયાર થાય છે. મહાબળેશ્વરમાં વીણીનો સમય માર્ચથી જૂનનો છે. પંજાબમાં વીણી માટેનો સમય મેથી જૂનનો છે. વીણી સામાન્યત: હાથ વડે કરવામાં આવે છે.
ફળ સ્થાનિક બજારમાં વેચવાનાં હોય તો પાકાં ઘેરાં લાલ અને પોચાં ફળો દાંડી સાથે ઉતારવામાં આવે છે. જો દૂરના અંતરે વેચાણ માટે મોકલવાનાં હોય તો ફળ આછા લાલ રંગનાં બને અને થોડાં કઠણ હોય ત્યારે એટલે કે અર્ધપાકટ અવસ્થાએ દાંડી સાથે ઉતારવામાં આવે છે. ફળ ઉતારતી વખતે ફળ ઉપર આંગળીઓનું દબાણ વધુ પડતું ન અપાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે; જેથી ફળને કોઈ ઈજા ન થાય. ફળની વીણી વહેલી સવારે અથવા સાંજના સમયે કરવામાં આવે છે; જેથી ફળને ગરમીથી નુકસાન થતું અટકે.
ઉત્પાદન : એક હેક્ટર વાવેતરમાંથી લગભગ 7,000થી 8,000 કિગ્રા. ફળનો ઉતારો મળે છે.
ફળનું વર્ગીકરણ અને વેચાણ : ફળ ઉતાર્યા પછી પાકાં, અર્ધપાકટ અને ઈજા પામેલાં ફળો અલગ કરવામાં આવે છે. ઈજા પામેલાં ફળો કાઢી નાખી બાકીનાં ફળો નાની ટોપલીઓ કે પૂઠાંનાં ખોખાંમાં કે પ્લાસ્ટિકની કોથળીઓમાં પૅક કરી વહેલામાં વહેલી તકે બજારમાં મોકલવામાં આવે છે.
રાસાયણિક બંધારણ : ભારતીય સ્ટ્રૉબેરીના તાજા ફળનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 87.8 %, પ્રોટીન 0.7 %, ઈથર-નિષ્કર્ષ 0.2 %, ખનિજ-દ્રવ્ય 0.4 %, રેસો 1.1 %, કાર્બોદિતો 9.8 %, કૅલ્શિયમ 0.03 % અને ફૉસ્ફરસ 0.03 %; લોહ 1.8 મિગ્રા., વિટામિન ‘સી’ 52.0 મિગ્રા. અને નિકોટિનિક ઍસિડ 0.2 મિગ્રા./100 ગ્રા.. તે નારંગી અને લીંબુ કરતાં વિટામિન ‘સી’ (50–90 મિગ્રા./100 ગ્રા.) વધારે પ્રમાણમાં ધરાવે છે. સુવાસિત તાજાં ફળોમાં વિટામિન ‘સી’ વિપુલ પ્રમાણમાં હોય છે. પરિરક્ષિત ફળોમાં વિટામિન ‘સી’નું પ્રમાણ ઘટી જાય છે. આ ઉપરાંત આ ફળોમાં વિટામિન ‘એ’, થાયેમિન અને રાઇબૉફ્લેવિન હોય છે. શર્કરાઓ [મોટે ભાગે અપચાયી (reducing) શર્કરાઓ] કુલ ઘન દ્રાવ્ય પદાર્થોનો 70 %થી 80 % અને કુલ ઘન પદાર્થોનો 50 % જેટલો ભાગ બનાવે છે. સ્ટ્રૉબેરીમાં પૅક્ટિન (કૅલ્શિયમ પૅક્ટેટ તરીકે) 0.54 %, કાર્બનિક ઍસિડો (મુખ્યત્વે સાઇટ્રિક અને મૅલિક) 0.7 %થી 1.6 %, લેસિથિન 0.062 % અને કૅટેચોલ હોય છે. પૅક્ટિનની જેલીકરણની ગુણવત્તા નબળી હોય છે. ફળના ખનિજ-ઘટકોમાં તાંબું (0.02 મિગ્રા./100 ગ્રા. તાજું દ્રવ્ય) અને આયોડિન(15.7–23.0 γ /100 ગ્રા. શુષ્ક દ્રવ્ય)નો સમાવેશ થાય છે. ફળની સુવાસ બાષ્પશીલ એસ્ટરોને આભારી છે. નિસ્યંદિત રસોમાં ઘણી વાર સેલિસિલિક ઍસિડની હાજરી જાણવા મળી છે. રસમાં તે મિથાઇલ સેલિસિલેટના પૂર્વ સ્વરૂપે હોવાનું કેટલાક માને છે; છતાં તે નિશ્ચિત નથી. લાલ રંગ માટે જવાબદાર રંગદ્રવ્ય પેલાર્ગોનિડિન–3–મોનોગ્લુકોસાઇડ નામનું ઍન્થૉસાયનિન છે.
સ્ટ્રૉબેરીનો રસ (વિ. ગુ.15° 1.030). કુલ ઘન દ્રવ્ય 7.71 %, ઍસિડ (સાઇટ્રિક તરીકે) 0.71 %, પ્રતીપ (invert) શર્કરા 4.46 %, સુક્રોઝ 0.24 %, ટેનિન 0.13 % અને ભસ્મ 0.43 % ધરાવે છે.
સ્ટ્રૉબેરી જામ અને સિરપની બનાવટમાં ચર્મફળોનો જે અવશેષ (residue) રહે છે, તેમાંથી 19 % જેટલું શુષ્કન (drying) તેલ પ્રાપ્ત થાય છે. આ તેલનાં લક્ષણો આ પ્રમાણે છે : વિ.ગુ.15° 0.9345, વક્રીભવનાંક (n25°) 1.4790, સાબુકરણ-આંક 193.7, આયોડિન-મૂલ્ય 180.3 અને કાચા દ્રવ્ય(raw material)નો આંક 2.1. તેલમાં લિનોલિક 81 % અને લિનોલેનિક અને ઑલિક ઍસિડ 10.5 % જેટલો હોય છે.
પર્ણોમાં ઍસ્કોર્બિક ઍસિડ (319–435 મિગ્રા./100 ગ્રા.), પોટૅશિયમ ક્ષારો (K2O, 1.34–2.25 %), આર્બુટિન અને ટેનિન હોય છે. બાષ્પનિસ્યંદનથી તેલ ઉત્પન્ન થાય છે; જે લીંબુની તીવ્ર ગંધ ધરાવે છે. તે સાઇટ્રલની હાજરી સૂચવે છે.
ઉપયોગ : ચકચકિત રાતા રંગનાં સ્ટ્રૉબેરીનાં પાકાં ફળો મીઠી સુવાસવાળો, મૃદુ ઓગળી જતો માંસલ ગર ધરાવે છે. તેઓ ભોજનના અંતે મિષ્ટાન્ન તરીકેનું મૂલ્ય ધરાવે છે અને ખોરાકના મૂલ્ય કરતાં વધારે તેની સુવાસને લીધે ખવાય છે. ‘નાનાં ફળો’માં સ્ટ્રૉબેરીનું મૂલ્ય ઘણું ઊંચું છે. યુ.એસ.માં મોટા જથ્થામાં શીઘ્ર-શીતિત (quick-frozen), પતીકાં પાડેલાં કે આખાં ફળોમાંથી શર્કરા સાથે ભેળવી મુરબ્બો, જામ, જેલી કે સિરપ બનાવવામાં આવે છે. તેમની ડબ્બાબંધી (canning) પણ થાય છે. કચરેલી સ્ટ્રૉબેરી અને સ્ટ્રૉબેરી સિરપનો સોડાનાં પીણાંઓ અને આઇસક્રીમ બનાવવામાં ઉપયોગ થાય છે. કચરેલાં ફળો કે રસમાં શર્કરા ઉમેરી યીસ્ટનો ઉપયોગ કરીને કે નહિ કરીને આથવણ દ્વારા દારૂ બનાવવામાં આવે છે.
daltoniana Gay નાની રાતા પ્રકાંડવાળી અને નાજુક ભૂસ્તારીઓ ધરાવતી જાતિ છે. સિક્કિમમાં 3,000 મી.ની ઊંચાઈએ તે થાય છે અને પૂર્વ હિમાલયની વતની છે. તે શોભન-વનસ્પતિ તરીકે શૈલોદ્યાન(rock-garden)માં કે ઉદ્યાનમાં તેનો ગાલીચો બનાવવા માટે ઉછેરવામાં આવે છે.
તેનાં પુષ્પો સફેદ રંગનાં અને એકાકી (solitary) હોય છે. ફળો સાંકડાં, લંબચોરસ, 2.5 સેમી. લાંબાં અને 1.25 સેમી. પહોળાં હોય છે. તેઓ ખૂબ ઓછી સુવાસ ધરાવે છે અથવા સુવાસ વિનાનાં હોય છે.
nilgerrersis Schlecht (નીલગિરિ સ્ટ્રૉબેરી) ભારત અને ચીનની વતની છે અને આકા અને ખાસીની ટેકરીઓ (આસામ), પશ્ચિમઘાટ, નીલગિરિ અને પુલ્નેઝમાં થાય છે. ફળો ખવાય છે; પરંતુ F. vesca કરતાં નિમ્ન કોટિનાં હોય છે.
vesca Linn. (પર્પેચ્યુઅલ સ્ટ્રૉબેરી, આલ્પાઇન સ્ટ્રૉબેરી) હિમાલયમાં 1,500 મી.થી 3,000 મી. સુધીની ઊંચાઈએ થતી ઉન્નત, બહુવર્ષાયુ જાતિ છે. તેનાં ફળ નાનાં હોવા છતાં સુવાસિત અને સ્વાદિષ્ટ હોય છે. ફળ સંકોચક (astringent) અને મૂત્રલ (diuretic) હોય છે. તેના પ્રકંદને દળીને કૉફીની અવેજીમાં વાપરવામાં આવે છે. તેનાં પર્ણો મંદ સંકોચક અને મૂત્રલ હોય છે. પર્ણોનો આસવ અતિસાર અને મૂત્રીય (urinary) રોગોમાં આપવામાં આવે છે.
અગરસંગ વીરસંગ બારડ
દેવસીભાઈ કરણાભાઈ વરૂ
બળદેવભાઈ પટેલ