આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન : (જ. 5 ઑગસ્ટ 1930, વાપાકોનેટા ઓહાયો, યુ. એસ.; અ. 25 ઑગસ્ટ 2012, સિનસિનાટી, ઓહાયો, યુ.એસ.) : ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ. 16 વર્ષની ઉંમરે પાઇલટનું લાઇસન્સ મેળવીને 1947માં તેઓ નૌ-વાયુ (naval-air) કૅડેટ થયા. તેમનો પર્ડુ યુનિવર્સિટીનો વૈમાનિક ઇજનેરીનો અભ્યાસક્રમ કોરિયા યુદ્ધને કારણે 1950માં અટક્યો. આ યુદ્ધમાં તેમણે 78 ઉડ્ડયનો કર્યાં હતાં. આ દરમિયાન તેમનું વિમાન તોડી પાડવાનો કિસ્સો પણ બન્યો હતો. યુદ્ધની પ્રશંસનીય કામગીરી માટે તેમને ત્રણ ચંદ્રકો એનાયત થયા હતા. આ પછી તેમણે નૅશનલ એરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ એડ્મિનિસ્ટ્રેશન(NASA)માં જોડાઈને પરાધ્વનિક (supersonic) અને X-15 રૉકેટ વિમાનોની ચકાસણી માટે કુલ 1,100 કલાકનું ઉડ્ડયન કર્યું. આ ચકાસણી દરમિયાન 60 કિમી. જેટલી ઊંચાઈએ કલાકના 6,400 કિમી.ની ઝડપથી વિમાનોનું ઉડ્ડયન કરાતું હતું.
1962માં તેઓ અંતરીક્ષયાત્રી તરીકે પસંદ થયા. સ-માનવ જેમિની-8ના અંતરીક્ષ-ઉડ્ડયન દરમિયાન 16 માર્ચ 1966ના રોજ તેમણે પ્રથમ વખત અંતરીક્ષમાં બે યાનોનું સફળ જોડાણ કર્યું હતું. ઍપોલો-11માં 16 જુલાઈ, 1969ના રોજ એડવિન ઈ. આલ્ડ્રિન જૂનિયર અને માઇકલ કૉલિન્સ સાથે તેમણે ચંદ્ર તરફ પ્રયાણ કર્યું અને ચાર દિવસ બાદ 20 જુલાઈના રોજ બપોરના 4 – 18 (EDT = Eastern Daylight Time) સમયે ચંદ્રઉતરાણ મૉડ્યુલ ‘ઈગલે’ ચંદ્રની સપાટીનો સ્પર્શ કર્યો. રાતના 10 ક. 56 મિ. 20 સે. સમયે ‘ઈગલ’માંથી બહાર આવીને ચંદ્રની ધરતી પર આર્મસ્ટ્રૉંન્ગે પ્રથમ ડાબો પગ મૂકીને ઉતરાણ કર્યું. આ સમયે આ અવકાશવીરે કહેલું, ‘મનુષ્ય માટે આ એક નાનું પગલું છે, પરંતુ માનવજાત માટે આ એક વિરાટ પગલું છે.’
ચંદ્ર પરના તેમના તથા આલ્ડ્રિનના 21 કલાક 36 મિનિટના રોકાણ દરમિયાન ચંદ્રની ધરતી/ખડકોના નમૂના એકઠા કર્યા, વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવ્યાં અને ચંદ્રની સપાટીના ફોટા પાડ્યા. 21 જુલાઈના રોજ પૃથ્વી તરફનું ઉડ્ડયન શરૂ કરીને રાત્રિના 12 ક. 51 મિનિટે 24 જુલાઈના રોજ પૅસિફિક સમુદ્રમાં સફળ અને સહીસલામત ઉતરાણ કર્યું. 1971-79 એરોસ્પેસ ઇજનેરીના પ્રાધ્યાપક તરીકે સિનસિનાટી યુનિવર્સિટીમાં કાર્ય કરી 1979માં લેબેનૉનના ખનિજતેલ ક્ષેત્રના શારકામ માટેની યંત્રસામગ્રી પૂરી પાડનાર કાર્ડવેલ ઇન્ટરનેશનલમાં પ્રમુખ (chairman) તરીકે જોડાયા હતા.
પરંતપ પાઠક
કૃષ્ણવદન જેટલી