સ્ટ્રીપ, મેરિલ (જ. 22 જૂન 1949, સમિટ, ન્યૂ જર્સી, અમેરિકા) : હોલીવૂડની અભિનેત્રી. મૂળ નામ મેરી લુઇસ સ્ટ્રીપ. હોલીવૂડમાં નવી પેઢીની અભિનેત્રીઓમાં અત્યંત પ્રતિભાશાળી ગણાતાં મેરિલ સ્ટ્રીપ વિવિધ પાત્રોની જરૂરિયાત મુજબ પોતાની જાતને ઢાળી લેવામાં ગજબનાં સિદ્ધહસ્ત ગણાય છે. એક અભિનેત્રી તરીકે તેમની સફળતાને એ રીતે પણ આંકી શકાય તેમ છે કે 2007 સુધીમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે તેઓ બે વાર ઑસ્કાર ઍવૉર્ડ જીતી ચૂક્યાં છે અને 11 વાર શ્રેષ્ઠ અભિનેત્રીનાં અને ત્રણ વાર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનાં મળીને કુલ 14 વાર તેમને ઑસ્કાર નામાંકન મળ્યાં છે, જે એક વિક્રમ છે.
મેરિલ સ્ટ્રીપ
તેમણે ગંભીર અને વ્યાવસાયિક બંને પ્રકારનાં ચિત્રોમાં સમાન રીતે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. વિદ્યાર્થીકાળમાં જ તેઓ અભિનય તરફ આકર્ષાયાં હતાં અને સ્નાતક થયા બાદ અભિનયની તાલીમ માટે યેલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં જોડાયાં હતાં. મેરિલ સ્ટ્રીપે 1977માં નિર્માણ પામેલા ચિત્ર ‘જુલિયા’થી અભિનયની કારકિર્દીનો આરંભ કર્યો હતો અને આ પ્રથમ ચિત્રથી જ તેઓ રાતોરાત ચર્ચામાં આવી ગયાં હતાં. એ પછીનાં તેમનાં બે ચિત્રો ‘હોલોકાસ્ટ’ અને ‘ધ ડિયર હન્ટર’ પૈકી ‘ધ ડિયર હન્ટર’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું પ્રથમ ઑસ્કાર-નામાંકન મળ્યું હતું. એ પછીના વર્ષે 1979માં તેમનાં ત્રણ ચિત્રો ‘સેડક્શન ઑવ્ જો ટિનેન’, ‘મેનહટ્ટન’ અને ‘ક્રેમર વર્સિસ ક્રેમર’માં તેમણે વિવિધ પાત્રોને એવો ન્યાય આપ્યો કે એ પછી તેઓ હોલીવૂડની પ્રતિષ્ઠિત અને સફળ અભિનેત્રીઓમાં સ્થાન પામી શક્યાં. ‘ક્રેમર વર્સિસ ક્રેમર’ ચિત્રમાં ઉત્કૃષ્ટ અભિનય બદલ તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર પ્રથમ વાર મળ્યો હતો.
એક સંવેદનશીલ અને ઉમદા અભિનેત્રી તરીકે મેરિલ સ્ટ્રીપનું 1982માં નિર્માણ પામેલું ‘સોફીસ ચૉઇસ’ ચિત્ર તેમનાં ઉમદા ચિત્રોમાંનું એક છે. તેમાં મેરિલે નાઝી અત્યાચારનો ભોગ બનેલી એક પોલીસ મહિલાનું પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર મળ્યો હતો. મેરિલ સ્ટ્રીપ સંપૂર્ણતાનાં આગ્રહી છે અને પોતાની ભૂમિકાની પૂર્વતૈયારી કરવા પાછળ અથાગ મહેનત કરવા માટે જાણીતાં છે. 1990ના દાયકામાં ‘ફ્રેન્ચ લેફટેનન્ટ્સ વુમન્સ’, ‘સિલ્કવુડ’, ‘આઉટ ઑવ્ આફ્રિકા’, ‘ક્રાઇ ઇન ધ ડાર્ક’, ‘શી ડેવિલ’, ‘હર્ટબર્ન’ અને ‘પ્લૅન્ટી’ વગેરે તેમનાં નોંધપાત્ર ચિત્રો આવ્યાં હતાં. એ પછી થોડો સમય યોગ્ય ભૂમિકાઓને અભાવે તેમની કારકિર્દી જાણે સ્થગિત થઈ ગઈ હતી, પણ 1995માં ક્લિન્ટ ઇસ્ટવુડ દિગ્દર્શિત ‘ધ બ્રિજિસ ઑવ્ મેડિસન કાઉન્ટી’ અને 1996માં ‘માર્વિન્સ રૂમ’માં ફરી એક વાર તેમણે જાનદાર અભિનય કર્યો. 1997માં પહેલી વાર તેમણે નિર્માણક્ષેત્રે ઝુકાવ્યું હતું અને ટેલિવિઝન માટે ‘ફર્સ્ટ ડુ નો હાર્મ’નું નિર્માણ કર્યું હતું. 1978ની 30 સપ્ટેમ્બરે તેમણે ડોન ગમર સાથે લગ્ન કર્યાં હતાં. તેમના પતિ શિલ્પી છે. તેમને ચાર સંતાનો છે.
હરસુખ થાનકી