સ્ટ્રિક્નીન (Strychnine) : ભારતમાં ઊગતા એક વૃક્ષ, કૂચલ અથવા ઝેરકોચલા(Nux vomica)નાં બિયાંમાંથી મળતો એક રંગવિહીન, સ્ફટિકમય, ઝેરી આલ્કેલૉઇડ (alkaloid).
અણુસૂત્ર : C21H22N2O2.
અણુભાર : 334. ગ. બિં. : 275°થી 285° સે. = –104.3. uvmax (95 % EtOH) 255, 280, 290 ને.મી. શુદ્ધ સ્વરૂપે મેળવાયેલો આ પ્રથમ આલ્કેલૉઇડ છે. 1818માં પેલેટિયર (Palletier) અને કેવન્ટૂ(Cavento)એ તેને શુદ્ધ સ્વરૂપમાં મેળવ્યો હતો. તેનું બંધારણ નક્કી કરવાના પ્રયત્નો લગભગ 100 વર્ષ સુધી ચાલ્યા. છેવટે 1947માં તે નક્કી થઈ શક્યું. બંધારણની સાબિતી 1954માં વૂડવર્ડ અને તેમના સહકાર્યકરોએ સ્ટ્રિક્નીનના સંશ્લેષણ દ્વારા પૂરી પાડી. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :
ઝેરકોચલાના છોડના સૂકાં, પાકાં બિયાંનો અતિશય કડવાશવાળો સ્વાદ તેને આભારી છે. સાત લાખ ભાગ પાણીમાં રહેલ એક ભાગ સ્ટ્રિક્નીન પણ ખૂબ કડવો સ્વાદ આપે છે. તે ઈથર તથા પાણીમાં બહુ જ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય જ્યારે બેન્ઝિન, મિથેનોલ, ઇથેનોલ, ક્લૉરોફૉર્મ વગેરેમાં આંશિકપણે દ્રાવ્ય છે.
સ્ટ્રિક્નીન તેમજ બ્રુસિન (brucine) ઝેરકોચલાનાં માત્ર બિયાંમાં જ નહિ પણ તેનાં મૂળ, છાલ, પાંદડાં, સૂકાં કાષ્ઠ, ફળના માવા તથા કોચલામાં પણ હોય છે. તેનાં પાંદડાં જખમો પકાવવા પોટીસ તરીકે તથા ડિમ્ભયુક્ત ચાંદા ઉપર વપરાય છે. મૂળિયાં તથા છાલ તાવ ઉતારવા માટે તથા તેનો ઉકાળો અપસ્માર (વાઈ) માટે વપરાય છે.
ઉંદરો, રખડુ કૂતરાઓ, કૃમિ વગેરે નાનામોટા ઉપદ્રવી જીવોને મારવા સ્ટ્રિક્નીન મોટે પાયે વપરાય છે. તેના થડ ઉપર ઊધઈની અસર થતી નથી, તેથી કૃષિઉદ્યોગમાં પણ તે વપરાય છે. તેના લાકડામાંથી હળ, ઓજારોના હાથા, પૈડાં વગેરે બનાવાય છે. વૃક્ષના તાજા કાઢેલા રસનો મરડો, તાવ, કૉલેરા તથા અપચો મટાડવા માટે ઉપયોગ થાય છે.
ઝેરકોચલું જર્મનીમાં 16મી સદીમાં ઉંદર તથા અન્ય પીડક જીવો માટે વિષ તરીકે વપરાવા લાગેલું. ઔષધ તરીકે તે પ્રથમ વાર 1540માં વપરાયું હતું, પરંતુ 200 વર્ષ સુધી તેનો વ્યાપક ઉપયોગ થયો નહોતો. ઘણાં વર્ષો અગાઉ દાક્તરો તેને હૃદ્સંવહની-ઉત્તેજક તથા શ્વસન-ઉત્તેજક તરીકે વાપરતા. તેનો ટૉનિક તરીકે પણ ઉપયોગ થાય છે.
જ. પો. ત્રિવેદી