સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee]
January, 2009
સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee] : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સંરચનાકીય (structural) ઇજનેરીમાં સંશોધન હાથ ધરતી સંસ્થા. સંસ્થાના કાર્યક્ષેત્રમાં નીચેનાંનો સમાવેશ થાય છે : (i) અદ્યતન જ્ઞાનની માહિતી-બૅન્ક તરીકે કામ કરી ઇમારતોની સંરચના તથા બાંધકામ માટે માહિતી પૂરી પાડવી. (ii) રાષ્ટ્રીય અગ્રિમતા પ્રમાણે સંશોધનો હાથ પર લેવાં. (iii) ખાનગી તેમજ જાહેર ક્ષેત્રમાં સંશોધનોની જવાબદારી ઉઠાવવી. (iv) જટિલ ઇમારતીય માળખાની રચના તથા તે માટે પૃથક્કરણનું કાર્ય પસંદગી પ્રમાણે હાથ ધરવું. (v) વિશિષ્ટ પ્રકારના ઇમારતી માળખા સંબંધી ઇજનેરીને લગતા અભ્યાસક્રમો ગોઠવવા. (vi) સંરચનાકીય ઇજનેરી માટે કમ્પ્યૂટર સૉફ્ટવેર વિકસાવવાં.
આ કેન્દ્ર દેશમાં ઇમારત સંબંધી ઇજનેરીના વિકાસમાં થયેલ માહિતી એકત્રિત કરી તેનું વિતરણ કરે છે તેમજ સંશોધન અને વિકાસને લગતી રાષ્ટ્રીય યોજનાઓને આગળ ધપાવે છે. તે ઊંચી બહુમાળી ઇમારતો, લાંબા ગાળા(span)વાળી સંરચનાઓ, પ્રબલિત (reinforced) ઓવરહેડ ટાંકી તેમજ બૉક્સગર્ડરની સંરચના, ભૂગર્ભીય સંરચનાઓ, પુલની કાર્યક્ષમતા પર થતી અસરો, પૈડાં-પુલની આંતરક્રિયા, માટીના બંધારણની આંતરક્રિયા વગેરે અંગે થયેલ સંશોધન તેમજ જટિલ સંરચનાઓ સંબંધી થયેલ છેલ્લામાં છેલ્લા સુધારાઓને આવરી લેતી માહિતી એકઠી કરી કમ્પ્યૂટરના ઉપયોગ દ્વારા ઇમારતી માળખાની ઇષ્ટતમ સંરચના સૂચવી સમય, મજૂરી અને માલસામાન સંબંધી ખર્ચમાં બચત કરવાનો પ્રયત્ન કરે છે.
સ્થિર અને ગતિશીલ (dynamic) ભાર(load)ને લીધે અવલંબન-વર્તન, સમય-આધારિત વર્તન જેવી બાબતોને લગતું સૉફ્ટવેર પણ તે તૈયાર કરે છે. કાર્યક્ષમ સૉફ્ટવેરનો વિકાસ સંરચનાકીય (structural) ઇજનેરી અંગેના પ્રશ્નોમાં આશાવાદી અવલંબન બની રહે છે.
પ્રબલિત કૉંક્રીટના ભાગો માટે સ્ટેટ લિમિટ પદ્ધતિનો ઉપયોગ કરી તેમની સંરચના અને વિકાસ, સ્ટ્રીપ અને ચીલ્ડ (chilled) લાઇમ પદ્ધતિ વડે ધાબાનો અને મશીન-પાયાનો વિકાસ પણ કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્રે ફેરોસિમેન્ટના બનેલા ભાગો વિકસાવવામાં મૂળભૂત કાર્ય કર્યું છે.
કેન્દ્રે માળખાકીય બાંધકામો માટે પૂર્વપ્રબલિત (prestressed) કૉંક્રીટ બ્રિજ જેવી માર્ગદર્શિકાઓ પણ બહાર પાડી છે.
નગીનદાસ હી. મોદી