સ્ટોહલ, જ્યૉર્જ અર્ન્સ્ટ (Stahl, Georg Ernst) (જ. 21 ઑક્ટોબર 1660, અન્સબાક, ફ્રાન્કોનિયા; અ. 14 મે 1734, બર્લિન) : દહન અને તેની સાથે સંબંધિત શ્વસન, આથવણ અને કોહવાટ જેવી જૈવિક પ્રવિધિઓ માટેનો ફ્લોજિસ્ટન સિદ્ધાંત વિકસાવનાર જર્મન ચિકિત્સક અને રસાયણવિદ. એક પાદરીના પુત્ર એવા સ્ટોહલે જેના (Jena) ખાતે આયુર્વિજ્ઞાનનો અભ્યાસ કરેલો અને લ્યુથેરન ચર્ચમાં શરૂ થયેલ ધાર્મિક અતિરેકતા(pietism)ની અસર હેઠળ ઊછરેલા. તેમના શિક્ષક જ્યૉર્જ વુલ્ફગેન્ગ વિડેલ એ જીવનપ્રક્રમો(life-processes)ને રાસાયણિક સંઘટનની દૃષ્ટિએ સમજાવનાર ઔષધરાસાયણિક (chemiatric) સંપ્રદાયના પ્રણેતા હતા. પાછળથી સ્ટોહલે રસાયણશાસ્ત્ર અને આયુર્વિજ્ઞાનમાં નવી ભૂમિકા તૈયાર કરી ત્યારે પણ આ બંને વિજ્ઞાનની એકાત્મતા (unity) વિશેની તેમની માન્યતા ચાલુ રહેલી.
જ્યૉર્જ અર્ન્સ્ટ સ્ટોહલ
જેના ખાતે તેમણે તેમના સહાધ્યાયી ફ્રિડરિક હોફ્મૅન (1660–1742) સાથે ગાઢ મિત્રતા કેળવેલી. 1684માં સ્નાતક થયા તે અગાઉ સ્ટોહલે એક વર્ષથી શૈક્ષણિક કાર્ય શરૂ કરેલું. 1687માં ડ્યૂક ઑવ્ સાક્સેન-વાઇમર અને જોહાન અર્ન્સ્ટ દ્વારા રાજવૈદ્ય તરીકે તેમની નિમણૂક થઈ હતી. 1684માં બ્રાન્ડેનબર્ગના ઇલેક્ટર (elector) ફ્રેડરિક ત્રીજાએ યુનિવર્સિટી ઑવ્ હોલેની સ્થાપના કરી ત્યારે તેમણે હોફ્મૅનને નવી યુનિવર્સિટીની આયુર્વિજ્ઞાનની શાખા સંભાળવાની જવાબદારી સોંપી. હોફ્મૅને સ્ટોહલને પોતાની સાથે જોડાવા આમંત્રણ આપ્યું અને 20 વર્ષ સુધી બંનેએ સાથે કાર્ય કર્યું. આ દરમિયાન સ્ટોહલે આયુર્વિજ્ઞાન, દેહધર્મવિદ્યા, રોગનિદાનશાસ્ત્ર (pathology), ઔષધગુણવિજ્ઞાન (pharmacology) અને વનસ્પતિવિદ્યા જેવા વિષયો શીખવ્યા; જ્યારે હોફ્મૅને પ્રાયોગિક આયુર્વિજ્ઞાન, શરીરરચનાવિજ્ઞાન (anatomy), ભૌતિકવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર ઉપર પ્રવચનો આપ્યાં.
સમય જતાં બંને વચ્ચે સ્વભાવગત ઉગ્ર મતભેદો ઉત્પન્ન થયા. તેના કારણે સૈદ્ધાંતિક પ્રશ્નોમાં બંનેનાં મંતવ્યો અલગ પડવા માંડ્યાં. અંતે બંને જણ અલગ પડી ગયા. હોફ્મૅન, ઔષધરસાયણ (iatrochemistry), જે જીવંત સજીવોને યંત્ર ગણીને તેને પ્રશિષ્ટ યાંત્રિકી દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરતું હતું, તેના ચુસ્ત અનુયાયી બન્યા, જ્યારે સ્ટોહલ શરીરક્રિયાત્મક પ્રવિધિઓને રાસાયણિક પ્રક્રિયા સાથે સાંકળતા રહ્યા. સાથે સાથે ભારપૂર્વક એમ પણ જણાવતા રહ્યા કે યાંત્રિક કે રાસાયણિક નિયમો એકલા જીવનની ઘટનાઓને સમજાવવા માટે પૂરતા નથી. જીવવા માટે સજીવને એક બળનું નિર્દેશન જરૂરી છે, જેને માટે સ્ટોહલે લૅટિન શબ્દ ‘anamia’ પ્રયોજ્યો. આ ઉપરથી તેમનો સિદ્ધાંત જીવવાદ (animism) તરીકે ઓળખાવા લાગ્યો. પાછળથી આવાં જ મંતવ્યો માટે જીવનશક્તિવાદ (vitalism) અને પ્રતિભૌતિકવાદ (antimaterialism) શબ્દો ઉપયોગમાં લેવાતા થયા. વૈજ્ઞાનિક બાબતોમાં તેમનાં પરસ્પરવિરોધી મંતવ્યોને કારણે સ્ટોહલ અને હોફ્મૅનની મિત્રતાનો અંત આવ્યો અને બંને એકબીજાના પ્રતિસ્પર્ધી અને છેલ્લે દુશ્મનો બની ગયા. તે પછી બર્લિનથી નિમંત્રણ મળતાં 1716માં સ્ટોહલે પ્રશિયાના રાજા ફ્રેડરિક વિલિયમ પ્રથમના અંગત તબીબ તરીકે સેવાઓ આપી.
વિજ્ઞાનમાં સ્ટોહલનું પ્રદાન તેમના વ્યક્તિત્વને અસાધારણ માત્રામાં પ્રતિબિંબિત કરે છે. 18મા સૈકાની શરૂઆતમાં તેમણે ફ્લોજિસ્ટનવાદ રજૂ કર્યો (જુઓ : ફ્લોજિસ્ટનવાદ). જોકે આ સિદ્ધાંત ભૂલભરેલો હતો છતાં લગભગ સો વર્ષ સુધી તે પ્રચલિત રહ્યો હતો. પાછળથી ઉપચયન અને અપચયન અંગેના લેવોઇઝિયરના તથા ઑક્સિજન સંબંધી પ્રિસ્ટલીનાં સંશોધનોને કારણે તે અસ્વીકૃત બની ગયો. આયુર્વિજ્ઞાનમાં માનસિક રોગો અંગે સ્ટોહલનું સંશોધન ઉત્તમ ગણાય છે. શરીર અને મન વચ્ચેના આંતરસંબંધો તેમણે સૌપ્રથમ દર્શાવ્યા હતા.
જ. પો. ત્રિવેદી
પ્ર. બે. પટેલ