સ્ટૉર્મ, (હાન્સ) થિયોડૉર વૉલ્ડસેન (જ. 14 સપ્ટેમ્બર 1817, હુઝુમ, શ્લેસ્વિગ; અ. 4 જુલાઈ 1888, હેડેમર્શ્ચેન) : જર્મન કવિ અને નવલકથાકાર. તેમની ટૂંકી નવલકથાઓ જર્મન સાહિત્યની યશકલગી છે. જર્મન કવિતામાં વાસ્તવવાદી કવિ તરીકે સ્ટૉર્મનું નામ જાણીતું છે. રોજબરોજના માનવજીવનનાં હકારાત્મક મૂલ્યોની છબી આ કવિ સહેલાઈથી ચીતરી બતાવે છે. 19મી સદીના છેલ્લા કૌતુકપ્રિય (રોમૅન્ટિક) કવિઓ તેમના આદર્શ હતા. એડવર્ડ મૉરિક, ગોટ્ફ્રીડ કેલર, પૉલ વૉન હેયસે અને રશિયન લેખક ઈવાન ટર્ગેનેવની તેમની કવિતા પર ઘેરી અસર છે. ટર્ગેનેવ તો તેમના દિલોજાન દોસ્ત અને નજીકના પત્રમિત્ર હતા. સ્ટૉર્મના પ્રારંભે રચેલાં ઊર્મિકાવ્યો (‘ગ્રેડિચ્તે’, 1852 : ‘પોએમ્સ’) નર્યાં ગીતો છે; તેમાં સાદગી અને સૌંદર્ય ઊર્મિગીતોને એક નવું જ રૂપ આપે છે. ઊર્મિગીતોનો મુખ્ય વિષય પ્રેમ અને પ્રકૃતિ છે. આ ગીતોમાં માતૃભૂમિનો પ્રેમ તીવ્ર લાગણીથી ઊછળે છે.
સ્ટૉર્મે હુઝુમ ગામમાં વકીલાત શરૂ કરી. લગભગ છત્રીસ વર્ષની ઉંમરે ડેનિશ લોકોએ સ્લેશ્વિગ પડાવી લીધું એટલે સ્ટૉર્મને ત્યાંથી પૉટ્સડેમમાં નાછૂટકે ભાગી જવું પડ્યું હતું. આ સમય તેમના મનમાં ઘેરી છાપ મૂકી ગયેલ વતનપ્રેમ તેમની કવિતામાં સહજ દેખાય છે. પછી હેલિજેન્સ્ટેડ્ટ(Heiligenstadt)માં ન્યાયાધીશ તરીકે નોકરી કરેલી, પણ ડેનિશ લોકો 1864માં સ્લેશ્વિગમાંથી જતા રહ્યા ત્યારે કવિ ત્યાં પાછા આવ્યા. એક વર્ષ બાદ તેમનાં પત્નીનું અવસાન થયું. ફરી વાર ઊર્મિકવિતાએ તેનાં ઉત્તમ શિખરો સર કર્યાં. ‘ટીફ શેટ્ટન’ (1865) કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો. આ સમયમાં જ તેમણે લાંબી ટૂંકીવાર્તાઓ લખવાનું શરૂ કર્યું. ‘ઈમેન્સી’ (1850, અં. અનુ., 1863) શૈશવના ખોવાઈ ગયેલ સુખની હૃદયદ્રાવક વાર્તા છે. તેમની કેટલીક કૃતિઓની જેમ એમાં કવિની પોતાની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે. તેમાં ભૂતકાળની કોઈ ઝંખના કવિને સોરતી હોય તેમ લાગે છે. જેમ જેમ તેમનું લખાણ પરિપક્વ થતું ગયું તેમ તેમ તેમની દીર્ઘ ટૂંકીવાર્તાઓમાં સૂક્ષ્મ સમજ અને વાસ્તવિકતાનો વિશેષ સ્પર્શ જોવા મળે છે. સામાજિક પ્રશ્નો અને ધાર્મિક જડતાની વાતોએ તેમના મનને ઘેરી લીધું હતું. છેવટે તો માનવીના એકાકીપણાને અને તેના સંઘર્ષને તેના પ્રારબ્ધ સાથે અથડાતાં તેઓ જોઈ શકે છે. 1880માં તેઓ લગભગ નિવૃત્ત થઈને હેડેમર્શ્ચેનમાં રહેવા ગયા ત્યાં તેમણે તેમની ઉત્તમ કહી શકાય તેવી લઘુનવલકથા ‘દેર શિમ્મેલ રેઇટર’ (1888; ધ રાઇડર ઑન્ ધ વ્હાઇટ હૉર્સ, 1917) રચી. તેનો નાયક બોલવામાં તોછડો છતાંય કલ્પનાશીલ છે. સ્ટૉર્મનાં અન્ય નોંધપાત્ર સર્જનોમાં ‘પૉલ પૉપ્પેન્સ્પેલર’ (1874) અને ઐતિહાસિક ટૂંકી નવલકથા ‘એક્વિસસબ્મેર્સસ’ (1875) અને લાંબીટૂંકી વાર્તા ‘આઇએમ્ સ્કિઑઝ’ (1861) છે.
વિ. પ્ર. ત્રિવેદી