સ્ટૉર્મ ઓવર એશિયા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1928, મૂક ચિત્ર. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : વ્સેવોલોદ પુદોવકિન. કથા : ઓસિપ બ્રિક, આઇ. નૉવોક્શેવ્નૉવ. છબિકલા : આનાતોલી ગોલોવ્ન્યા. મુખ્ય પાત્રો : વેલેરી ઇન્કિજિનૉફ, આઇ. દેદિન્ત્સેવ, એલેક્સાન્દ્ર ચિસ્ત્યાકૉવ, વિક્ટર સોપ્પી.
રશિયામાં નિર્માણ પામેલા આ નોંધપાત્ર મૂક ચિત્રનું રશિયન શીર્ષક ‘પોતોમોક ચંગીઝ-ખાના’ હતું. બિનરશિયન પાત્રો ધરાવતું આ પ્રથમ રશિયન ચિત્ર ગણાય છે. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતા ચિત્રની કથા 1918માં આકાર લે છે. એ સમય રશિયામાં ગૃહયુદ્ધનો છે. એક મૉંગોલ શિકારી બેઇર પ્રાણીને મારીને તેમની રુવાંટીવાળી ખાલ એક બ્રિટિશ વેપારીને આપતો. વેપારી તેની સાથે છેતરપિંડી કરે છે એટલે બેઇર તેની સાથેનો ધંધો તોડી નાંખીને તેનાથી છુટકારો મેળવવા પહાડોમાં જતો રહે છે. 1920માં દક્ષિણ-પૂર્વીય સાઇબીરિયા અને ઉત્તરી તિબેટ પર કબજો જમાવી બેઠેલા બ્રિટિશ લશ્કર સામેની લડાઈમાં રશિયન ભાગલાવાદીઓને સાથ આપે છે. લશ્કર સાથેની ઝપાઝપીમાં તેને ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થાય છે અને તેને પકડી લેવામાં આવે છે. તેની પાસેથી જે કેટલીક ચીજો મળી આવે છે તેના પરથી લશ્કરી અધિકારીઓને લાગે છે કે તે ચંગીઝખાનનો વારસદાર છે. હવે લશ્કરી અધિકારીઓ તેની સારવાર કરાવીને તેને ઝડપથી સાજો કરે છે, જેથી તેને ચંગીઝખાનનો વારસદાર જાહેર કરીને તેને મૉંગોલિયાના શાસક તરીકે સ્થાપિત કરી તેને પોતાની કઠપૂતળી બનાવી શકાય. દિગ્દર્શક પુદોવકિનનું આ અંતિમ મૂક ચિત્ર હતું. ચિત્રમાં તેમણે રાજકીય સ્થિતિની વાત કરી હતી, પણ ચિત્રનું મુખ્ય પાત્ર રશિયનને બદલે મૉંગોલ હોવાને કારણે એ સમયે તેમણે સમીક્ષકોની ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ચિત્રનિર્માણકળા હજી તેની પ્રારંભિક અવસ્થામાં હતી ત્યારે રશિયામાં બનેલું આ ચિત્ર તેની છબિકલા તથા દૃશ્યોની પ્રભાવકતા પેદા કરતા સંપાદન માટે વખણાયું હતું.
હરસુખ થાનકી