સ્ટૉકવર્કસ (stockworks) : બખોલપૂરણીનો એક પ્રકાર. ખનિજ-ધાતુખનિજધારક નાની નાની શિરાઓની અરસપરસની ઘનિષ્ઠ ગૂંથણી દ્વારા જ્યારે આખોય ખડકભાગ આવરી લેવાયેલો હોય ત્યારે એવા શિરાગૂંથણીસ્વરૂપને લઘુશિરાજાલ જૂથનિક્ષેપ (સ્ટૉકવર્કસ) કહેવાય છે.
આલ્તનબર્ગ(જર્મની)નું કલાઈ-સ્ટૉકવર્કસ (લઘુશિરાજાલ જૂથનિક્ષેપ)
આગ્નેય અંતર્ભેદકોના પ્રાદેશિક ખડકો સાથે સંપર્કમાં રહેલા બાહ્ય વિભાગો ઝડપથી ઠરતા હોય છે. ઘનીભવન દરમિયાન થતા સંકોચનથી તેમાં અસંખ્ય તડો પડતી જાય છે. એ જ રીતે ખડકોના વિકૃતીકરણ દરમિયાન પણ વિવિધ પ્રતિબળોની અસર હેઠળ તડો અને સાંધાઓનો વિકાસ થતો હોય છે. આ પ્રકારે ઉદભવેલી તડો, સાંધાઓ કે નાની ફાટો કાલાંતરે ખનિજીય દ્રાવણોથી ભરાઈ જાય ત્યારે અનિયમિત આંતરગૂંથણી-સ્વરૂપ રચાતું હોય છે.
ખડકમાંની આવી પ્રત્યેક નાની શિરા બહુ બહુ તો મીટરની કે તેથી ઓછી લંબાઈની અને થોડાક સેમી. પહોળાઈની હોય છે. તેમનાં આકાર અને પરિમાણ અનિયમિત હોય છે; પરંતુ એકીસાથે બધી શિરાઓ લેતાં આર્થિક દૃષ્ટિએ ઉપયોગી હોય ત્યારે તેમાં સામેલ આખાય ખડકનું ખનનકાર્ય કરવાનું રહે છે.
દુનિયામાં સ્થાનભેદે જોવા મળતા સ્ટૉકવર્કસમાંથી સુવર્ણ, ચાંદી, તાંબું, સીસું, જસત, કોબાલ્ટ, પારો, મોલિબ્ડેનમના ધાતુનિક્ષેપો મળેલા છે. જર્મનીમાં આવેલા આલ્તનબર્ગ ખાતેનું કલાઈનું સ્ટૉકવર્કસ આ માટેનું લાક્ષણિક ઉદાહરણ પૂરું પાડે છે. તેનો વ્યાસ લગભગ 900થી 1,000 મીટર જેટલો છે. તેનો પ્રાદેશિક ખડક નાઇસ છે, જે ગ્રૅનાઇટ પૉર્ફિરીથી અંતર્ભેદન પામેલો છે અને આ ગ્રૅનાઇટ પૉર્ફિરીમાં સ્ટૉકવર્કસની રચના થયેલી છે. કલાઈનાં અન્ય સ્ટૉકવર્કસ ટસ્માનિયા, ન્યૂ સાઉથ વેલ્સ, દક્ષિણ આફ્રિકા અને કૉર્નવૉલ(ઇંગ્લૅન્ડ)માં મળે છે. મૅક્સિકોમાં ચાંદીનું અને અલાસ્કામાં સુવર્ણનું સ્ટૉકવર્કસ મળે છે.
ગિરીશભાઈ પંડ્યા