સ્ટૉક (જથ્થો) : ધંધાદારીનો હાથ ઉપરનો નહિ વેચાયેલો કે નહિ વપરાયેલો માલ. ગુજરાતીમાં જેને જથ્થો કહેવામાં આવે છે તેને અંગ્રેજીમાં ‘સ્ટૉક’ કહે છે. ધંધાદારી સમાજ તો ‘જથ્થો’ શબ્દનો ઉપયોગ કરવાને બદલે ‘સ્ટૉક’ શબ્દનો ઉપયોગ કરે છે. ધંધાદારીના હાથ પરના નહિ વેચાયેલા અને નહિ વપરાયેલા માલને ‘સ્ટૉક’થી ઓળખવામાં આવે છે. ઉત્પાદકો માટે ‘સ્ટૉક’ ત્રણ સ્વરૂપમાં હોય છે : (1) કાચો માલ, (2) અર્ધ તૈયાર માલ અને (3) પાકો માલ. બીજી બાજુ, વેપારીઓ માટે માત્ર પાકા માલના સ્વરૂપમાં જ સ્ટૉક હોય છે. આવો હાથ પરનો માલ જે હિસાબી સમયગાળાના અંતે હોય તે આખરના કે છેવટના સ્ટૉક તરીકે ઓળખાય છે. સરકારી ધારાધોરણ પ્રમાણે હવે ભારતમાં હિસાબી સમયગાળો મહદંશે એક વર્ષનો હોય છે અને તે 31 માર્ચે પૂરો થતો હોય છે. આથી ભારતમાં મહદંશે 31 માર્ચનો સ્ટૉક છેવટનો સ્ટૉક ગણાય છે. બીજા દિવસે એટલે કે 1 એપ્રિલે નવું નાણાકીય વર્ષ શરૂ થતાં તે સ્ટૉકને ‘શરૂઆતના’ કે ‘ઊઘડતા સ્ટૉક’થી ઓળખવામાં આવે છે. સ્ટૉકના મૂલ્યાંકન અંગે વિવિધ મતો પ્રવર્તે છે. એનું મૂલ્યાંકન પડતર-કિંમતે અથવા તો ખરીદ-કિંમતે કરવાનો નિર્ણય  અમલમાં મૂકતી વખતે ઘણી મુશ્કેલીઓ સર્જાય છે; કારણ કે વર્ષ દરમિયાન ખરીદવામાં આવેલા કે ઉત્પન્ન કરવામાં આવેલા માલની ખરીદકિંમત અથવા તો પડતરો જુદી જુદી હોય છે. દરેક ઉત્પાદિત કે ખરીદેલ માલનો જથ્થો એકસરખો હોતો નથી. પરિણામે (1) પહેલો આવેલો માલ પહેલો ગયો છે તેવું માનીને, (2) છેલ્લો આવેલ માલ પહેલો ગયો છે એવું માનીને, (3) મેળવેલ માલના જથ્થાના ભારાંકે તે પડતર કે કિંમત ગણીને અથવા તો સમગ્ર વર્ષ દરમિયાનની વિવિધ પડતરોની સરેરાશના આધારે મૂલ્યાંકન કરવાની વિવિધ પદ્ધતિઓ અમલમાં મુકાય છે. સ્ટૉકનું મૂલ્યાંકન જે તે વર્ષના કંપનીના નફા પર અસર કરે છે, તેથી તે મૂલ્યાંકન અવાસ્તવિક રીતે કરીને સંચાલકો અવાસ્તવિક નફો કે નુકસાન દર્શાવતા માલૂમ પડ્યા છે.

અશ્વિની કાપડિયા